16 એપ્રિલે બીસીસીઆઇની બેઠકમાં સ્ટેટ ટી-20 લીગ સંબંધે વર્કિંગ ગ્રુપ રચાવાની સંભાવના

મંજૂરી ન મળવા છતાં બિહાર ક્રિકેટ એસોસિએશન દ્વારા ગત મહિને ટી-20 લીગનું આયોજન કરાયું હતું અને બીસીસીઆઇએ એ લીગને જરૂરી મંજૂરી વગર રમાડવામાં આવી રહી હોવાનો વાંધો પ્રગટ કરવા છતાં આ લીગને અટકાવવામાં આવી નહોતી તેને પગલે હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની 16 એપ્રિલે મળનારી એપેક્ષ કાઉન્સીલની બેઠકમાં દેશમાં ટી-20 સ્પર્ધાના આયોજન માટે વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવી શકે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સફળતા પછી દેશભરમાં સ્ટેટ લેવલની ટી-20 લીગ શરૂ થઇ રહી છે, જો કે તેમાં મોટાભાગે ભ્રષ્ટાચારની શંકાઓ ઊભી થાય છે, જે બીસીસીઆઇના એન્ટી કરપ્શન યૂનિટ મામલે એક નવો પડકાર લઇને આવે છે. બીસીસીઆઇની એપેક્ષ કાઉન્સીલની બેઠકના એજન્ડામાં જે 14 મુદ્દાને સમાવાયા છે, તેમાં ભારતીય મહિલા ટીમના સપોર્ટ સ્ટાફની નિમણૂંકનો મુદ્દો પણ સામેલ છે.

આ ઉપરાંત એ જોવાનું રહેશે કે મહિલા ટીમના મુખ્ય કોચ ડબલ્યુ વી રમનનો કાર્યકાળ લંબાવવામાં આવે છે કે પછી બીસીસીઆઇ દ્વારા આ પદ માટે નવેસરથી અરજીઓ મગાવવામાં આવશે. રમનને 2018માં મહિલા ટીમના મુખ્ય કોચ બનાવાયા હતા. આ ઉપરાંત બીસીસીઆઇ ભારતમાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ પહેલા ટેક્સ અને વિઝા સંબંધે પણ નિર્ણય કરી શકે છે.

બેઠકમાં આ ઉપરાંત 2021-22ની ડોમેસ્ટિક સિઝનના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ગત સિઝનમાં કોરોનાના કારણે બીસીસીઆઇએ 87 વર્ષમાં પહેલીવાર રણજી ટ્રોફીનું આયોજન કર્યું નહોતું. આ ઉપરાંત 2028ના ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશ કરવાના આઇસીસીના પ્રયાસો સંબંધે પણ બીસીસીઆઇ પોતાનો નિર્ણય કરી શકે છે. જો તે ક્રિકેટને ઓલિમ્પિક્સમાં સામેલ કરવાનું સમર્થન કરશે તો બીસીસીઆઇએ પોતાની સ્વાયત્તતા ખોવી પડશે અને તે નેશનલ સ્પોર્ટસ ફેડરેશન બની શકે છે.

Related Posts