National

આરબીઆઇએ સતત પાંચમી વાર વ્યાજદરો યથાવત રાખ્યા

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ આજે ચાવીરૂપ વ્યાજના દરો રેકોર્ડ નિમ્ન સ્તરે યથાવત રાખ્યા હતા અને અર્થતંત્ર ફરી કોરોનાના ઉછાળાના પડકારનો સામનો કરી રહ્યું છે ત્યારે ધિરાણ ખર્ચને અંકુશમાં લેવા આ ત્રિમાસિકમાં રૂ. 1 લાખ કરોડના સરકારી બૉન્ડ્સ ખરીદવાની જાહેરાત કરી હતી. 2021-22 નાણાંકીય વર્ષની પહેલી નાણા નીતિમાં આરબીઆઇએ રેપો રેટ જાળવી રાખ્યો છે. મહામારીના ફટકાને હળવો કરવા માટે ગયા વર્ષે રેપો રેટ 115 બેઝિસ પોઇન્ટ્સ ઘટાડીને 4% કરાયો હતો. એ જ રીતે રિવર્સ રેપો રેટ એટલે કે આરબીઆઇનો ધિરાણ દર 3.35% યથાવત રહેશે.

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટિ (એમપીસી)એ સર્વાનુમતે વિકાસ ટકાવી રાખવા માટે વ્યાજદરો જાળવી રાખીને સમાવિષ્ટ વલણ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. ગવર્નરે બીજો માર્કેટ જી-સિક એક્વિઝિશન પ્રોગ્રામ એટલે કે જી-સેપ 1.0 જાહેર કર્યો હતો જેમાં આરબીઆઇ સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાંથી ખરીદવા કટિબદ્ધ છે. એપ્રિલ-જૂનમાં તે રૂ. એક લાખ કરોડના બૉન્ડ્સ ખરીદશે અને પહેલી ખરીદી 15મી એપ્રિલથી શરૂ થશે.

ગત નાણાકીય વર્ષમાં આરબીઆઇએ રૂ. 3 લાખ કરોડના બૉન્ડ્સ ખરીદ્યા હતા અને આ નાણાકીય વર્ષમાં પણ એવી જ યોજના છે. 2020-21માં 7.5%ના સંકોચન બાદ જીડીપી વિકાસનો અંદાજ આરબીઆઇએ નાણા વર્ષ 22 માટે 10.5% જાળવી રાખ્યો છે. પણ ફૂગાવાનો અંદાજ સુધારીને ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં 5.2% મૂક્યો છે. આ સતત પાંચમી વાર છે કે એમપીસીએ વ્યાજ દરો યથાવત રાખ્યા હોય. આરબીઆઇએ છેલ્લે વ્યાજદરોમાં ફેરફાર 2020ની 22મી મેએ કર્યો હતો.

લોકલ લૉકડાઉનને લીધે લૉન મોરેટોરિયમની હાલ કોઇ જરૂર નથી
દેશભરમાં કોરોનાના કેસો વધતા સ્થાનિક લૉકડાઉન વધી ગયું છે ત્યારે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે બિઝનેસ સ્થિતિનો સામનો કરવા વધારે સારી રીતે સજ્જ છે અને હાલ લોન મોરેટોરિયમની કોઇ જરૂર નથી. ગયા વર્ષે દેશવ્યાપી લૉકડાઉનના શરૂઆતના દિવસોમાં આરબીઆઇએ છ મહિના લોન મોરેટોરિયમ જાહેર કર્યું હતું.

Most Popular

To Top