Gujarat Election - 2022

દક્ષિણ ગુજરાતની વાંસદા વિધાનસભા બેઠક કે જ્યાં ભાજપ નહીં આ પક્ષનું છે પ્રભુત્વ

સુરત : વાંસદા વિધાનસભા બેઠક નવા સીમાંકન પછી વાંસદા તાલુકાના 95 ગામ તેમજ ચીખલી તાલુકાના 35 ગામ અને ખેરગામ તાલુકાના 6 ગામનો સમાવેશ થાય છે. વાંસદા વિધાનસભા મત વિસ્તાર આ પહેલા ધરમપુર તેમજ વાંસદાના કેટલાક ગામ ડાંગ સાથે હતા. હવે નવા સીમાંકન બાદ 2012થી વાંસદા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. છેલ્લી બે ચૂંટણીમાં અહીં જોઈએ તો કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અનંતકુમાર પટેલ ધારાસભ્ય તરીકે જીત્યા હતા. એ પહેલા આ બેઠક ઉપર છનાભાઈ ચૌધરી કોંગ્રેસમાંથી જીત્યા હતા. જોકે ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી વખતે છનાભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

ત્યારે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ અનંત પટેલને કોંગ્રેસ તરફથી વાંસદા બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણી લડાવી હતી. એ ચૂંટણી જીત્યા બાદ આ વિસ્તારમાં આદિવાસીઓના પ્રશ્નોને લઈને ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી નેતા તરીકે જાણીતા બન્યા છે. જોકે ૨૦૨૨ની ચૂંટણીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સામે ભાજપે નાયબ મામલતદાર તરીકે નોકરી કરતા પિયુષકુમાર પટેલને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

પિયુષ પટેલ નાયબ મામલતદારની નોકરી છોડી હવે સમાજ સેવા માટે ભાજપમાંથી ઉમેદવારી કરી છે. અહીં આમ આદમી પાર્ટી તરફથી ચીખલી તાલુકાના સાદડવેલ ગામના સરપંચ પંકજભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. પરંતુ મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે. ભાજપમાં નવો ચહેરો બનીને પિયુષ પટેલ મેદાનમાં ઉતર્યા છે. તેના કારણે આ વખતે વાંસદા વિધાનસભાની બેઠક ઉપર ચૂંટણી રોચક બની છે. આ ચૂંટણી રસાકસીભરી રહેશે. વાંસદા તાલુકો તેમજ ચીખલી અને ખેરગામના પણ ગામોને સમાવેશ કરતા વાંસદા વિધાનસભાનો મત વિસ્તાર 2,99,622 મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1,47,177 તથા 1,52,445 સ્ત્રી મતદારો છે.

Most Popular

To Top