નોવાક જોકોવિચની કબુલાત સૂચવે છે કે નંબર વન ટેનિસ ખેલાડી બેજવાબદાર વ્યક્તિ છે

હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે ઓસ્ટ્રેલિયા ગયેલા નોવાક જોકોવિચ અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે બરોબરની જામી પડી છે, કોર્ટે ભલે જોકોવિચના વિઝા બહાલ કરવાનો આદેશ આપ્યો હોય પણ ઓસ્ટ્રેલિયન સરકાર અને તેમાં પણ ખાસ કરીને ઇમિગ્રેશન મંત્રી અને તેમના અધિકારીઓ આ મામલે નમતુ જોખવા તૈયાર નથી. આવા સમયે એક એવી વાત સામે આવી છે કે નોવાક જોકોવિચ પોતે કોરોના પોઝિટિવ હતો તે છતાં તેણે એક સર્બિયન અખબારના પત્રકારને ઇન્ટરવ્યુ આપવાની સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

આ વાત હવે સામે આવ્યા પછી જોકોવિચે બુધવારે એવી કબુલાત કરી હતી કે એ સમયે મેં ભુલ કરી હતી અને મારે જાતે જ આઇસોલેશનમાં જતાં રહેવાનું હતું. જો કે તેની આ કબુલાત તેને વધુ બેજવાબદાર વ્યક્તિ બનાવે છે. કારણકે તે પોતે જાણીતો ટેનિસ ખેલાડી છે અને તે પણ વિશ્વભરમાં ચાહકો ધરાવે છે ત્યારે તેની લોકપ્રિયતાને ધ્યાને લેતા તેણે એટલું સમજવાની જરૂર હતી કે તે એક રીતે લોકોનો રોલ મોડલ છે અને તે જે કંઇ પણ કરશે તેને લોકો અનુસરશે. આ સ્થિતિમાં તેણે પોતાની જાતને વધુ સતર્ક રાખીને વધુ જવાબદારીપુર્વકનું વર્તન કરવાની જરૂર હતી. જોકોવિચ એમ કરવામાં જો કે ચુક્યો છે અને તેના કારણે તે એક બેજવાબદાર સેલેબ્રિટી હોવાનું પુરવાર થઇ રહ્યું છે.

બુધવારે જ એ વાત સામે આવી હતી કે ગત મહિને સર્બિયામાં એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યું અને ફોટોશૂટ દરમિયાન પોતે કોરોના પોઝિટિવ હોવાનું નોવાક જોકોવિચ જાણતો હતો, તેણે એવું સ્વીકાર્યું હતું કે નિર્ણય લેવામાં પોતે ભુલ કરી અને તેણે જાતે જ આઇસોલેશનમાં જતાં રહેવું જોઇતું હતું. જ્યારે જોકોવિચ આવું સ્વીકારે છે ત્યારે ભલે એને લોકો પ્રમાણીકતા સાથે સરખાવતા હોય પણ એક રીતે જોઇએ તો એ તેની બેજવાબદારી વધુ સામે આણે છે. 

બુધવારે જ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં ટેનિસ સ્ટારે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરતા પહેલા બે અઠવાડિયાની મર્યાદામાં પ્રવાસ કરવાની જાહેરાત કરવામાં નિષ્ફળ રહેવા માટે તેણે પોતાના સપોર્ટ સ્ટાફ દ્વારા કરાયેલી માનવીય ભુલને જવાબદાર ઠેરવી હતી. આ મહિનાના પ્રારંભે નોવાક જોકોવિચના વકિલોએ વિશ્વમાં આ નંબર વન ટેનિસ ખેલાડીને ડિપોર્ટ કરવાના નિર્ણયને પડકારતા અદાલતમાં માહિતી આપી હતી કે આ સ્ટાર ખેલાડી ગયા મહિને કોવિડ-19થી સંક્રમિત થયો હતો, આ જ આધારે તેણે ઓસ્ટ્રેલિયાના કડક રસીકરણ નિયમોથી છૂટ મેળવવા અરજી કરી હતી.

જોકોવિચને પાંચમી જાન્યુઆરીએ મેલબોર્ન હવાઈ મથક પર પ્રવેશ આપવાનો નન્નો ભણાયો હતો. બે સ્વતંત્ર તબીબી કમિટિને જોકોવિચે માહીતી મોકલી હતી જેના આધારે તેને તબીબી છૂટ મળી હતી જેને વિક્ટોરિયા રાજ્ય સરકાર અને ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ સમર્થન આપ્યું હતું. પણ ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે ઇમીગ્રેશન અધિકારીઓએ આ તબીબી છૂટને ગેરકાયદે ગણાવી હતી. આ વિવાદ એવો જામ્યો હતો કે જોકોવિચે તેના માટે કાનુની લડત લડવાનો વારો આવ્યો હતો. મેલબોર્ન પહોંચતા જ તેના વિઝા રદ કરાયા હતા અને તે પછી સ્થાનિક જજે તેના વિઝા બહાલ કર્યા હતા.

જોકોવિચે ખામીઓને સ્વીકારી હતી અને ગત મહિને કોરોના થયા પછીની તેની મુવમેન્ટ અંગે સતત ખોટી માહિતીઓને કારણે સ્પ્ષ્ટતા કરવાનો વારો આવ્યો હોવાની નોંધ કરી હતી. તેણે પોતાના એજન્ટે ખોટી જગ્યાએ ખરાનું નિશાન કરતાં આ ત્રુટી સર્જાઇ હોવાનું કહ્યું હતું.  જો કે તેણે કઇ ખોટી માહિતી તેનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. જોકોવિચે કાનુની લડત ભલે જીતી હોય પરંતુ હજુ પણ તેના વિઝા રદ થવાનું જોખમ તોળાયેલું જ છે. ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હોકના કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે જોકોવિચની કાનુની ટીમે તેના વિઝા સંભવિત રદ થવા સામે હજુ વધુ દસ્તાવેજો દાખલ કરવા પડશે. હજુ પણ તેની સામે ડિપોર્ટ થવાનું જોખમ તો તોળાયેલું જ છે અને ઓસ્ટ્રેલિયાના કડક નિયમોને ધ્યાને લેતા જો જોકોવિચ ડિપોર્ટ થશે તો તે આગામી ત્રણ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં ફરી જઇ શકશે નહીં. આ બધી બાબતોને ધ્યાને લઇને જ જોકોવિચે પોતાનાથી ભુલ થઇ હોવાનું સ્વીકાર્યુ છે. જો કે એ સ્વીકારતાની સાથે જ તેની સામે એક બેજવાદાર વ્યક્તિ હોવાની છાપ લાગી ગઇ છે.

Most Popular

To Top