Charchapatra

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના સામેના પડકારો

ભારત પ્રાચીન સમયથી કળા – કારીગરીના ક્ષેત્રે મોખરે રહ્યું છે. જેમકે ભારતનાં અનેક શિલ્પ સ્થાપત્ય કળા, ચિત્રકળા, હાથ વણાટ કે હસ્તકળાના અનેક નમૂનાઓ વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. કારણકે આ તમામ કળાના નમૂનાઓ સાથે ભારતનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો જોડાયેલો છે અને તેથી જ આ કળાઓ પૈકી વિસરાઈ ગયેલી હસ્તકળાને વેગવંતી બનાવીને ગ્રામીણ અર્થતંત્રને ટેકો આપવાના હેતુસર કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપી આ યોજનાની સરકારે પહેલ કરી છે. આ યોજના હેઠળ રાજ્યના જિલ્લાઓમાંથી એવી યુનિક પ્રોડક્ટ પસંદ કરવામાં આવે છે; જે તે જિલ્લાનું ઐતિહાસિક વારસો દર્શાવતી હોય.

 પરંતુ સરકારે કરેલી આ નવી પહેલ સામે કેટલાક પડકારો રહેલા છે. ઈ. સ.1991 ના આર્થિક સુધારાઓ પછી પંચવર્ષીય યોજનાઓમાં મોટા ભાગે ભારે અને મોટા પાયાના ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મુકાયો છે. આથી હસ્તકળા , કુટીર તથા નાના પાયાના ઉદ્યોગો પ્રત્યે સેવાયેલા દુર્લક્ષને કારણે આવા ઉદ્યોગોની સૌથી મોટી સમસ્યા મૂડી રોકાણની છે. મુખ્યત્વે હસ્ત કળા કે કુટીર ઉદ્યોગો સાથે જોડાયેલાં કારીગરો અતિ મધ્યમવર્ગીય પરિવારોનાં હોય છે. આથી આવા ઉદ્યોગોને બેંકને લોન માટે કે રોકાણકારોને ચૂકવવાના વ્યાજના દરો પરવડે એમ નથી હોતા. ઉપરાંત આવા ઉદ્યોગોમાં આધુનિક ટેકનલોજી અને મશીનરીનો પણ અભાવ જોવા મળે છે તથા મશીનરી નિભાવખર્ચ, વીજળી ખર્ચ, ઉત્પાદન પડતર ખર્ચ અને કારીગરોને ચૂકવવાના મહેનતાણાનો ખર્ચ તથા તાલીમ ખર્ચ આવકની સામે વધારે હોય છે. કારણ કે આવી પ્રોડકટસના વેચાણ માટે ચોક્કસ બજારો ઉપલબ્ધ નથી.જો કે સરકાર આ યોજના હેઠળ પ્રોડક્ટ્સને બજારમાં મૂકવા માટે પ્રદર્શનો, મેળાઓ, બ્રાન્ડ ટેગ વગેરે અમલમાં મૂકશે.

પરંતુ જ્યાં સુધી આવી પ્રોડક્ટસનો પુરવઠો મુખ્ય બજારોમાં નહીં પહોંચે ત્યાં સુધી આવા ઉદ્યોગોના કાયમી વિકાસમાં અવરોધ ઊભો થશે. આવા ઉદ્યોગોને મદદ કરવા માટે અત્યારે તો જિલ્લાની કેટલીક સંસ્થાઓ આગળ આવી રહી છે, પરંતુ અર્થતંત્રમાં થતાં ચક્રીય ફેરફારો જે વિકસિત દેશ માટે અનેક પડકારો લઈને આવે છે. ઉપરાંત આવા ઉદ્યોગો આર્થિક રીતે સદ્ધર ન હોવાને કારણે તેમના માટે મંદી, ફુગાવો, કુદરતી કે માનવસર્જિત આફતો ખરેખર બાધાજનક હોય છે. ઉપરાંત આજના ડિજિટલ યુગમાં અનેક ઓનલાઈન માર્કેટસમાં સસ્તા દરે દરેક પ્રોડક્ટસ ઉપલબ્ધ હોય છે. આથી મોટા ભાગના ગ્રાહકો આવી યુનિક પ્રોડક્ટસની અવેજીમાં સસ્તી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. આથી ગ્રાહકોનું વલણ પણ આ યોજના માટે પડકારરૂપ છે.
ભરૂચ    – સૈયદ માહનુર–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટિળકે કહ્યું મને બેહોશ ન કરે
એક વાર લોકમાન્ય ટિળકના હાથનું હાડકું ભાંગી ગયું અને તેમના હાથનું ઓપરેશન કરવાનું હતું. ડોક્ટરને કહ્યું કે તેઓ તેમને બેહોશ ન કરે, ચૈતન્ય અવસ્થામાં જ ઓપરેશન કરે. તેમણે પોતાની ગીતા હાથમાં લીધી અને તે વાંચવાનું શરૂ કર્યું. તેમાં એટલા ઊંડાણપૂર્વક તલ્લીન થઈ ગયા, ભાવમાં ડૂબી ગયા કે ભયંકર દુખાવો થવા છતાં તેમણે ચું કે ચાં ન કર્યું. શાંત ભાવે તેઓ વાંચતા રહ્યા જાણે કે કોઈ યોગી! કે જેણે પોતાની ચેતનાને પોતાના શરીરથી અલગ કરી દીધી હોય. જ્યારે તેમનું ઓપરેશન પૂરું થયું ત્યારે પોતાની ચેતનાના ઊંડાણમાંથી સામાન્ય સ્તર પર આવી ગયા.
વિજલપોર – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top