Charchapatra

ચંદ્ર મિશન ૩

સમગ્ર દેશ ગૌરવાન્વિત થાય એવી અનન્ય અને અનેરી ઘટના ચંદ્ર મિશનની સમગ્ર સફળતાનું શ્રેય ઈસરોના વૈજ્ઞાનિકોને ફાળે જાય છે. એમને જેટલા વધાવીએ એટલાં ઓછાં છે. દરેક બાબતમાં જશ ખાટવા દોડી જતી સરકારને તો ગળે વાક્ય આવી ગયું હતું કે, અમારી સરકાર આવી પછી જ ઈસરોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, પણ શું થાય. સરકાર જેને ઢગલે મોઢે ગાળો આપી ચૂકી છે એવા પૂર્વ વડા પ્રધાન જવાલાલ નેહરુએ આ ઇસરોની સ્થાપના કરેલી. સાયકલ પર અને બળદગાડામાં રોકેટના પૂરજા લઈ જવામાં આવતા હતાં , એવો ઈસરોનો ઇતિહાસ રહેલો છે.

કોઈ પણ સિદ્ધિ રાતોરાત પ્રાપ્ત થતી નથી. આજની ચંદ્ર મિશનની સિદ્ધિનાં બીજ પણ ક્યાંક ને ક્યાંક એ ઇતિહાસમાં દટાયેલાં પડેલાં છે. આજની સિદ્ધિ એ ઇસરોના વૈજ્ઞાનિકોનાં વર્ષોના તપનું ફળ છે. વર્તમાન સરકારને દેશ આઝાદ થયો પછી જો દેશનું સુકાન સોપાયું હોતે તો ઇસરોની સ્થાપનાના બદલે ભવ્ય મંદિરો, ભવ્ય પૂતળાઓ, ભવ્ય સ્ટેડિયમ અને ભવ્ય સંસદ ભવનો ઊભા કરતે. દેશમાં એક “પ્રજાતિ” એવી છે કે જે એમ માને છે કે દેશમાં 2014 પછી જ બધું સારું થઈ રહ્યું છે. કમ સે કમ બે ક્ષેત્રોને ગંદા રાજકારણથી અભડાવવાનુ બંધ કરવું જોઈએ. એક ક્ષેત્ર એટલે લશ્કર અને બીજું ક્ષેત્ર એટલે માનવ કલ્યાણ અર્થે કામ કરતાં વૈજ્ઞાનિકો.
સુરત     – પ્રેમ સુમેસરા–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિકાસ યુગમાં ટપાલી દાદા ગુમ
અડાજણ ગેસ સર્કલ વિસ્તારમાં અંકુર, મૈત્રી, સમર્પણ, મુક્તાનંદનગર અને બીજી કેટલીક સંખ્યાબંધ નાની મોટી રહેણાંક સોસાયટીઓ શોપર્સ, હોસ્પિટલો, ઓફિસો આવેલી છે. છેલ્લા લાંબા સમયથી આ સોસાયટીઓએ સરકારી સાદી ટપાલની ડિલિવરી કરતા ટપાલી દાદાનાં દર્શન કર્યાં નથી. એક જમાનામાં દિવસમાં બે વાર ટપાલો વહેંચાતી એ ઘટના હવે દંતકથા બની ગઈ છે. પૂરા ગણવેશમાં સજ્જ ટપાલીદાદા નાગરિકોના આદરપાત્ર પ્રિય પાત્ર હતા. પવિત્ર શ્રાવણ માસમાં ટપાલ ખાતું ફરી દર્શન સુવિધા આપશે?
સુરત     – વિજય શાસ્ત્રી–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top