Comments

અધિકારીઓ સરકારને ગાંઠતા નથી

ગુજરાત સરકારે અધિકારીઓ માટે એક પરિપત્ર કર્યો છે અને એની ચર્ચા છે. આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, દરેક અધિકારીઓ ધારાસભ્ય અને મંત્રીઓના ફોન ઉઠાવી જવાબ આપવા પડશે અને  કોઈ બેઠક કે અન્યત્ર વ્યસ્ત હોય તો બાદમાં ફોન કરવો પડશે અને દરેક અધિકારીઓએ એમના ફોનમાં ધારાસભ્યો અને મંત્રીઓના નંબર સેવ કરવા પડશે. આવા પરિપત્ર મુદે્ ચર્ચા ના થાય તો નવાઈ.

અગાઉ આવું યુપીમાં બની ચૂક્યું છે. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આવો પરિપત્ર કરવામાં આવ્યો હતો. યોગીજીને કેટલીક ફરિયાદો આવતાં એમણે અધિકારીઓને કડક સૂચના આપી હતી. ગુજરાતમાં પણ આવી ફરિયાદો વધતી જતી હતી. ખુદ ધારાસભ્યો દ્વારા આવી ફરિયાદો થઇ હતી અને એના અહેવાલો અખબારોમાં છપાયા બાદ આ નિર્ણય લેવાયો હોય એમ માનવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બહુ સરળ છે. એ આસાનીથી મળી શકે છે. કદાચ એ તો કારણ નથી ને કે અધિકારીઓ દાદ દેતા ના હોય.

પણ સાચી વાત એ છે કે,  ગાંધીનગર સચિવાલયમાં કે પછી જિલ્લાઓમાં અધિકારીઓ પ્રજાના પ્રતિનિધિઓને દાદ દેતા નથી. હવે પ્રજાની શું દશા થતી હશે એ કલ્પી શકાય છે. આ અધિકારીઓ પર શાસનકર્તા જો કાબૂ ના રાખે તો એ બધા બેલગામ બની જાય છે એવું અનેક વાર જોવા મળ્યું છે અને તાજેતરમાં અધિકારીઓ અને નકલી અધિકારીઓના કિસ્સાઓ બહાર આવ્યા છે એ એના બોલતા પુરાવા છે.

એક જિલ્લા કલેકટર સામે જે થયું અને એમાં એ અધિકારી સામે કઈ રીતે કાવતરું ઘડાયું હતું એ વિગતો બહાર આવી અને બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બધા પોલીસ કસ્ટડીમાં કે જેલમાં છે. મૂળે તો વાત જમીનની છે. એ ફાઈલો પાસ કરવા-કરાવવામાં જે ખેલ ચાલે છે એ કોણ નથી જાણતું? અન્ય એક અધિકારી લાંગાનો કિસ્સો પણ બહુ જૂનો થયો નથી અને એમાં તો નેતાઓનાં નામ પણ પડદા પાછળ ચર્ચાયાં હતાં. કેટલાક અધિકારીઓ સામે ભૂતકાળમાં એક્શન પણ લેવાયા છે. અને હજુ ય કેટલાક કેસો ચાલુ છે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે અધિકારીઓને બહુ મહત્ત્વ આપ્યું હતું અને ધારાસભ્યોની સાથે કેવો વ્યવહાર થતો હતો એ પણ જાણીતી વાત છે અને એ ગાળામાં અધિકારીઓમાં મોદીનો કડપ હતો, પણ એમના ગયા બાદ એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા નથી અને એ કારણે અધિકારીઓ બેલગામ બની ગયા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં  કેટલાક મંત્રીઓ સાવ નવા છે અને એમના વિભાગના અધિકારીઓ મનમાની કરે છે. એક મંત્રીએ તો એમ કહેલું કે, એ રોજ સવારે સચિવાલય જાય તો એક ચિઠ્ઠીમાં નોંધ કરીને જાય કે, આજે ક્યાં કામ વિષે પ્રગતિ પૂછવાની છે. નહિ તો અધિકારીઓ મુદા્ઓ ભુલાવી દે છે. કામ ગોટે ચઢાવી દે છે.

સાચા અર્થમાં કોઇ પણ શાસનમાં રાજ ગમે તે પક્ષનું હોય, પણ રાજ તો  અધિકારીઓ જ કરતા હોય છે. સરકારમાં કોનું કેટલું ચાલે છે એના પરથી એ નક્કી થાય કે, કોણ રાજ કરે છે. ગુજરાતમાં છેલ્લાં થોડાં વર્ષમાં અધિકારીઓનું વર્ચસ્વ વધ્યું છે અને એ કારણે પ્રજાકીય કામો ડહોળાય છે. અધિકારીઓને છૂટો દોર દેવો એક વાત છે અને એ બેલગામ બની જાય એ આખરે તો પ્રજા અને સરકારને બંનેને નુકસાન જ કરે છે અને એમાં જો દિલ્હી સરકાર માટે કેન્દ્ર સરકારે સેવા બીલ લાવી અને એને પાસ કરાવ્યું એ પછી દિલ્હીમાં શી હાલત થશે એ વિષે કંઈ કહેવાની જરૂર ખરી. વાત તો એક જ છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે અને અધિકારીઓ એમના જ નેતાઓનું માનતા નથી. દિલ્હીમાં ‘આપ’ની સરકાર છે અને ત્યાં અધિકારીઓ કેન્દ્ર સરકારનું માને એ માટે સેવા બીલ લવાયું.

# મહાદેવ એપ કૌભાંડ
છત્તીસગઢમાં એક ગજબનું રેકેટ પકડાયું છે. મહાદેવ એપ નામે ગેમિંગ એટલે કે સટ્ટો રમાડાતો હતો અને એમાં એક જ વર્ષમાં ૫૦૦૦ કરોડનો વેપાર થયો હોય એવું બહાર આવ્યું છે. આવા એપથી ચેતવા જેવું છે. કારણ કે શરૂઆતમાં એમાં રમનારને જીતાડવામાં આવે છે અને પછી ધીરે ધીરે લત લાગે છે અને એ હારતો જાય છે. આ કૌભાંડમાં એક નવી વાત એ બહાર આવી છે કે, ગેમિંગ સાઈટ દ્વારા હવાલા અને મની લોન્ડરિંગ તો થતું જ હતું, પણ એ પૈસા કઈ રીતે ક્યાંથી ક્યાં જતા હતા એ નવી મોડેસ ઓપરેન્ડી જોવા મળી છે.

કોઈ ગરીબના બેંક ખાતાને ભાડે લેવામાં આવતું અને એમાં પૈસા જમા થાય અને બાદમાં એ કોર્પોરેટ ખાતામાં જમા થાય. શક્ય છે કે જનધનમાં ખોલાયેલા ખાતાનો પણ આ કૌભાંડમાં ઉપયોગ થયો હોય. દસ હજાર બેંક ખાતાનો ઉપયોગ થયો છે અને દસ લાખ લોકોએ આ સટ્ટો રમ્યો છે. છત્તીસગઢ સહિત દેશમાં આ ગેમિંગનાં ૩૦ કેન્દ્રો છે અને ત્યાંથી વહીવટ થતો હતો અને એ દુબઈથી ઓપરેટ થતું હતું.  એટલે કે આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય છે. આવું જ એક કૌભાંડ ગુજરાત અને યુપીમાં પણ બન્યું છે. એક ચીની નાગરિકે સ્થાનિકો સાથે એક એપ લોન્ચ કરી અને એ ફૂટબોલ પર સટ્ટો રમાડતી હતી અને ગુજરાત અને યુપીમાં ૧૨૦૦ લોકો પાસેથી ૧૪૦૦ કરોડ ઉસેટી લીધા છે. આવી ગેમિંગ સાઈટ અને એપથી ચેતતાં રહેવા જેવું છે.

# હિમાચલમાં વરસાદનો કહેર
હિમાચલમાં આ ચોમાસામાં વરસાદના કારણે ૨૩૮ લોકોનાં મૃત્યુ થયાં છે અને આ માસમાં જ ૧૨૦ લોકોના જાન ગયા છે. ભારે વરસાદના કારણે અહીં અનેક મકાનો ધરાશાયી થયાં છે. લેન્ડ સ્લાઈડીંગની અનેક ઘટનાઓ બની છે. આડેધડ મકાનો બને, રસ્તાઓ પહોળા કરવામાં પર્યાવરણના નિયમોની ઐસીતૈસી કરાઈ છે એનું  આ પરિણામ છે. લોકો એનો ભોગ બની રહ્યા છે. આ મુદે્ વ્યાપક ચિંતન જરૂરી છે. પર્યાવરણને બાજુ પર રાખી વિકાસ કરવાની ગાંડી દોડ છે એ ટકાવવી પડશે. વિજ્ઞાનીઓ જે લાલબત્તી ધરે છે એ સમજવી પડશે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top