SURAT

રેતી ખનનના ધંધામાં 40 લાખનું દેવું થતા આંગડિયાના કરોડો લૂંટવાનો પ્લાન હતો પરંતુ..

સુરત : અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યના હાઈવે (Highway) ઉપર ટ્રાવેલ્સને આંતરી હથિયાર ધારી ટોળકીએ ટ્રાવેલ્સમાં સવાર આંગડીયાના કર્મચારીઓ પાસેથી હિરા (Diamond) તથા રોકડ (Cash) રકમ મળી બે કરોડથી વધુ રૂપિયાની લૂંટ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય અને આણંદ પોલીસની બાતમી બાદ સુરત પોલીસ કમિશનરે મુખ્ય આરોપી સુરત છોડે તે પહેલા પીસીબીને કામે લગાડી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય હાઈવે ઉપર ગઈકાલે વહેલી સવારે અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં લૂંટ અને ધાડની ઘટના બની હતી. લૂંટના ઇરાદે હથિયારો સાથે પેસેન્જરના સ્વાંગમાં ટ્રાવેલ્સમાં લૂંટારૂ બેસેલા હતા. બસમાં બેસેલા આંગડીયા પેઢીના કર્મચારીઓને અન્ય લૂંટારૂઓ સાથે મળી કરોડો રૂપિયા હિરા તથા રોકડ રૂપિયાની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. આ લૂંટના મુદ્દામાલ સાથે નવ જેટલા આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય તથા આંણદ પોલીસે ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પુછપરછ કરતા આ સમગ્ર લૂંટનો પ્લાન ઘડનાર અને ટીપ આપનાર ગેંગનો મુખ્ય સુત્રધાર આરોપી સુરત ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું.

મુખ્ય સૂત્રધારને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યએ સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરનો સંપર્ક કરી સમગ્ર બનાવની હકીકતથી વાકેફ કરાવ્યા હતા. મુખ્ય સુત્રધાર સુરત છોડી ભાગે તે પહેલા તેને તાત્કાલિક ઝડપી પાડવા પી.સી.બી.ને સુચના આપવામાં આવી હતી. પીસીબીના ચક્રો ગતિમાન થતા આરોપી કાપોદ્રા રચના સર્કલ પાસે હોવાની બાતમી મળી હતી. અને બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી હિરેન ધીરૂભાઈ આકોલીયા (પટેલ) (ઉ.વ.૩૫, રહે. એપલ એવન્યુ એપાર્ટ. યોગી ચોક સરથાણા તથા મુળ ધારી, અમરેલી) ને પકડી પાડ્યો હતો. આરોપી રેતી ખનનનો ધંધો કરતો હતો અને ધંધામાં મોટુ નુકશાન જતા તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

આરોપી પોતે ટ્રાવેલ્સમાં નોકરી કરતો હતો, પગાર ઓછો આપતા નોકરી છોડી
આરોપીની પુછપરછમાં કરતા તેણે જણાવ્યું હતું કે, વર્ષ 2011 થી સુરત નાના વરાછા વિસ્તારમાં આવેલા રામદેવ ટ્રાવેલ્સના માલિક રમેશભાઈ વસોયાની ઓફીસમાં હિસાબ કિતાબનુ કામકાજ કરતો હતો. ત્યારે તેને અમરેલી ખાતેથી હમેંશા સાત આંગડીયા પેઢીવાળા સુરત ખાતે હિરા તથા રોકડ રકમની મોટા પાયે હેરાફેરી ટ્રાવેલ્સમાં કરતા હોવાનું જાણવા મળ્યું હતું. અને દિવાળીના સમયમાં તેમની પાસે પૈસા પણ વધારે હોવાનું તે જાણતો હતો. રામદેવ ટ્રાવેલ્સના માલિક તેને પગાર ઓછો આપતો હતો. અને તે પણ સમયસર આપતો નહોતો. જેથી તેણે વર્ષ 2020 માં રામદેવ ટ્રાવેલ્સની નોકરી છોડી પોતાનો રેતીનો કમિશનથી ધંધો ચાલુ કર્યો હતો. પરંતુ લોકડાઉનના કારણે ધંધો બંધ થતા તેની ઉપર ૪૦ લાખ જેટલું દેવુ થયું હતું. જેથી તે શોર્ટકટમાં કેવી રીતે પૈસા કમાવવા તે ઉપાય શોધતો હતો.

અમદાવાદના મિત્રનો સંપર્ક કરી મહારાષ્ટ્રથી લૂંટ કરતી ગેંગ બોલાવી
દરમિયાન અમદાવાદ ખાતે રહેતા રાજુ હઠીલા નામના તેના મિત્રને મળ્યો હતો. અને તેને પૈસાની ખુબ જરૂરીયાત હોવાની વાત કરી હતી. જેથી પોતાને પણ પૈસાની જરૂરત હોવાથી રાજુ હઠીલાએ તેના કોન્ટેક્ટમાં રહેલા મહારાષ્ટ્રની એક લૂંટ કરતી ગેંગની વાત કરી હતી. પોતે રાજુ હઠીલાને રામદેવ ટ્રાવેલ્સમાં સાત માણસો દ્વારા હમેંશા આંગડીયા પેઢીના કરોડો રૂપિયાની હેરાફેરી કરતા તેઓને લૂંટવાની વાત કરી હતી. તેણે રાજુ હઠીલા તથા મહારાષ્ટ્ર નાશિકની 16 માણસોની ગેંગના સભ્યોને કામરેજ ખાતે બોલાવી હતી. તેમની સાથે કઈ તારીખે પૈસા વધુ આવશે અને તે ટ્રાવેલ્સને કઈ જગ્યાએ કેવી રીતે લૂંટવી તે તમામ પ્લાન જાતે ઘડ્યો હતો.

આ રીતે લૂંટ કરીને 10 ટકા હિસ્સો નક્કી કરાયો હતો
પ્લાન મુજબ ૧૧ લૂંટારૂઓને અમરેલી ખાતે મોકલ્યા હતા. તેઓ પેસેન્જર તરીકે અમરેલીથી સુરત ખાતે આવતી જય રામદેવ ટ્રાવેલ્સમાં તમંચા જેવા હથિયારો સાથે બેસ્યા હતા. અને બીજા છ માણસો ચાર ફોરવ્હિલ કારમાં અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમાં હાઈવે ઉપર આવેલા ગુંદી ગામ પાસે સુમસામ રસ્તાની વચ્ચે ઉભા હતા. થોડીવાર બાદ ટ્રાવેલ્સ ત્યાંથી પસાર થાય ત્યારે કારવાળા ટ્રાવેલ્સને આંતરી ઉભી રખાવી ટ્રાવેલ્સમાં બેસેલા લૂંટારૂઓએ તંમચો બતાવી ટ્રાવેલ્સમાં સવાર આંગડીયાના કર્મચારીઓને ધમકાવી તેમની પાસે રહેલા કરોડો રૂપિયાના હિરા તથા રોકડ રૂપિયા ભરેલી બેગોની લૂંટ કરી હતી. આ લૂંટમાં તેને લૂંટની રકમનો 10 ટકા હિસ્સો મળનાર હોવાનો ચોકાવનારો ખુલાસો કર્યો હતો.

Most Popular

To Top