ચેક બાઉન્સ કેસમાં ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખતાં ઉપલી કોર્ટએ અપીલ નામંજૂર કરી
સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલ અલહુસેન એપાર્ટમેન્ટના બિલ્ડર ફરીદખાન પઠાણના પુત્ર હસનખાન પઠાણને ચેક બાઉન્સ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી એક વર્ષની સાદી કેદની સજાને ઉપલી કોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવી છે. આરોપી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ કોર્ટે નામંજૂર કરતાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્યતા આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ૩૯ વર્ષીય હસનખાન પઠાણ જે અલહુસેન એપાર્ટમેન્ટ, ગોરખુડાવાડ, ઓલપાડ, ખાતે રહે છે. તેઓએ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી ધી રાંદેર પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાંથી મોર્ગેજ લોન લીધી હતી. લોનની બાકી રકમ પરત ચૂકવવા બેંક દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી હતી.ત્યારબાદ આરોપીએ બેંકને રૂ. 17,82,206નો ચેક આપ્યો હતો. જોકે, ચેક બેંકમાં રજૂ કરતાં તે બાઉન્સ થતાં બેંકના ઓથોરાઇઝ્ડ અધિકારી પ્રવિણ એન. પટેલે વકીલ મારફતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસમાં સુરતના 13મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે આરોપી હસનખાન પઠાણને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. સાથે જ આરોપીને ચેકની રૂ. 17,82,206ની રકમ ઉપર ચેક રિટર્ન થયાની તારીખથી વાર્ષિક 10 ટકા વ્યાજ સાથે છ અઠવાડિયામાં ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટએ વધુમાં જણાવ્યું હતું કે જો આરોપી નિર્ધારિત સમયમર્યાદામાં આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધારાની ત્રણ મહિનાની સાદી કેદની સજા પણ ભોગવવી પડશે. ટ્રાયલ કોર્ટના આ ચુકાદાથી અસંતુષ્ટ થઈ આરોપી હસનખાન પઠાણે ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરી હતી. અપીલમાં આરોપી તરફથી દલીલ કરવામાં આવી હતી કે ટ્રાયલ કોર્ટ દ્વારા કેસમાં રજૂ થયેલા દસ્તાવેજી તથા મૌખિક પુરાવાઓનું યોગ્ય અને વ્યાજબી મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી અને ચુકાદો ગેરકાયદેસર છે, તેથી તેને રદ કરી નિર્દોષ જાહેર કરવો જોઈએ.
જોકે, સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ વી.વી. એમ.એમ. શેખ અને એ.પી.પી. કે.ડી. ખેરનાર દ્વારા મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ઉપલી અદાલતે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટ દ્વારા કેસના તમામ પુરાવાઓનું યોગ્ય, તટસ્થ અને કાયદેસર મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ઉપલી અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે ટ્રાયલ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ કાયદેસર તથા વ્યાજબી આધાર રજૂ કરવામાં આવ્યો નથી. તેથી આરોપીની અપીલ નામંજૂર કરી ટ્રાયલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે