SURAT

સુરત એરપોર્ટ પર કાર અને બસનું પાર્કિંગ તૈયાર થઈ ગયું: એપ્રિલથી એરપોર્ટ 24 કલાક ધમધમશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (SGCCI) પ્રતિનિધિમંડળે સોમવારે સુરત એરપોર્ટની (Surat Airport) મુલાકાત લઈ એરપોર્ટના ડેવલપમેન્ટ અંગેની જાણકારી સુરત એરપોર્ટના અધિકારીઓ પાસેથી મેળવી હતી. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું કામ આગામી બે-ત્રણ મહિનામાં કામ પૂરી થવાની શક્યતા છે. એપ્રિલ મહિનાથી સુરત એરપોર્ટ 24 કલાક ધમધમતું થઈ જશે.

  • ચેમ્બર પ્રમુખની અધ્યક્ષતામાં સુરત એરપોર્ટના અધિકારીઓ સાથે મિટિંગ મળી, એરપોર્ટના ડેવલપમેન્ટ વિષે ચર્ચાઓ થઇ
  • ચેમ્બર ઓફ કોમર્સની ટીમે સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગ, પાર્કિંગ તથા એરપોર્ટની બંને બાજુ વિસ્તરણની થઇ રહેલી કામગીરીની પ્રત્યક્ષ વિઝીટ કરી એની વિસ્તૃત માહિતી એરપોર્ટના અધિકારીઓ પાસેથી મેળવી હતી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટના અધિકારીઓની ટીમ સાથે મુલાકાત દરમિયાન ટર્મિનલ બિલ્ડીંગનું કામ પુરજોશમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. લગભગ આગામી 2-3 મહિનામાં આ કામ પૂર્ણ થવાની શકયતા છે. નવા ટર્મિનલ બિલ્ડીંગની (Surat Airport Terminal Building) સાથે સુરત એરપોર્ટના પ્રવેશદ્વારનું પણ નવિનીકરણ થઇ રહ્યું છે અને એ પણ થોડા દિવસોમાં પૂર્ણ થઇ જશે. સુરત એરપોર્ટના અધિકારીઓ સાથે થયેલી ચર્ચા મુજબ, તા. 3 માર્ચ 2023થી એર એશિયા (Air Asia) કે જે હવે ટાટા (Tata) ગૃપની કંપની બની ગઇ છે, તેઓ સુરતથી 3 નવી ફલાઇટ ચાલુ કરવા જઈ રહ્યાં છે અને તેનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. સુરતથી શરૂ થવા જઈ રહેલી આ 3 નવી ફલાઇટમાં દિલ્હી, કોલકાતા અને બેંગલોરની ફલાઇટનો સમાવેશ થાય છે.

પ્રમુખ હિમાંશુ બોડાવાલાની અધ્યક્ષતામાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તથા ચેમ્બરની એરપોર્ટ કમિટીના સભ્યોએ સુરત એરપોર્ટની પ્રત્યક્ષ મુલાકાત લઈ એરપોર્ટના વિકાસની કામગીરી નિહાળી હતી અને સુરતના એરપોર્ટ અધિકારીઓની ટીમ પાસેથી તેના સંદર્ભની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

સુરત એરપોર્ટ પર નવા 6 એરક્રાફ્ટ માટે પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ
આશરે એપ્રિલ મહિનાના પહેલા સપ્તાહથી સુરત એરપોર્ટને 24 કલાક ચાલુ રાખવામાં આવશે તે બાબત ચર્ચા દરમ્યાન જાણવા મળી હતી, જે સુરતના શહેરીજનો માટે ખૂબ આનંદની વાત છે. સુરત એરપોર્ટ પર નવા છ જેટલા એરક્રાફટ (Air Craft) માટે પાર્કિંગની સુવિધા તૈયાર થઇ ગઇ છે અને એને કોમર્શિયલ મંજૂરી મળ્યા બાદ સાંજે છ કલાકથી ત્યાં મોટા એરક્રાફટ પાર્ક કરી શકાશે. આ સુવિધાને કારણે સુરતથી વહેલી સવારે ઉપડતી અને મોડીરાત્રે આવતી ફલાઇટની સંખ્યામાં વધારો થશે. આ બાબતની મંજૂરી ટૂંક સમયમાં મળી જશે એવી આશા છે.

સુરત એરપોર્ટ પર કાર અને બસ માટેની પાર્કિંગની વ્યવસ્થા થઈ ગઈ
આ ઉપરાંત સુરત એરપોર્ટ ખાતે કાર અને બસ માટે પાર્કિંગની વ્યવસ્થા થઇ ગઈ છે અને હાલમાં આ પાર્કિંગ અને ટર્મિનલ બિલ્ડીંગ વચ્ચેના ભાગનું નવીનીકરણનું કામ ચાલી રહયું છે. એરપોર્ટના સ્ટાફ માટે અલાયદું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને એનો ઉપયોગ પણ શરૂ થઇ ગયો છે. તદુપરાંત એરપોર્ટની બંને બાજુ વિસ્તરણની કામગીરી થઇ રહી છે. જેમાં એરપોર્ટની ડાબી બાજુનું વિસ્તરણ ફક્ત ડિપાર્ચર માટે રહેશે અને જમણી બાજુનું વિસ્તરણ ફક્ત અરાઇવલ માટે રહેશે, જે ભવિષ્યમાં ખૂબ જ સુવિધાજનક બની રહેશે.

પ્રતિનિધિમંડળમાં ચેમ્બરના માનદ્દ મંત્રી ભાવેશ ટેલર, ભૂતપૂર્વ પ્રમુખ રજનીકાંત મારફતિયા અને ચેમ્બરની એવિએશન્સ/એરપોર્ટ કમિટીના ગૃપ ચેરમેન અમીષ શાહ, કમિટીના એડવાઈઝર મનોજ સિંગાપુરી, કમિટી ચેરમેન અતુલ ગુપ્તા અને કો–ચેરમેન રાજેશ કોન્ટ્રાન્કટર તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ મિટીંગમાં સુરત એરપોર્ટના ડાયરેકટર અમન સૈની તથા તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. જેમાં સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ અંગેની કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top