Comments

નશીલા પદાર્થોની ચિંતા સરકાર અને પ્રજા બન્નેએ કરવી પડશે

ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો સાથે રાખવાના ગુન્હામાં શાહરૂખ ખાનના પુત્ર હજુ જેલમાં છે. કાશ્મીરમાં બિહાર-યુપીના મજૂરોની ત્રાસવાદીએ હત્યા કરી. મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ પકડાયું!- આ અને આવા સમાચારો તમે સાંભળ્યા કે વાંચ્યા હોય તો ચર્ચાવીર બનવા કરતાં ચિંતા કરજો કે આ રેલો આપણા સુધી ન આવે! થોડા સમય પહેલાં પંજાબના યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે તે રાષ્ટ્રીય ચર્ચાનો વિષય હતો. ‘‘ઉડતા પંજાબ’’ એ વાત પણ પ્રસિધ્ધ થઈ હતી. અકાલી દળની સરકારનું પતન પણ થયું. જો કે ‘‘ઉડતા પંજાબ’’ સમસ્યા એટલે બની કે ‘‘ઊંઘતા પંજાબ’’ સમસ્યા હતી. મતલબ કે પંજાબ હરિયાણાના સંપન્ન પરિવારોનાં બાળકો ઝડપથી નશાના રવાડે ચડી રહ્યાં હતાં પણ સમાજના આગેવાનો અને માતા-પિતાએ આ બાબતે ધ્યાન જ ન આપ્યું.

ડ્રગ્સનો કારોબાર કરોડોનો હોય છે અને સ્થાનિક તંત્રના ભ્રષ્ટ લોકોના સાથ વગર તે નિયમિત ચલાવી શકાતો નથી. નેતાઓ, અધિકારીઓ અને ડ્રગ્સ માફિયાઓના ગઠબંધન સામે પ્રજા ઊંઘતી રહી અને યુવાનો ઊડતા રહ્યા. અંતે થોડી ચહલ-પહલ થઈ. સત્તાનું સોદાગરો સાથે ગઠબંધન તોડવા માટે પ્રજાએ સત્તા પરિવર્તન કર્યું પણ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોનું શું? તેમાં જિંદગી હોમી દેનારાનું શું? હવે વાત છે ગુજરાતની. કડવી લાગે તેવી વાત છે પણ શાહરૂખ ખાનના છોકરા વિશે લાંબી ચર્ચાઓ કરનારાને પોતાના છોકરાની ખબર નથી. ખબર નહિ કેમ પણ શિક્ષણ, માહિતી પ્રસાર વધવા સાથે આપણી સમજણ, તર્કશક્તિ, પ્રશ્નશક્તિ ક્ષીણ થતી જાય છે. આપણને મીડિયા બતાવે-સમજાવે એટલું જ સમજાય છે. કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી તત્ત્વો ઘૂસણખોરી કરી હત્યા કરે છે.

તો શું પાકિસ્તાન માત્ર કાશ્મીર સરહદે જ છે? છેક ગુજરાત, રાજસ્થાન, હરિયાણા- બધું જ તો પાકિસ્તાનને અડેલ છે! મુંબઈના બોમ્બ બ્લાસ્ટનું આર.ડી.એક્સ જો ગુજરાત બંદરેથી ઘૂસી શક્તું હોય તો ડ્રગ્સ, વિસ્ફોટકો ન ઘૂસી શકે? સવાલ મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ પકડાયું તેનો નથી. સવાલ તો અત્યાર સુધી કેટલું પકડાયા વગર ઘૂસી ગયું હશે એનો છે! આપણે ચર્ચાઓ તો મોટી મોટી કરીએ છીએ કે પાકિસ્તાન સીધી લડાઈમાં જીતી શકે તેમ નથી તો પ્રોક્સી વોર કરે છે. નકલી નોટો, વિસ્ફોટકો, ડ્રગ્સ બધું જ દેશમાં ઘુસાડવું! પણ શું આ માત્ર કાશ્મીર સરહદે જ બને! બીજાં રાજ્યોમાં ન બને? ચિંતા એ છે કે ગુજરાતમાં હવે નાનાં-નાનાં ગામડામાં ડ્રગ્સ પહોંચવા લાગ્યું છે. ચરસ, ગાંજો તો વર્ષોથી પિવાય છે. સિગારેટમાં ચરસની ગોળી મૂકીને પિવાય છે એ ધુમાડાની ગંધનો અનુભવ કોને નથી?!

કેટલાક નેતાઓ પ્રામાણિક હોવાથી આખી પાર્ટી પ્રામાણિક બની જતી નથી. વીસ-વીસ વર્ષથી એકનો એક પક્ષ સત્તામાં હોય ત્યારે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ સ્થાનિક નેતાગીરીનું પોલીસ અને અધિકારીઓ સાથે ગઠબંધન થઈ જતું હોય છે અને ગુજરાતમાં હવે આ જ થઈ રહ્યું છે. ડ્રગ્સનો કાળો કારોબાર સત્તાના સાથ વગર વિકસી શકે, વિસ્તરી શકે નહિ. એમાં પાર્ટીકલ્ચર ઉમેરાયું છે. નવો ધનપતિ વર્ગ ઉમેરાયો છે. દારૂબંધી નથી એવા રાજ્યના લોકો અહીં ઉદ્યોગ-ધંધા વિકસાવે છે અને સાથે સાથે બધી ટેવો પણ લાવે છે માટે ગુજરાતનાં માતા-પિતાએ જાગવાની જરૂર છે. ખાસ તો મોટાં શહેરોમાં મોડી રાત સુધી હાઈવે પર પાર્ટીઓ કરતા તમારાં યુવાન દીકરા-દીકરીઓ વિશે માહિતી મેળવવાનું રાખો! જો ગુજરાત ઊંઘતું રહેશે તો ઊડતું થતા વાર નહિ લાગે!

હમણાં નવા વરાયેલા ગૃહમંત્રીએ નશીલા પદાર્થની માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે. બોલીવુડમાં ડ્રગ્સની બોલબાલાને કારણે અત્યારે બધી સરકારો ઉત્સાહમાં છે પણ આપણે આ ઉત્સાહ મોળો પડવા દેવો નથી. આપણી આસપાસ ક્યાંય પણ નશાનો કારોબાર દેખાય તો સત્વરે સરકારનું ધ્યાન દોરવું પડશે! સરકારને સાથ આપવાની સાથે સરકારનો કાન પણ આમળવો પડશે કારણ કે માહિતી આપ્યા પછી પગલાં પણ લેવાવાં જોઈએ. ગુજરાતનાં છાપાંઓમાં દર અઠવાડીએ નશીલા પદાર્થો સાથે માણસો પકડાયાના સમાચાર આવે છે. આ સમાચારોનું પગેરું પકડવાની જરૂર છે.! ગુજરાત હવે ઘણી બધી ચિંતાઓમાં ઘેરાતું જાય છે અને આપણે હજુ પણ હિસાબોમાં જ પડ્યા છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top