સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઇકો સેલની મોટી કાર્યવાહી, કરોડોની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
સુરત શહેરમાં કરોડો રૂપિયાની જમીન સોદા અને બેંકિંગ છેતરપિંડી મામલે ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. યસ બેંકના કેટલાક કર્મચારીઓ સાથે મળીને બોગસ NRI એકાઉન્ટ ખોલાવવાના કૌભાંડમાં સંડોવાયેલા અઝમતસાહીદ ઇમ્તીયાઝ શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલો કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મ્યુલ એકાઉન્ટ ખોલાવનારાઓ તથા ખોટા નામે સીમ કાર્ડ વેચનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે અધિક પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર તથા ઇકો સેલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
જમીન સોદામાં કરોડોની છેતરપિંડી
તપાસ દરમિયાન સામે આવ્યું કે કઠોર ગામની બ્લોક નં. ૪૭૯, ૪૮૦ અને ૪૮૧ની જમીનના માલિકોના નામે યસ બેંક અંકલેશ્વર શાખામાં મ્યુલ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. ફરિયાદી દ્વારા આપવામાં આવેલા કુલ રૂ. ૪,૮૧,૫૧,૩૨૧ના ચેકમાંથી રૂ. ૨,૯૫,૫૧,૩૨૧ની રકમ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવી નહોતી. આ સમગ્ર કૌભાંડમાં આરોપી રવિકુમાર મધુભાઈ કોલડિયા, રહે. ઋષિ બંગ્લોઝ, મોટા વરાછા, સુરતનો મુખ્ય રોલ સામે આવ્યો હતો. તેણે જમીન માલિકોના નામે IDBI બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલાવી યસ બેંકમાંથી રકમ ટ્રાન્સફર કરાવી હતી. આરોપીએ જમીન માલિકો તથા ફરિયાદી બંને સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) અને ૩૧૮(૪) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નોંધાયેલા ગુનાના આધારે આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
યસ બેંકના કર્મચારીઓની સંડોવણી
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે યસ બેંક અંકલેશ્વર શાખામાં ખોલવામાં આવેલા બોગસ એકાઉન્ટ આરોપી રવિકુમાર કોલડિયાએ બેંકના કેટલાક કર્મચારીઓ સાથે મળી ખોલાવ્યા હતા. જેના આધારે સંડોવાયેલા બેંક કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આગળની તપાસમાં બહાર આવ્યું કે અંકલેશ્વર ખાતે રહેતો અઝમતસાહીદ ઇમ્તીયાઝ શેખ આરોપી રવિકુમાર કોલડિયાને બેંક કર્મચારીઓ સુધી લઈ ગયો હતો અને બોગસ એકાઉન્ટ ખોલાવવામાં મદદરૂપ બન્યો હતો. જેના આધારે પોલીસે અઝમતસાહીદ ઇમ્તીયાઝ શેખની પણ ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલ આરોપી
પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેનું નામ નીચે મુજબ છે:
અઝમતસાહીદ ઇમ્તીયાઝ શેખ, જેઓ એ/૬ ઘનશ્યામનગર, જેનીથ હાઇસ્કૂલ પાછળ, અંકલેશ્વર, ભરૂચ.ખાતે રહે છે.
પોલીસ વધુ તપાસમાં વ્યસ્ત
સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ હાલ સમગ્ર રેકેટના અન્ય જોડાણો, બેંક ટ્રાન્ઝેક્શન, બોગસ દસ્તાવેજો અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં હજુ વધુ ધરપકડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.