ભારત કંઇ ખોટું નહીં કરી શકે

૨૦૧૫માં ભારતના ભૂખનો વૈશ્વિક આંક – ગ્લોબલ હંગર ઇન્ડેકસમાં ૫૫ મો ક્રમ હતો. ૨૦૨૦ માં તે વધુ ૩૦ સ્થાન નીચે જઇ ૯૪ થયો. ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને નેપાળ કરતાં ય પાછળ છે. આ આંકમાં અપોષણ, બાળકની ઉંમર અને ઊંચાઇ અને વજન, બાળમરણ (પાંચ વર્ષની ઉંમર સુધી પહોંચતાં જ મરણ પામનાર બાળકોની સંખ્યા) ગણતરીમાં લેવામાં આવે છે. તે સમયે ભારતે મોટે ભાગે સંયુકત રાષ્ટ્રો અને વિશ્વબેંક સાથે સંકળાયેલી એજન્સીઓની માહિતી નહીં સ્વીકારી. સંસદમાં સરકારે પોતાની  કામગીરીનો અસાધારણ બચાવ કર્યો. કૃષિપ્રધાન પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે ભારતમાં જયારે જયારે કોઇ કૂતરી પણ વીયાય છે ત્યારે ગામમાં આપણે ત્યાંની સ્ત્રીઓ તેને શીરો ખવડાવે છે.

તેથી આવા હેવાલો પર આપણે સંવેદનશીલ નહીં બનવું જોઇએ અને આવાં સર્વેક્ષણોને સંબંધ છે ત્યાં સુધી તંદુરસ્ત અને મજબૂત બાળકોની પણ ગણતરી થાય છે. સમાજમાં જાગૃતિ આવવી જોઇએ અને આપણાં શકિતશાળી પ્રધાન સ્મૃતિ (ઇરાની)જીએ જનઆંદોલન શરૂ કર્યું છે અને ૧૩ કરોડ પ્રસંગો પાર પડાયા છે. હવે ભારત આ વર્ષે વધુ સાત સ્થાન નીચે એટલે કે ૧૦૧ મા ક્રમે આવ્યું છે. અફઘાનિસ્તાન, સોમાલિયા, યમન અને આફ્રિકાના દેશો જેવા પંદર જ દેશોની કામગીરી ભારત કરતાં ખરાબ છે. ભારતે પૂરતું પોષણ નહીં મેળવી શકનારા ભારતીયોની સંખ્યા ૧૪% થી ૧૫.૩% થઇ હોવાનાં તારણનો પણ વિરોધ કર્યો છે.

સરકારે જણાવ્યું છે કે આ હેવાલમાં ભારત સરકારે કોવિડની મહામારીના ગાળામાં સમગ્ર વસ્તીને અનાજ સુરક્ષા મળે તે માટે જે જંગી પ્રયાસો કર્યા હતા તેની કોઇ ગણતરી જ નથી. આ પ્રયાસોની ચકાસણી કરી શકાય તેવી માહિતી મળી શકે છે. આ મોજણીમાં જે જનમત લેવાયો છે તેમાં એવો પ્રશ્ન છે જ નહીં કે જવાબ આપનારને સરકાર કે અન્ય સાધનોમાંથી અન્નનો ટેકો મળ્યો છે કે નહીં. આ જન મોજણીની પ્રતિનિધિત્વ પાત્રતા પણ ભારત અને અન્ય દેશો માટે શંકાસ્પદ છે.

સરકાર એવું કહેતી લાગે છે કે તે ૬૦% એટલે કે ૮૦ કરોડની વસ્તીને મફત અનાજ (પાંચ કિલો ચોખા કે ઘઉં અને એક કિલો દાળ) આપીને તેનું કામ કરી રહી છે. આ સાચું છે અને તે ગયા વર્ષથી આ કામ કરે છે. તો પ્રશ્ન એ છે કે શા માટે આટલા ભારતીયો દર મહિને મફત અનાજ લેવા લાઇનમાં ઊભા રહે છે? એક જ જવાબ હોઇ શકે કે તેઓ ભૂખ્યા છે અને તેમને જરૂર છે. ભારત સરકારની પોતાની રાષ્ટ્રીય આરોગ્ય મોજણી ૨૦૧૯-૨૦ કહે છે કે કુપોષણના મામલે પરિસ્થિતિ કથળતી જાય છે. હકીકતમાં આસામ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને બંગાળમાં શિકાર બનેલાં બાળકોનું પ્રમાણ ૨૦૦૫-૦૬ ની સરખામણીમાં ૨૦૧૯-૨૦ માં વધ્યું છે. ૧૫ વર્ષમાં પ્રગતિ ઘટી છે. મોજણી હેઠળના અડધાથી વધુ રાજયોમાં પાંચ વર્ષથી નાનું દર ત્રીજું બાળક કાયમી કુપોષણથી પીડાય છે.

સરકારે બાવીસ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની માહિતી મૂકી છે. દસ મોટાં રાજયોનું તેનું વિશ્લેષણ બતાવે છે કે તેમાં ૨૦૧૫-૧૬ ની સરખામણીમાં ૨૦૧૯-૨૦માં લાલકણોની ઊણપનું પ્રમાણ વધુ હતું. ૧૦માંથી સાત રાજયોનાં બાળકોમાં ઉંમરના પ્રમાણમાં વજન ઓછું હોય તેવી સંખ્યા ૨૦૧૫-૧૬ ની સરખામણીમાં ૨૦૧૯-૨૦ માં વધુ હતી. આ કટોકટીનો આપણે સ્વીકાર કરવો જોઇએ અને તેના પર કામ કરવું જોઇએ. આ એક મુશ્કેલ સમસ્યા છે અને તેમાં કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને સુસભ્ય સમાજ એટલે કે બિન સરકારી સંગઠનોએ ભેગા મળી કામ કરવાની જરૂર પડશે. તેને બદલે સરકાર શાસન કથળ્યું હોવાનું દર્શાવતાં દરેક તારણો સાથે બચાવની સ્થિતિમાં છે.

જયારે ઇકોનોમિસ્ટ ઇન્ટેલીજન્સ ડેમોક્રસી યુનિટ ઇન્ડેકસે બતાવ્યું કે ભારત ૨૬ સ્થાન  ખસીને ૨૭ પરથી ૫૩મા સ્થાન પર ગયું છે ત્યારે સરકારે સંસદમાં તેની ચર્ચાનો પણ ઇન્કાર કર્યો અને કહ્યું કે આ મુદ્દો ખૂબ સંવેદનશીલ છે પણ નગણ્ય પણ છે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય માટેના અમેરિકી પંચે ગયા વર્ષે નોંધ્યું કે ભારત વિશ્વના સૌથી ચિંતાપાત્ર પંદર દેશોમાંથી એક છે. આનું કારણ એ છે કે ભારતની લઘુમતીઓ પર હુમલા થાય છે. ભારત સરકારે તેને પક્ષપાતી ગણાવ્યો. આ વર્ષે પણ આ પંચે એ જ વાત કરી ભારતીય વ્યકિતઓ સામે પ્રતિબંધો લાદવાની ભલામણ કરી. જયારે ફ્રીડમ હાઉસે ભારતને ‘સ્વતંત્ર’ની શ્રેણીમાંથી ઉતારી ‘અંશત: સ્વતંત્ર’ માં મૂકયું અને કાશ્મીરને ‘અંશત: સ્વતંત્ર’માંથી ‘સ્વતંત્ર નહીં’ ની શ્રેણીમાં મૂકયું ત્યારે ભારતે જણાવ્યું કે ફ્રીડમ હાઉસના રાજકીય નિર્ણયો ‘અચોકકસ અને વિકૃત’ હોય છે. દા.ત. કોવિડ-૧૯ ની પરિસ્થિતિ સામે અમે જે પ્રતિભાવ આપ્યો છે તેની દુનિયામાં ચોમેર કદર થઇ છે.

પરિસ્થિતિ કથળતી હોવાના જેમ જેમ નવા હેવાલ આવતા જાય તેમ બાકીના દરેક લોકો ખોટા છે એવું બતાવવા માટે આપણે રચનાત્મક બન્યા છે. જયારે વૈશ્વિક ત્રાસવાદ આંકમાં એવું દર્શાવાયું કે ભારત પૃથ્વી પર આઠમા ક્રમે સૌથી અસરગ્રસ્ત રાષ્ટ્ર છે ત્યારે નીતિ આયોગે પ્રશ્ન કર્યો હતો કે માત્ર ૨૪ કર્મચારીઓ અને છ સ્વયંસેવકો ધરાવતું આ સંગઠન દરેક દેશનો શાંતિ હેવાલ કેવી રીતે આપી શકે? પ્રગતિના ચાર ડઝન નિર્દેશોમાં ભારતનો ક્રમ ૨૦૧૪ થી પાછળ જ ગયો છે. અન્ય દેશો આ હકીકતોનો સ્વીકાર કરી તેના પર વિચારણા કરે છે. આપણે તેવું નથી કરતાં બલકે કહીએ છીએ કે આ તારણો ખોટાં છે કારણ કે આ સરકાર હેઠળ ભારત કંઇ ખોટું નહીં કરી શકે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Related Posts