Columns

મહત્ત્વના પ્રશ્નો

‘‘જીવન બધાનું અઘરું હોય છે. કોઈને આર્થિક મુશ્કેલી તો કોઈને સ્વાસ્થ્યની સમસ્યા…કોઈના ઘરે ઝઘડા …તો કોઈને માનસિક આઘાત …બધા પોતાના જીવનમાં પોતાના પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યા હોય છે…તમારા જીવનમાં જે પ્રશ્ન મહત્ત્વનો હોય તેનો ઉકેલ સૌથી પહેલા શોધવો.’’ પ્રવચનકર્તાએ જીવનની વાસ્તવિકતા રજૂ કરતા કહ્યું અને સાંભળનાર દરેક શ્રોતાજનને લાગ્યું કે એકદમ સાચી વાત છે. દરેકના જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા હોય જ છે. મારા જીવનમાં પણ છે. એક યુવાન આ સાંભળીને વિચારવા લાગ્યો કે મારા જીવનમાં તો લગભગ આ બધી જ સમસ્યાઓ છે….માતા બીમાર છે ..નોકરીનો પગાર ઓછો પડે છે…પત્ની સાથે ઝઘડા છે વગેરે વગેરે. એક પ્રશ્નનો ઉત્તર શોધવો જ્યાં અઘરો હોય છે ત્યારે બધા પ્રશ્નો એક સાથે કેવી રીતે ઉકેલવા……?

પ્રવચન પૂરું થયા બાદ તે પ્રવચનકારને મળવા ગયો. ઘણી વાર પ્રતીક્ષા કર્યા બાદ તેને અંદર જવા મળ્યું. તેણે પ્રવચનકારને પૂછ્યું, ‘મહોદય પ્રણામ, તમે હમણાં જ જીવનની વાસ્તવિકતા સમજાવતા કહ્યું કે જીવનમાં જે પ્રશ્ન મહત્ત્વનો હોય તેને સૌથી પહેલા ઉકેલવો પણ સાહેબ મારી સમસ્યા એ છે કે મારા જીવનમાં એક કે બે નહિ અનેક પ્રશ્નો છે જે મને મુંઝવી રહ્યા છે તો પછી મારે કઈ રીતે શોધવું કે સૌથી મહત્ત્વનો પ્રશ્ન કયો અને કેવી રીતે તેનો ઉકેલ મેળવવો?’ પ્રવચનકાર  બોલ્યા, ‘યુવાન, કોઈના પણ જીવનમાં કોઈ પણ પ્રશ્નો હોય, કેટલા પણ પ્રશ્નો હોય …મારા માટે સૌથી મહત્ત્વના બે જ પ્રશ્નો છે….’ યુવાન કટાક્ષમાં હસ્યો, ‘સાહેબ આટલા ઓછા છે કે બીજા બે પ્રશ્નો ઉમેરો છો?’

પ્રવચનકાર પણ હસ્યા અને બોલ્યા, ‘યુવાન પ્રશ્ન તો સાંભળી લે ..દરેકના જીવનમાં આ બે જ પ્રશ્ન સૌથી વધારે મહત્ત્વના છે. પહેલો પ્રશ્ન ‘જીવનમાં મારે શું મેળવવું છે? ક્યાં પહોંચવું છે ?’ આ પ્રશ્નનો જવાબ નક્કી કરો અને પછી જાતને બીજો મહત્ત્વનો પ્રશ્ન પૂછો કે ‘જીવનમાં મારે જે મેળવવું છે, જ્યાં પહોંચવું છે તે મેળવવા અને ત્યાં સુધી પહોંચવા મારે શું કરવું પડશે?’ બસ આ બીજા પ્રશ્નનો જવાબ શોધવામાં લાગી જાવ અને જવાબ મળ્યા બાદ તે મુજબ લગનથી કાર્ય કરવા લાગો અને જો એમ કરશો તો પછી જીવનમાં કોઈ ત્રીજા સવાલની તકલીફ રહેશે જ નહિ અને નાનામોટા પ્રશ્નો આપોઆપ ઉકેલાતા જશે અને મહત્ત્વહીન પ્રશ્નો પર કોઈ ધ્યાન જ નહિ જાય અને યાદ રાખજે યુવાન જો આ બે સિવાયના કોઈ અન્ય પ્રશ્નો પર ધ્યાન આપીશ તો કાયમ માટે તેમાં જ અટવાયેલા રહેવું પડશે અને જીવનમાં કોઈ દિશામાં આગળ નહિ વધી શકાય અને કોઈ પ્રશ્નોના ઉકેલ નહિ મળે.’ યુવાનના મનનું સમાધાન થયું. ચાલો આપણે પણ આ બે મહત્ત્વના પ્રશ્નોના જવાબ જાણી લઈએ એટલે કોઈ ત્રીજો પ્રશ્ન જ ના રહે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top