Editorial

હાલના હવામાન પરિવર્તન માટે માણસ જવાબદાર છે એ તારણો નકારી કાઢવા યોગ્ય નથી

હવામાન પરિવર્તન અને તેને કારણે માણસ તથા અન્ય પ્રાણીઓ માટે આ પૃથ્વી પર ઉભી થઇ રહેલી સમસ્યાઓ એ આજે આખા વિશ્વ માટે કદાચ મુખ્ય ચિંતાનો વિષય છે. જો કે આ બાબત પર અનેક ચર્ચાઓ થવા છતાં અને વ્યાપક ચિંતાઓ વ્યક્ત થતી હોવા છતાં તેના અંગે નક્કર કાર્ય બહુ ઓછું થાય છે એ કઠોર વાસ્તવિકતા છે. આજના સમયના પૃથ્વી પરના હવામાન પરિવર્તન માટે માણસે સર્જેલું વ્યાપક પ્રદૂષણ જ મુખ્ય જવાબદાર કારણ છે એ બાબતે ચર્ચાઓ થાય છે ત્યારે કેટલાક લોકો વળી એવી પણ શંકા વ્યક્ત કરે છે કે આ હવામાન પરિવર્તન માટે માણસ જ જવાબદાર છે એમ કઇ રીતે કહી શકાય? ભૂતકાળમાં, જ્યારે આ પૃથ્વી પર માણસ ન હતો.

ત્યારે પણ આ પૃથ્વીએ અનેક હવામાન પરિવર્તનો જોયા છે અને ડાયનાસોર જેવા વિકરાળ પ્રાણીઓનો નાશ પણ પૃથ્વી પરના હવામાનમાં થયેલા મોટા ફેરફારોને કારણે થયો હતો એવી એક થિયરી છે. પૃથ્વી પર આજ સુધી વ્યાપક હવામાન પરિવર્તનો થયા છે અને માણસના અસ્તિત્વના પહેલા ઘણી મોટી ઉથલ પાથલો થઇ છે એ વાત સાચી છે પરંતુ આજના હવામાન પરિવર્તનના સંજોગો જોતા પૃથ્વી પર વધેલું પ્રદૂષણ જ આ હવામાન પરિવર્તન માટે જવાબદાર હોય તેમ જણાઇ આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાન પરિવર્તન અંગે થયેલા મોટા ભાગના અભ્યાસ એ બાબતને સમર્થન આપે છે. આ અભ્યાસોના હાલમાં થયેલા એક સર્વેક્ષણમાં એ બાબત બહાર આવી છે કે હાલના વર્ષોના ૯૯ ટકા કરતા વધારે અભ્યાસ પત્રો એ બાબતે સહમત થાય છે કે પૃથ્વી પરના હવામાનમાં થયેલા અને થઇ રહેલા પરિવર્તનો માટે માણસની પ્રવૃતિઓ જ જવાબદાર છે.

જેમની પીઢ નિષ્ણાતો દ્વારા ચકાસણી થઇ હોય તેવા ૯૯.૯ ટકા વૈજ્ઞાનિક અભ્યાસ પત્રો એ બાબતે સહમત થાય છે કે હવામાન પરિવર્તન એ મુખ્યત્વે માનવ પ્રવૃત્તિના કારણે જ થયું છે એમ ૮૮૦૦૦ કરતા વધુ અભ્યાસોની સમીક્ષા પરથી જણાય છે.આ સંશોધન એન્વાર્યન્મેન્ટ રિસર્ચ લેટર્સ જર્નલમાં હાલમાં પ્રકાશિત થયું છે, જે ૨૦૧૩માં થયેલા આ જ પ્રકારના અભ્યાસને અપડેટ કરે છે, જે અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે ૧૯૯૧થી ૨૦૧૨ વચ્ચે પ્રકાશિત થયેલા અભ્યાસોમાંથી ૯૭ ટકા અભ્યાસ પત્રોએ એ વિચારને ટેકો આપ્યો હતો.

કે માનવ પ્રવૃતિઓ પૃથ્વીનું હવામાન બદલી રહી છે. હાલના સર્વેમાં ૨૦૧૨થી ૨૦૨૦ સુધી પ્રકાશિત થયેલ સાહિત્યનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેમાં એ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ બાબતે સહમતિમાં કોઇ ફેર પડ્યો છે કે કેમ? જો કે તેમાં જણાયું છે કે હવામાન પરિવર્તન માટે માણસની પ્રવૃતિઓ જવાબદાર હોવા બાબતે સહમતિ વધી છે. અમે એ બાબતે દેખીતી રીતે ચોક્કસ છીએ કે આ સહમતિ ૯૯ ટકા કરતા વધારે છે અને તે માનવના કારણે હવામાન પરિવર્તનની વાસ્તવિકતા અંગે અર્થપૂર્ણ ચર્ચા કરવા માટેનો ઘણો મજબૂત કેસ છે એ મુજબ આ અભ્યાસ પત્રના પ્રથમ લેખક માર્ક લિનાસે જણાવ્યું હતું.

એ ખૂબ અગત્યની બાબત છે કે આપણે કબૂલીએ કે હવામાનમાં ફેરફાર માટે ગ્રીનહાઉસ વાયુઓની મુખ્ય ભૂમિકા છે, જેથી આપણે ઝડપથી નવા ઉકેલો અમલમાં મૂકી શકીએ એ મુજબ આ લેખના એક સહલેખક બેન્જામિન હોલ્ટને કહ્યું હતું. હવામાન પરિવર્તન અંગેના અભ્યાસોનું આ નવેસરથી કરવામાં આવેલું વિશ્લેષણ એ સ્પષ્ટપણે સૂચવે છે કે આ હવામાન પરિવર્તન માટે માણસ જવાબદાર છે એ બાબતે વિવિધ સંશોધકોમાં સહમતિ વધી રહી છે. હવામાન પરિવર્તન માટે માણસની પ્રવૃતિઓ અને તેને કારણે પેદા થયેલું પ્રદૂષણ જવાબદાર છે એ બાબતે ૧૯૯૧થી ૨૦૧૨ વચ્ચે થયેલા અભ્યાસોમાંથી ૯૭ ટકા અભ્યાસપત્રો સહમત હતા, જ્યારે ૨૦૧૨થી ૨૦૨૦ વચ્ચે થયેલા અભ્યાસોમાંથી ૯૯.૯ ટકા અભ્યાસપત્રો સહમત છે.

જે લોકો કહે છે કે માણસની પ્રવૃતિઓ કે માણસે સર્જેલા પ્રદૂષણને કારણે નહીં, પણ પ્રાકૃતિક સાયકલના ભાગરૂપે પૃથ્વી પર હાલનું હવામાન પરિવર્તન અને તેને પગલે વૈશ્વિક તાપમાનમાં વધારા જેવા સંજોગો સર્જાઇ રહ્યા છે તેમની સાથે મોટા ભાગના સંશોધકો સહમત થતા નથી. એક મહત્વની બાબત હાલમાં એ રહી છે કે દુનિયાના કેટલાક ભાગોમાં પર્યાવરણલક્ષી સ્થિતિ સુધારવામાં સફળતા મળી છે ત્યાં વિપરીત હવામાનની અસરમાં પણ કંઇક ઘટાડો થયેલો જોવા મળ્યો છે. અને જો ખરેખર કેટલાક પ્રાકૃતિક પરિબળો પણ હાલના હવામાન પરિવર્તન માટે જવાબદાર હોય તો પણ હવામાન પરિવર્તનમાં કે ગ્લોબલ વૉર્મિંગમાં પ્રદૂષણના, કાર્બન ઉત્સર્જનના ફાળાને અવગણવા જેવો નથી. ઓઝોન સ્તરમાં ગ્રીન હાઉસ વાયુઓની અસરને કારણે પડતા ગાબડાઓ જેવી બાબતો તો વૈજ્ઞાનિક સંશોધનોથી સ્પષ્ટ સાબિત થઇ છે ત્યારે હાલના હવામાન પરિવર્તન માટે માણસે સર્જેલું પ્રદૂષણ જવાબદાર છે એવા તારણને નકારી કાઢવાનું યોગ્ય નથી.

Most Popular

To Top