હવા અને અફવા બન્ને માનવજાત માટે વિનાશકારી

હવા કુદરતી ફેલાય, અફવા માણસ દ્વારા ફેલાવવામાં આવે, બન્ને માણસજાત માટે તો વિનાશકારી જ સાબિત થાય.ફિલ્મની એક કડી “એક હવા કા ઝોકા આયા, તૂટા ડાલીસે ફૂલ “કુદરતી હવાનું ઝોકું તો તરત જ વિનાશ નોતરે, પરંતુ અફવાનું ઝોકું તો આખી માનવસાંકળને નુકસાન પહોંચાડે. તેનો વાવાઝોડાની જેમ તુરંત નિકાલ નથી આવતો. કોઈ પણ પ્રકારની અફવાઓ માણસના માનસપટ ઉપર, જ્યાં સુધી સાચી હકીકત રજૂ ન થાય ત્યાં સુધી રહે છે. કોઈને ખોટી માહિતી અને માર્ગદર્શન આપીને છેતરવા, અન્ય વિરુદ્ધ ક્રોધ કરવા ઉશ્કેરવા વગેરે અફવાઓના જ પ્રકાર ગણાવી શકાય . આમ તો કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી” ઇન્ડિયન પીનલ કોડ “ની જોગવાઈ હેઠળ ગુનો જ બને.

હાલના સોશ્યલ મીડિયાના જમાનામાં તો, જુદા જુદા પ્લેટફોર્મ મારફત એવા કેટલાય સમાચારો, માહિતી કે વિગતો મૂકવામાં આવે કે તે વાંચીને માણસના મગજમાં એકબીજા પ્રત્યે કડવાશ પેદા થાય છે. મીડિયામાં મોટા ભાગના મેસેજ ફોર્વર્ડેડ હોય છે, તેનો ઇન્કાર નહીં, પરંતુ તેના ઉપર અભ્યાસ બાદ મનન કર્યા પછી અન્યને મોકલવાનું વલણ અપનાવવામા આવે તો અફવા ઉપર રોક આવી જાય તે માણસ માટે લાભદાયી જ રહેશે. હવા, અફવા અને ઊંઘનું ઝોકું માણસજાત માટે વિનાશકારી જ સાબિત થાય એ આપણે વર્ષોથી જોતાં આવ્યાં છીએ એટલે ખોટી અફવાઓ ફેલાવવાથી દૂર રહીએ અને અફવાઓને પ્રોત્સાહિત ન કરીએ એ જ માનવજગત માટે હિતકારી છે.
સુરત     – ચંદ્રકાન્ત રાણા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts