Columns

લાઈફકા ફંડા ભક્તિમાં સુધાર

એક શ્રીમંત સદ્ગૃહસ્થ ભગવાનના પરમ ભક્ત.ઘરના મંદિરમાં રોજે રોજ સુંદર પૂજા કરે, ભગવાનને સુંદર શણગાર કરે, થાક્યા વિના કલાકો પૂજા કરે અને પાઠ પણ. આ તેમનો વર્ષોથી નિયમ. ખૂબ ભાવથી પૂજા કરે.બધા તેમની ભક્તિ અને મંદિરના વખાણ કરે.તેમની શ્રધ્ધાના દાખલા આપે.દિલમાં ભરપૂર ભક્તિ હતી અને ઘરમાં ઈશ્વરકૃપાથી સાહ્યબી પણ હતી.પણ અચાનક નસીબનું પાનું પલટાયું અને બધું પળભરમાં બદલાઈ ગયું.ધંધામાં ખોટ જતાં ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું.પણ ન બદલાઈ તેમની ભક્તિ અને ભક્તિ કરવાની રીત.

એક દિવસ એક સંબંધી તેમના ઘરે આવ્યા.નાનકડા ઘરમાં પણ સુંદર સરસ મંદિર હતું અને સરસ શણગાર પણ.સંબંધી બોલ્યા, ‘વાહ તમે હજી આટલી જ સરસ પૂજા કરો છો.શું વાત છે? મને એમ કે આટલી ભક્તિ કરવા છતાં આવા દુઃખના દિવસો જોવા પડ્યા તો તમારી શ્રધ્ધા ડગમગી ગઈ હશે.કદાચ પૂજા પણ નહિ કરતાં હો.’ સદ્ગૃહસ્થે કંઈ માઠું ન લગાડ્યું અને હસતાં હસતાં બોલ્યા, ‘ભાઈ, એ તો કર્મના અને નસીબના ખેલ, એમાં મારો કાળીયો ઠાકર શું કરે? જીવ છીએ જે ભોગવવાનું હોય તે ભોગવવું જ પડે.’

સંબંધી બોલ્યા, ‘વાહ તમારા વિચારો અને ભક્તિ તો ઓછી થવાને બદલે વધુ નીખરી છે.’ સદ્ગૃહસ્થે કહ્યું, ‘સાવ સાચી વાત, મારા મનમાં રહેલી ભક્તિમાં સુધાર થયો છે તેનું એક રહસ્ય છે.મને એક એવો મિત્ર મળ્યો છે, જેણે આંગળી ઝાલીને જાણે મને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો છે.તેણે મને હંમેશ સમજાવ્યું છે કે ભગવાન ભાવનો અને તમારા પ્રેમનો ભૂખ્યો છે.તમે તેને શું આપી શકવાના છો, પ્રેમ સિવાય બીજું કંઈ જ નહિ.મારા મિત્રે મને સમજાવ્યું છે ભગવાન તમારો સૌથી સારો મિત્ર છે, જયારે બધા સાથ છોડી જાય ત્યારે પણ તે તમારી સાથે જ રહે છે માટે તેનાથી ડરવું નહિ અને તેનામાં વિશ્વાસ રાખી તેણે સર્જેલા સંજોગોથી પણ ડરવું નહિ.મારા મિત્રે મને સમજાવ્યું છે કે ભગવાન પાસે કંઈ ન માંગો.

તે આપણને માંગ્યા વિના જ સઘળું આપે છે.બસ સમર્પણ અને શ્રધ્ધા રાખવી જરૂરી છે.’ સંબંધી ચુપચાપ ગૃહસ્થની વાત સાંભળી રહ્યા.ગૃહસ્થ પોતાના લાલને પ્રસાદ ધરાવી દીવો કરતાં બોલ્યા, ‘આ ભગવાને દેવદૂત સમ મોકલેલા મારા મિત્રની વાતોથી મારી ભક્તિમાં એવો સુધાર થયો છે કે હવે હું સર્વશક્તિમાન ઈશ્વરથી ડરતો નથી. પરમ પરમાત્માને પ્રેમ કરું છું.હવે હું ભગવાન પાસે ઝોળી ફેલાવી કંઈ માંગતો નથી. કોઈ અપેક્ષા રાખતો નથી. મને ભરોસો છે કે તે મારી સાથે છે અને તે જે કરશે તે સારું જ કરશે.’ દેવદૂત સમ મિત્ર મળે તો નસીબ.પણ ન મળે ત્યાં સુધી આપણી ભક્તિમાં ડરના સ્થાને પ્રેમ અને અપેક્ષાના સ્થાને ભરોસો પરોવી ભક્તિમાં સુધાર કરીએ.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top