ગાંધીનગર: ગુજરાત ત્રાસવાદ વિરોધી સ્કવોર્ડ (ATS) એ સોશિયલ મીડિયા દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા અને ભારતમાં ઇસ્લામિક શાસન એટલે કે ‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાનું કાવતરું ઘડતા બે કટ્ટરપંથી યુવકની ધરપકડ કરી છે. આ બંને કટ્ટપંથી યુવકો પ્રતિબંધિત આતંકી સંગઠન ISIS અને અન્ય વિદેશી હેન્ડલર્સ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
એટીએસની ટીમ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચાલી રહેલી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે પાટણ જિલ્લાના સિદ્ધપુરનો રહેવાસી ઇરફાન ખાન પઠાણ ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.
આતંકી સંગઠનો સાથે કનેક્શન અને ખતરનાક ઈરાદા
તપાસ દરમિયાન ઇરફાનના મોબાઈલમાંથી વાંધાજનક સાહિત્ય મળી આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે •સોશિયલ મીડિયા દ્વારા ISIS અને અન્ય વિદેશી કટ્ટરપંથી તત્વો સાથે જોડાયેલો હતો. • મુખ્ય હેતુ ભારતમાં હિંસા ફેલાવી લોકતાંત્રિક સરકાર સામે સશસ્ત્ર બળવો કરી ‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાનો હતો.• RDX અને અન્ય વિસ્ફોટકો દ્વારા બોમ્બ બનાવવાની તાલીમ મેળવવા માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જવાની પેરવીમાં હતો.• ભારતીય નેતાઓ અને સંસ્થાઓ (જેમ કે RSS) ને નિશાન બનાવવાની યોજના ધરાવતો હતો.
મુંબઈથી બીજા આરોપીની ધરપકડ
ઇરફાનની પૂછપરછ બાદ તેના સાગરીત મુર્શીદ શેખનું નામ ખુલ્યું હતું, જે મુંબઈના સાકીનાકા વિસ્તારમાં રહે છે. ગુજરાત ATS એ મહારાષ્ટ્ર પોલીસની મદદથી મુર્શીદની અટકાયત કરી હતી. તેની પાસેથી પણ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આયોજન અંગેની ચેટ્સ મળી આવી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત
• ઇરફાનખાન કાલેખાન પઠાણ (ઉં.વ.૨૨, રહે., અમૃતપાર્ક સોસાયટી, જે.પી. મીલ, સિદ્ધપુર, જી. પાટણ.)
• મુર્શીદ ઝાહિદઅખ્તર શેખ (ઉં.વ.૨૧, રહે., સાકીનાકા, મુંબઈ (વ્યવસાયે ચિકન બિરયાનીની હોટલ ચલાવે છે).
ગુજરાત એટીએસ દ્વારા આ બંને આરોપીના ૧૧ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કાવતરામાં અન્ય કેટલા લોકો સામેલ છે અને ફંડિંગ ક્યાંથી આવતું હતું તે દિશામાં હાલ ઊંડી તપાસ ચાલી રહી છે.