Gujarat

ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટના અવાજથી લોકો ગભરાયા, 13 દિવસ પહેલા જ ઉદ્ઘાટન થયું હતું

અમદાવાદ: ઉદયપુર (Udaipur)-અમદાવાદ (Ahmadabad) રેલ્વે લાઇન (Railway line) પર વિસ્ફોટના (Blast) અવાજ આવતા આસાપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. આ બ્લાસ્ટનો અવાજ ક્યાંથી આવ્યો હશે તે અંગે માહિતી મળતા જ સ્થાનિક લોકો દોડી ગયા હતા. મળતી માહિતી મુજબ ઓઢા પુલ પરથી વિસ્ફોટનો અવાજ આવ્યો હતો. બ્લાસ્ટના કારણે નવો ટ્રેક તૂટી ગયો હતો, તેના પર તિરાડો પડા ગઈ હતી. આ વાતની જાણકારી તરત જ લોકોએ રેલવે વિભાગને આપી હતી. લોકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ લાઈનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ 13 દિવસ પહેલા શરૂ થયેલા ઉદેપુર-અમદાવાદ રેલ્વે લાઇન પરના પુલ પર શનિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ બ્લાસ્ટ કર્યો હતો. બદમાશોએ પુલને ઉડાવી દેવાનું અને બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેકને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.

બ્લાસ્ટના લગભગ 4 કલાક પહેલા જ ટ્રેન પસાર થઈ હતી
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લોકોએ સૌથી પહેલા અહીં જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. સ્થળ પરથી દારૂગોળો પણ મળી આવ્યો હતો. બ્લાસ્ટના કારણે પાટા પર તિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટના લગભગ 4 કલાક પહેલા ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર સુધી રોકી દેવામાં આવી હતી.તેમજ જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ કહ્યું- ડેટોનેટર વડે પુલને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાને પણ વિગતવાર તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.

રાજસ્થાન પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એટીએસ આતંકવાદી ષડયંત્રના એંગલથી તપાસ કરી રહી છે. ઉદયપુરના એસપી વિકાસ શર્માએ કહ્યું કે શરૂઆતમાં એવું લાગી રહ્યું છે કે સંપૂર્ણ પ્લાનિંગ બાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. ડિટોનેટર સુપર 90 શ્રેણીનું છે. બોમ્બ સ્કવોડ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા છે.

સ્થાનિક લોકો સતર્ક હતા, માહિતી આપીને ઘણા લોકોના જીવ બચાવ્યા
ઉલ્લેખનીય છે કે સ્થાનિક ગ્રામજનોની જાગૃતિને કારણે આ નવા માર્ગ પર મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના ઉદયપુરથી લગભગ 35 કિલોમીટર દૂર સલુમ્બર રોડ પર કેવડે કી નાલમાં આવેલા ઓઢા રેલ્વે બ્રિજની છે. જ્યાં શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ગામલોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. આ પછી કેટલાક યુવકો તરત જ ટ્રેક પર પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈને દંગ રહી ગયા હતા.

તેમણે રેલ્વે લાઇન પર ગનપાઉડર પડેલો જોયો. ઘણી જગ્યાએ લોખંડની રેલ તૂટી ગઈ હતી. બ્રિજ પરની લાઇનમાંથી નટ-બોલ્ટ પણ ગાયબ જોવા મળ્યા હતા. પાટા પરથી એક પાતળી લોખંડની પ્લેટ પણ ઉખડી ગયેલી મળી આવી હતી. ગ્રામજનોની જાણ બાદ ટ્રેક પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો નહીંતર અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હોત.

Most Popular

To Top