SURAT

સિવિલના નર્સિંગ ક્વાટર્સમાં જૂના બારી બારણા ફિટ કરી નવાના બિલ પાસ કરાયાં

સુરતઃ રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલોમાં (Government Hospital) દર્દીઓને અને હોસ્પિટલના સ્ટાફને (Staff) ઝડપી સુવિધા મળે અને સારી કામગીરી થાય તે માટે તેની દેખરેખ પીડબલ્યુડીને બદલે પીઆઈયુને આપી છે. તેમ છતાં ભ્રષ્ટાચારની વ્યાપેલી ઉધઈને કારણે પીઆઈયુના કોન્ટ્રાક્ટરો કામગીરીના નામે વેઠ ઉતારી સરકાર પાસેથી લાખોના બિલો (Bill) પાસ કરાવી રહ્યાં છે.

નવી સિવિલ હોસ્પિટલમાં પીઆઈયુ વિભાગના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે નર્સિંગ ક્વાટર્સમાં કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવી છે. ઘણી જગ્યા પર જૂના બારી-બારણા લગાવી દેવાયા છે. તો ટાઇલ્સ લગાવવામાં પણ કોઇ પ્રકારની ફિનિશિંગ દેખાઈ રહી નથી. ઘણી જગ્યા પર ટાઇલ્સ ઉખડી ગઈ હોવાની અનેક ફરિયાદો તબીબી અધિક્ષકને કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા નવા નર્સિંગ ક્વાટર્સમાં થોડા સમય પહેલાં જ પીઆઈયુ વિભાગને રીપેરિંગ અને મરામતની કામગીરી સોંપવામાં આવી હતી. પીઆઈયુ વિભાગ દ્વારા જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો તે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં માત્ર વેઠ ઉતારવામાં આવી છે. નર્સિંગ ક્વાટર્સમાં કોન્ટ્રાક્ટરે કરેલી કામગીરી સૌથી નિમ્ન કક્ષાની કહી શકાય તે રીતની છે. તેમ છતાં પીઆઈયુ વિભાગ દ્વારા આ કામગીરી થતી હતી ત્યારે નતો ઇન્સ્પેકશન કર્યું છે કે નહીં તેની કામગીરી પર કોઈ ધ્યાન આપ્યું હોય તેવું જણાય રહ્યું છે. જે પણ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો તે પણ સસ્તી કક્ષાનું અને થોડા મહિનામાં જ ફરી બગડી જાય તેવું હતું.


પીઆઈયુ વિભાગના કોન્ટ્રાક્ટરો સામે થયેલી ફરિયાદ

  • જૂના ક્વાટર્સમાં રીપેરિંગ જ કરાયું નથી
  • ફ્લોરિંગ બરાબર ફિનિશિંગ કર્યું નથી
  • નળ હલકી કક્ષાના અને અડધા રીપેરિંગ કર્યા નથી
  • ઘણી જગ્યા પર જૂના જ નળ બેસાડ્યા છે
  • બાથરૂમના દરવાજા બેસાડ્યા નથી
  • બારી-બારણા જૂના જ બેસાડ્યા છે
  • કલરકામ અડધું જ કર્યું તે પણ બરાબર નથી
  • ઈલેક્ટ્રિક વાયર લટકે છે તેમાં સ્પાર્ક થાય છે
  • મચ્છરો માટેની જાળી નાખી નથી

તબીબી અધિક્ષકે પીઆઈયુને કોન્ટ્રાક્ટરના કામગીરી બાબતે તપાસ સોંપી
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ગણેશ ગોવેકરે આ અંગે પીઆઈયુ વિભાગના અધિકારીઓને બોલાવીને કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવેલી બેદરકારી અંગે તપાસનો કર્યો છે. જેને પગલે પીઆઈયુ વિભાગે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું હવે અન્સપેક્શન કરવામાં આવશે. ખરેખર તો કામગીરીના સમયાંતરે ઇન્સપેક્શન કરવું જોઈએ. પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરની સામે પીઆઈયુ વિભાગ દ્વારા અત્યાર સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. અને જેને કારણે કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચારનો છુટ્ટો દોર મળ્યો છે.

નવી સિવિલમાં ઓપરેશન કરવા માટે દર્દીને બે દિવસ બેસાડી રખાયો
સુરત: નવી સિવિલમાં મોટી વેડ ગામમાં રહેતા એક આધેડની ડાબા હાથની પ્લાસ્ટિક સર્જરી માટે ડોક્ટરો ત્રણ દિવસથી ધક્કે ચઢાવી રહ્યા હોવાની ફરિયાદ તબીબી અધિક્ષકને કરી હતી. મોટી વેડ ગામમાં રહેતા શૈલેષ રાઠોડના સસરા ભગવતીભાઈ 21 ઓગસ્ટથી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓનું પ્રથમ ડાબા હાથનું ઓપરેશન થઈ ગયું હતું. ત્યારબાદ તેને તે જ હાથમાં પ્લાસ્ટિક સર્જરીનું ઓપરેશન કરવાનું હતું.

ભગવતીભાઈને ડોક્ટરો ઓપરેશન માટેનો સમય તો આપતા હતા, પણ કરતા ન હતા. બુધવારે દર્દીને બોલાવીને ઓપરેશન કર્યું ન હતું. બાદમાં ગુરુવારે પણ ઓપરેશન માટે બોલાવી યોગ્ય જવાબ આપ્યો નહોતો. અંતે છેલ્લા 48 કલાકથી ઓપરેશન કરાવવા રઝળી રહેલા દર્દીના સગાએ તબીબી અધ્યક્ષ ડો.ગણેશ ગોવેકરને લેખિતમાં યોગ્ય સારવાર મળે તેવી અરજી કરી હતી. ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, અમુક વખત દર્દીઓનો રિપોર્ટ વ્યવસ્થિત ન આવવાના કારણે ઓપરેશન કરી શકાતું નથી. જેથી જવાબદારી ડોક્ટરની પૂછતાછ કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top