National

ઝારખંડના ચતરામાં નક્સલવાદીઓનો હુમલો, 2 પોલીસકર્મી શહીદ અને 3 ઘાયલ

રાંચી: ઝારખંડના (Jharkhand) ચતરા જિલ્લામાં બુધવારે બપોરે પોલીસ અને નક્સલવાદીઓ (Naxalite) વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ઝારખંડ પોલીસના 2 જવાનો શહીદ થયા છે. જ્યારે 3 અન્ય જવાનોને ગોળી વાગી છે. તેમજ તેઓને નજીકની હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક નક્સલવાદીઓને પણ ગોળી વાગી હોવાનું કહેવાય છે. શહીદ જવાનોમાં શુકન રામ અને સિકંદર સિંહનો સમાવેશ થાય છે.

રિપોર્ટ્સ અનુસાર શુકન ઝારખંડના પલામુનો હતો અને સિકંદર બિહારનો હતો. ગોળીથી ઘાયલ થયેલા સૈનિક આકાશ કુમારને પહેલા ચતરા સદર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પરંતુ તેની ગંભીર સ્થિતિને જોતા તેને બાદમાં રાંચી રિફર કરવામાં આવ્યો હતો.

નક્સલવાદીઓ સાથેની આ અથડામણમાં અન્ય બે સૈનિકો કૃષ્ણા અને સંજય પણ ઘાયલ થયા હતા. SDPO સંદીપ સુમને એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અને સુરક્ષા દળોની ટુકડી ચતરા સદર પોલીસ સ્ટેશન અને જોરી પોલીસ સ્ટેશનની સીમા પર આવેલા બરિઓ જંગલમાં સર્ચ ઓપરેશન પર ગઈ હતી. દરમિયાન ઓચિંતો હુમલો કરીને બેઠેલા નક્સલવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ પણ વલણ અપનાવ્યું અને ગોળીબાર કર્યો હતો. જેમાં કેટલાક નક્સલવાદીઓને ઠાર કરાયા હોવાના અપ્રમાણિત સમાચાર સામે આવી રહ્યા છે. તેમજ સુરક્ષા દળો હજુ પણ જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જવાનોના શહીદ થયાના સમાચાર મળતાં જ ચતરા ડેપ્યુટી કમિશનર અબુ ઈમરાન અને એસપી ચતરા સદર હોસ્પિટલ પહોંચી ગયા છે.

ઈનામી નક્સલીનો મૃતદેહ છત્તીસગઢમાંથી મળ્યો
જણાવી દઈએ કે દરમિયાન જવાનોને છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુધ્ધ મોટી સફળતા મળી છે. CRPF અને બસ્તરના લડવૈયાઓ સાથેના એન્કાઉન્ટર બાદ દાંતેવાડામાં 8 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલવાદી ચંદના ઉર્ફે સત્યમનો મૃતદેહ મળી આવ્યો છે.

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ એક નક્શલીની હત્યા કરી હતી. આ વ્યક્તિની ઓળખ મિચા હડમા તરીકે થઈ હતી. હડમાનો મૃતદેહ મંગળવારે બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તેના ગામ તિમાપુરની સીમમાં રસ્તા પર મળી આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અજાણ્યા નક્સલવાદીઓના એક જૂથે તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

Most Popular

To Top