Columns

ચંડીગઢના મેયરની ચૂંટણી જીતવા માટેની ભાજપની ગોલમાલ પકડાઈ ગઈ છે

સુપ્રીમ કોર્ટે ચંડીગઢના મેયરની ચૂંટણીને લોકશાહીની હત્યા ગણાવીને તેમાં બહુ મોટી ગરબડ થઈ હોવાનો નિર્દેશ આપ્યો છે. ૩૦ જાન્યુઆરીએ યોજાયેલી ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કોર્ટમાં ગયા હતા. આ ચૂંટણીમાં અંકગણિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની તરફેણમાં હતું તો પણ ભાજપે ગોબાચારી કરીને ચૂંટણી જીતી હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો આરોપ છે કે પ્રિસાઇડિંગ ઓફિસરે આ ચૂંટણીમાં ધાંધલધમાલ કરી હતી અને પૂરતી સંખ્યા ન હોવા છતાં ભાજપની જીત જાહેર કરી હતી. હકીકત એ છે કે સંખ્યા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની તરફેણમાં હતી પરંતુ તેમના આઠ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પહેલાં પંજાબ હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી રાહત ન મળતાં તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સોમવારે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરતા કડક ટિપ્પણી કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે આ લોકશાહીની મજાક છે. અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં. સુપ્રીમ કોર્ટે ચૂંટણીનું સંચાલન કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહને પણ સખત ઠપકો આપ્યો હતો. ચૂંટણીના દિવસનો વિડિયો પણ સોશ્યલ મિડિયા પર વાયરલ થયો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે વિડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે પ્રિસાઇડિંગ ઓફિસર બેલેટ પેપર પર સહી કરતા અથવા કંઈક લખતાં જોવા મળે છે.

વિરોધ પક્ષોનો આરોપ છે કે પ્રિસાઇડિંગ ઓફિસરે બેલેટ પેપર પર નિશાનો બનાવ્યાં હતાં, જેને બાદમાં માન્ય જાહેર કરવામાં આવ્યા હતા. આ બેલેટ પેપરો માન્ય જાહેર કરવાના કારણ વિશે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કંઈ જ કહેવામાં આવ્યું ન હતું. આ વિડિયો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે વીડિયો રેકોર્ડિંગ અને બેલેટ પેપર સાચવવા જોઈએ. પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહ ભાજપ સાથે સીધી રીતે સંકળાયેલા હોવાથી તેમની તટસ્થતા ઉપર પણ વિપક્ષો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૧૪ કાઉન્સિલર છે. અકાલી દળ પાસે ગૃહમાં માત્ર એક કાઉન્સિલર છે. આ સિવાય ચંડીગઢના સાંસદને પણ આ ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર છે. આ સાંસદ ભાજપનાં કિરણ ખેર છે. એટલે કે ભાજપના ૧૪ કાઉન્સિલર, એક સાંસદ અને શિરોમણી અકાલી દળના એક કાઉન્સિલર મળીને ૧૬ મત છે. આમ આદમી પાર્ટી પાસે ૧૩ અને કોંગ્રેસ પાસે ૭ કાઉન્સિલર છે. એટલે કે ઈન્ડિયા એલાયન્સ પાસે કુલ ૨૦ વોટ હતા.

જો ચૂંટણી ન્યાયી રીતે કરાવવામાં આવી હોય તો ઇન્ડિયા ગઠબંધનની જીત જ થવી જોઈએ, પરંતુ જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામો જાહેર કર્યાં ત્યારે ભાજપના મનોજ સોનકરનો વિજય થયો હતો. મનોજને ૧૬ મત મળ્યા હતા, કોંગ્રેસ-આપના સંયુક્ત ઉમેદવાર કુલદીપ ટીટાને માત્ર ૧૨ જ મત મળ્યા હતા. આ ચૂંટણીમાં આઠ મતો અમાન્ય જાહેર કરાયા હતા. અમાન્ય જાહેર થયેલા તમામ આઠ મતો ઇન્ડિયા ગઠબંધનના હતા. આ આઠ મતો શા માટે અમાન્ય ગણવામાં આવ્યા તે અંગે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કંઈ કહેવામાં આવ્યું ન હતું. ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૩૫ સીટો છે.

ચંડીગઢના મેયરની ચૂંટણી આ મહિનાની શરૂઆતથી જ સમાચારોમાં છે. આ ચૂંટણી ૧૮ જાન્યુઆરીએ યોજાવાની હતી, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર બીમાર હોવાથી આ ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. ચંડીગઢના ડેપ્યુટી કમિશનરે ચૂંટણીની આગામી તારીખ ૬ ફેબ્રુઆરી નક્કી કરી હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કહ્યું કે ભાજપ હારથી ડરે છે અને તેથી ચૂંટણી સ્થગિત કરવા માંગે છે. ભાજપના નેતાઓ આ બાબતે કોર્ટમાં ગયા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચૂંટણી સ્થગિત કરવાનો ઈન્કાર કરતાં કહ્યું હતું કે આમ કરવાનું કોઈ કારણ નથી અને તે અયોગ્ય અને મનસ્વી હશે. કોર્ટે ૩૦ જાન્યુઆરીએ ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો.

ચંડીગઢના મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડ્યા હતા. જે અંતર્ગત મેયર પદ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને ડેપ્યુટી મેયરના બે પદ માટે કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણી પહેલાં પણ આ બંને પક્ષો તેને ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ ચૂંટણી સ્પર્ધા ગણાવી રહ્યા હતા. ચૂંટણીનું પરિણામ ભાજપની તરફેણમાં આવ્યા બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ ચૂંટણીમાં ગોલમાલનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ ૩૦ જાન્યુઆરીએ ટ્વીટ કર્યું હતું કે ચંડીગઢના મેયરની ચૂંટણીમાં સમગ્ર વિશ્વની સામે લોકશાહીની હત્યા કરનાર ભાજપ દિલ્હીમાં સત્તામાં રહેવા માટે શું કરશે તે કલ્પના બહારની વાત છે.

ચૂંટણીના દિવસનો વિડિયો પણ સોશ્યલ મિડિયા પર વાયરલ થયો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે વિડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે પ્રિસાઇડિંગ ઓફિસર બેલેટ પેપર પર સહી કરતા અથવા કંઈક લખતા જોવા મળે છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે પ્રિસાઇડિંગ ઓફિસરે બેલેટ પેપર પર નિશાનો બનાવ્યાં હતાં, જેને બાદમાં માન્ય જાહેર કરવામાં આવ્યાં હતાં. આ બેલેટ પેપરો માન્ય જાહેર કરવાના કારણ વિશે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કંઈ જ કહેવામાં આવ્યું ન હતું.

 જો સાદી ભાષામાં કહીએ તો પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે ભાજપના બેલટ પેપરોની ભૂલો જાતે સુધારીને તેને માન્ય કર્યાં હતાં, પણ વિપક્ષના બેલેટ પેપર ઉપર કોઈ જાતનું ચિતરામણ કરીને તેમને અમાન્ય જાહેર કર્યાં હતાં. આ રીતે વિપક્ષના આઠ મતોને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. આ વિડિયો જોયા બાદ ડી.વાય. ચંદ્રચુડે પ્રિસાઇડિંગ ઓફિસર વિશે કહ્યું હતું કે ‘‘એ સ્પષ્ટ છે કે બેલેટ પેપર સાથે છેડછાડ કરવામાં આવી છે.

શું આ રીતે ચૂંટણી થાય છે? આ માણસ સામે કાર્યવાહી થવી જોઈએ. કેમ તેઓ કેમેરા તરફ જોઈ રહ્યા છે અને પછી ભાગેડુઓની જેમ ભાગી રહ્યા છે. પ્રિસાઇડિંગ ઓફિસર બેલેટ પેપરમાં ફેરફાર કરતાં જોવા મળ્યા હતા. શું આ રિટર્નિંગ ઓફિસરનું વર્તન છે? તેઓ કેમેરા તરફ જુએ છે અને બેલેટ પેપર સાથે છેડછાડ કરે છે. તેઓ બેલેટ પેપરને ટ્રેમાં રાખે છે જેના તળિયે ક્રોસનું નિશાન હોય છે. તેઓ બેલેટ પેપરને બગાડે છે અને તેના પર ક્રોસ કરે છે અને પછી કેમેરા તરફ જુએ છે. તેમને કહો કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહી છે. અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં.

દેશમાં સ્થિરતા લાવવાનું સૌથી મહત્ત્વનું બળ ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા છે.’’ જસ્ટિસ ચંદ્રચુડ ઉપરાંત આ કેસની સુનાવણી કરનાર બેંચમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. આ અરજી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમાર વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પ્રિસાઇડિંગ ઓફિસરને ૧૯ ફેબ્રુઆરીએ સુનાવણીમાં હાજર થવા અને તેમના વર્તન અંગે ખુલાસો કરવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે ૭ ફેબ્રુઆરીએ યોજાનારી ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ દિવસે બજેટ પણ રજૂ થવાનું છે. ૩૦ જાન્યુઆરીએ ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે આપે અને કોંગ્રેસે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ હાઈકોર્ટે રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે ચંડીગઢ પ્રશાસન સહિત સંબંધિત સત્તાવાળાઓને ત્રણ અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. હાઈકોર્ટે ફરી ચૂંટણીની આપ અને કોંગ્રેસની માંગણીને પણ ફગાવી દીધી હતી. જો સુપ્રીમ કોર્ટ ચંડીગઢના મેયરની ચૂંટણીને રદ કરી નાખશે તો તે ભાજપના ગાલ પરનો સણસણતો તમાચો હશે.

Most Popular

To Top