Gujarat

આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું : સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે શરૂઆત

VGRC સુરત 2026માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશનને મળશે નવી દિશા

ગાંધીનગર,
દેશમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાતું જોવા મળી રહ્યું છે. National High Speed Rail Corporation Limited (NHSRCL) દ્વારા અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ જેવી મહત્વપૂર્ણ કામગીરી સ્વદેશી કંપની દ્વારા કરવામાં આવે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આત્મનિર્ભર બનાવવાના હેતુસર NHSRCLએ રક્ષા મંત્રાલય હેઠળની કંપની BEML Limitedને સિંગલ ટેન્ડર જારી કર્યું છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરાયેલા આ ટેન્ડર હેઠળ BEMLને હાઇ સ્પીડ ટ્રેનની ડિઝાઇનથી લઈને ઉત્પાદન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને લાંબા ગાળાના મેન્ટેનન્સ સુધીની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ અને મુંબઇ વચ્ચે 508 કિલોમીટર લાંબા હાઇ સ્પીડ રેલ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ગુજરાત અને દાદરા-નગર હવેલીમાં 352 કિલોમીટર તથા મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરનો સમાવેશ થાય છે. આ કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને મુંબઈ સહિત કુલ 12 સ્ટેશનો હશે.આ સાથે જ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27માં દેશભરમાં 7 નવા હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી જેવા રૂટ દ્વારા દેશના વિવિધ વિસ્તારો વચ્ચે ઝડપી અને ટકાઉ કનેક્ટિવિટી વધારવાનો હેતુ છે.
આ તમામ વિકાસની વચ્ચે આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રોમાં રોકાણ અને નવી તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સંમેલન રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ રીતે, સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણનો પ્રયાસ અને નવા રેલ કોરિડોરની જાહેરાત ભારતને આત્મનિર્ભર અને આધુનિક પરિવહન વ્યવસ્થા તરફ ઝડપી ગતિએ આગળ ધપાવશે.

Most Popular

To Top