National

ઓડિશામાં મતદાર યાદી સુધારણા માટે મોટી રાહત, દાવા-વાંધા નોંધાવવાની છેલ્લી તારીખ હવે 19 ઓગસ્ટ

ભારતના ચૂંટણી પંચે (ECI) ઓડિશામાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં દાવા અને વાંધા નોંધાવવા માટેની સમયમર્યાદા વધારી છે. અગાઉ 4 ઓગસ્ટ, 2026 સુધી અરજી કરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે તેને વધારીને 19 ઓગસ્ટ, 2026 કરવામાં આવી છે. વધુમાં વધુ મતદારોને પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે શુક્રવારે જાહેર કરેલી સત્તાવાર સૂચના અનુસાર, ઓડિશાના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની ભલામણ બાદ આ સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આથી મતદારોને પોતાના નામ, વિગતો અથવા મતદાર યાદી સંબંધિત કોઈપણ દાવા કે વાંધા રજૂ કરવા માટે વધુ સમય મળશે.

મતદાર યાદી વધુ ચોક્કસ બનાવવા ખાસ અભિયાન

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો મુખ્ય હેતુ મતદાર યાદીને વધુ સચોટ અને અપડેટ બનાવવાનો છે. આ પ્રક્રિયામાં નવા મતદારોનું નામ ઉમેરવું, ખોટી વિગતો સુધારવી, ડુપ્લિકેટ નામ દૂર કરવું અને જરૂરી ફેરફારો કરવાનો સમાવેશ થાય છે. આ સુધારણા માટે 1 જુલાઈ, 2026ને લાયકાત તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. ચૂંટણી પંચના નવા કાર્યક્રમ મુજબ હવે દાવા અને વાંધાની સુનાવણી અને નિકાલની પ્રક્રિયા 17 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 21 સપ્ટેમ્બર, 2026ના રોજ ઓડિશાની અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.

નિયમો હેઠળ સમયમર્યાદા વધારાઈ

ચૂંટણી પંચે જણાવ્યું કે Registration of Electors Rules, 1960ના Rule 12 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ સમયમર્યાદા વધારવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ વધુમાં વધુ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં યોગ્ય રીતે સામેલ કરવાની તક આપવાનો છે. ચૂંટણી પંચનું માનવું છે કે વધુ લોકોની ભાગીદારીથી મતદાર યાદી વધુ વિશ્વસનીય અને પારદર્શક બનશે.

આંધ્ર પ્રદેશમાં પણ બહાર પડી ડ્રાફ્ટ મતદાર યાદી

બીજી તરફ ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની ગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. 15 જૂનથી 24 જુલાઈ, 2026 દરમિયાન યોજાયેલી પ્રક્રિયામાં કુલ 3,71,38,182 મતદારોએ એન્યુમરેશન ફોર્મ ભર્યા હતા, જે રાજ્યના કુલ 4,16,27,694 મતદારોના લગભગ 89.22 ટકા છે. સર્વે દરમિયાન 15.22 લાખ મતદારોને મૃત જાહેર કરવામાં આવ્યા, જે કુલ મતદારોના 3.66 ટકા છે. જ્યારે 22.30 લાખ મતદારો કાયમી સ્થળાંતર કરી ચૂક્યા હોવાનું અથવા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું, જે કુલ મતદારોના 5.35 ટકા થાય છે.

આ ઉપરાંત 7.37 લાખ મતદારોના નામ એકથી વધુ સ્થળે નોંધાયેલા હોવાનું પણ જાણવા મળ્યું. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આવા મતદારોનું નામ નિયમો મુજબ માત્ર એક જ મતદાર યાદીમાં રાખવામાં આવશે.

કેટલાક મતદારોનો સંપર્ક થયો નહીં

બૂથ લેવલ અધિકારીઓ (BLO) કેટલાક મતદારો સુધી પહોંચી શક્યા નહોતા. તેના કારણોમાં અન્ય રાજ્યમાં સ્થળાંતર, સમયસર ફોર્મ ન ભરવું અથવા મતદાર તરીકે નોંધણીમાં રસ ન હોવો જેવા કારણો સામેલ હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે.

Most Popular

To Top