Dakshin Gujarat

નર્મદા નદી પર દેશના 3 મોટા ડ્રીમ પ્રોજેક્ટ માટે 3 બ્રિજ આકાર લઈ રહ્યા છે

ભરૂચ: (Bharuch) ૨૦૨૨માં ફરી ડબલ એન્જિનની સરકાર રચાઈ ગઈ છે. હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી ઉપર તમામ ફોક્સ છે ત્યારે ચૂંટણી (Election) પેહલા ભરૂચની નર્મદા નદી (Narmada River) ઉપર દેશના સૌથી લાંબા ૮ લેન કેબલબ્રિજના નિર્માણ બાદ ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન અને બુલેટ ટ્રેન માટે ૨ બ્રિજના (Bridge) નિર્માણની કામગીરી પૂર્ણ કરવા જોરશોરમાં કામગીરી કરાઈ રહી છે. ભરૂચની નર્મદા નદી ઉપર ૯૧ વર્ષ બાદ સિલ્વર બ્રિજ પછી રેલવેના બુલેટ ટ્રેન (Railway Bullet Train) અને DFC બે મેજર બ્રિજ આકાર લઈ રહ્યા છે. બીજી તરફ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો ભારતનો સૌથી લાંબો અને યુનિક ૮ લેન ડબલડોઝ કેબલબ્રિજ ક્યારનો તૈયાર થઈ ગયો છે.

  • નર્મદા નદી પર ૨ કિલોમીટરના ક્ષેત્રફળમાં દેશના ૩ મોટા ડ્રીમ પ્રોજેક્ટ માટે ૩ બ્રિજનું નિર્માણ થશે
  • ભરૂચમાં નર્મદા નદી ઉપર રોડ, રેલ અને બુલેટના ટ્રિપલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં
  • નર્મદા નદી પરનો ૧.૨ કિલોમીટર લાંબો પુલ ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ છે

બુલેટ ટ્રેન કોરિડોરમાં ગુજરાતમાં નર્મદા નદી પરનો સૌથી લાંબો પુલ જૂન-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે. નર્મદા નદી પરનો ૧.૨ કિલોમીટર લાંબો પુલ ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ છે. નર્મદા નદી પરના મેજર બ્રિજ સાથે જ ગુજરાતમાં વિવિધ નદીઓ પર નિર્માણાધીન તમામ ૨૦ પુલ જૂન-૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાની NHSRCLએ સંભાવના વ્યક્ત કરી છે.

દિલ્હી-મુંબઈ ગુડ્ઝ ટ્રેન માટે અલાયદા ત્રીજા ડબલ ટ્રેકના બ્રિજનું નિર્માણ પણ રેલવે દ્વારા જોરજોરમાં ચાલી રહ્યું છે. નર્મદા નદી ઉપર DFCના આ બ્રિજ ઉપરથી ૧૦૦ કિલોમીટરની ઝડપે ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન દોડનાર છે. આ બ્રિજ પણ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

નર્મદા નદી ઉપર માત્ર ૨ કિલોમીટરની ત્રિજીયામાં જ એક્સપ્રેસ વે, ફ્રેઈટ કોરિડોર અને બુલેટ ટ્રેનના બ્રિજ આવેલા છે. જેમાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે ૨૦૨૪ સુધીમાં કાર્યરત થઈ જતા ૮ લેન ડબલ ડોઝ કેબલ બ્રિજ પરથી ૧૨૦ કિલોમીટરની રફ્તારે વાહનો દોડતા થઈ જશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા નર્મદા નદી ઉપર નિર્માણાધીન આ ત્રણેય રોડ, રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેજર બ્રિજના ડ્રોન ફોટા મૂકી જોરોમાં ચાલતી ટ્રિપલ કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો છે.

Most Popular

To Top