Dakshin Gujarat

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર મધરાત્રે બે ST બસને અકસ્માત નડ્યો

ભરૂચ: (Bharuch) ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiyya Bridge) જાણે રાજ્યની સરકારી બસો (Bus) માટે અકસ્માત ઝોન બની રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ બ્રિજ પર ૮ સરકારી બસોના અકસ્માત સર્જાયા છે. ગુરુવારે મધરાત્રે વધુ બે બસ અકસ્માતગ્રસ્ત બની હતી. આ બ્રિજ પર GSRTCની બસોને પરવાનગી અપાયા બાદ ૮ બસ અકસ્માતગ્રસ્ત બની છે.

  • ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર મધરાત્રે બે ST બસને અકસ્માત નડ્યો, કારને પણ નુકસાન
  • બ્રિજ પર GSRTCની બસોને પરવાનગી બાદ ૮ બસ અકસ્માતગ્રસ્ત બની
  • એસ.ટી. નિગમે બ્રિજ ઉપર વાહનોની ગતિ પર લગામ કસવી જરૂરી
  • સુરતથી આવતી એક એસ.ટી. બસ આગળ ચાલતી કારમાં ભટકાઈ
  • નર્મદા મૈયા બ્રિજના ભરૂચ તરફ બીજી બસના ચાલકે ડિવાઈડરમાં વાહન અથડાવ્યું

નર્મદા મૈયા બ્રિજ ઉપર હાલમાં જ સરકારી એસ.ટી. બસોને અવરજવર માટે પરવાનગી અપાઈ હતી. જો કે, જ્યારથી સરકારી બસની સફર આ ફોરલેન સેતુ પરથી શરૂ થઈ છે ત્યારથી અકસ્માતોની વણઝાર સર્જી દીધી છે. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ સરકારી ST બસનો અકસ્માત ઝોન બની રહ્યો હોવા છતાં ડ્રાઈવરોને સ્પીડ નિયંત્રણ અંગે કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી.
ગુરુવારે રાત્રે બે અલગ અલગ બનાવમાં સુરત તરફથી ભરૂચ આવતી સરકારી બસે ઇકો કારને પાછળથી ટક્કર મારતાં કારને નુકસાન થયું હતું. જો કે, અંદર બેસેલા ડ્રાઈવર સહિત અન્ય લોકો તેમજ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે રાત્રે ૧ વાગ્યાના આસપાસ બીજો અકસ્માત ભરૂચ તરફ થયો હતો. બસચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ રોડ પર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. સદનસીબે બંને બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. એસ.ટી. બસો નર્મદા મૈયા બ્રિજ પર કોઈ જાન કે માલહાનિ સર્જે એ પહેલાં ST ડ્રાઈવરોને બ્રિજ પર કઈ રીતે, કેટલી ઝડપે બસ હંકારવી તેના પાઠ ભણાવાય એ જરૂરી બન્યું છે.

Most Popular

To Top