Gujarat

રિવાબા જાડેજાએ કચ્છમાં પોતાનો ફોટો લગાડેલા ફૂડ પેકેટ વહેંચતા વિવાદ

ગાંધીનગર: (Gandhinagar) સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠે ગઈકાલે મોડી સાંજે બિપોરજોય વાવાઝોડું (Cyclone) ત્રાટક્યું હતું. જેને કારણે ભયાનક તારાજી સર્જાય છે. આ આફતની સ્થિતિમાં પણ ભાજપના (BJP) ધારાસભ્યો પ્રચાર કરવાની એક તક છોડતા નથી. જામનગરના ભાજપના મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ ફૂડ પેકેટ (Food Packet) ઉપર પોતાનો ફોટો લગાવીને લોકોમાં વહેંચ્યા હતા. આમ આફતના સમયે પ્રસિદ્ધિ મેળવવાના આ પ્રયાસને લોકોએ ભારે નિંદા કરી હતી અને સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા.

  • રિવાબા જાડેજાએ ફૂડ પેકેટ પર પોતાનો ફોટો લગાડતા વિવાદ
  • વાવાઝોડાની આફતમાં પણ ભાજપના મહિલા ધારાસભ્ય પોતાનો પ્રચાર કરવાનું છોડતા નથી
  • સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાં રિવાબાએ પોસ્ટ ડિલિટ કરી દીધી

ગુજરાતમાં સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠે બિપપરજોય વાવાઝોડાને પગલે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ ગઈકાલે ત્રાટકેલા વાવાઝોડાથી દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન થયું છે. તેવામાં અસરગ્રસ્તોની મદદથી રાજકીય પાર્ટીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય લોકો આવી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પોતાના સંગઠનને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અપીલ કરવામાં આવી છે. જામનગરના ભાજપના મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ અસરગ્રસ્તોની મદદ માટે ફ્રુટ પેકેટ તૈયાર કરાવ્યા હતાં, અને તેના ઉપર પોતાનો ફોટો લગાવીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ આવા કપરા સમયે પણ પ્રચાર કરનાર ધારાસભ્યની લોકો ભારે નિંદા કરી રહ્યા છે. રીવાબા જાડેજા દ્વારા ફૂડ પેકેટ ઉપર લગાવેલી તસવીર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી હતી. જોકે ટ્રોલ થતાં સોશિયલ મીડિયા પરથી આ પોસ્ટને ડીલીટ કરી નાખવામાં આવી હતી.

બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ રાજ્યના ૧૭૧ તાલુકાઓમાં વરસાદ થયો
ગાંધીનગર : ગઈકાલે સાંજે ૬.૩૦ વાગ્યાથી બિપોરજોય વાવાઝોડું કચ્છના માથેથી પસાર થયુ હતું. જો કે બિપોરજોયની અસર હેઠળ કચ્છમાં ભારે વરસાદ થયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૭૧ તાલુકાઓમાં વરસાદ થયો છે. જો કે એકલા કચ્છના ગાંધીધામમાં ૮ ઈંચ વરસાદ થયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને ગાંધીધામમાં ૮ ઇંચ, ભૂજમાં સવા છ ઇંચ, અંજારમાં સવા પાંચ ઇંચ, મુંદ્રા ખાતે પાંચ , જામનગરના ખંભાળિયામાં ૪ ઇંચ, જામજોધપુરમાં સાડા ત્રણ ઇંચ, દ્વારકામાં સાડા ત્રણ ઇંચ, કલ્યાણપુરમાં સવા ત્રણ ઇંચ, વાવમાં ૩ ઇંચ, કાલાવાડમાં અઢીં ઇંચ, કચ્છના માંડવીમાં અઢીં ઇંચ, ભચાઉમાં અઢી ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ, નખત્રાણામાં ૧.૬ ઇંચ, થરાદમાં ૧.૬ ઇંચ, જામનગરમાં ૧.૫ ઇંચ, લાલપુર અને ટંકારામાં ૧.૫ ઇંચ, મોરબીમાં ૧.૫ ઈંચ, ધ્રોલમાં ૧.૪ ઇંચ, ભાણવડ, અબડાસા અને પડધરીમાં ૧.૩ ઈંચ જેટલો વરસાદ થયો હતો. બિપરોજોયના પગલે સૌરાષ્ટ્ર તથા કચ્છ ઉપર કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા. જેના પલે વાવાઝોડું પસાર થયુ તે વખતે ભારે વરસાદ તૂટી પડયો હતો. ખાસ કરીને ૩૪ તાલુકાઓમાં ૧થી ૮ ઈંચ વરસાદ થયો હતો.

Most Popular

To Top