National

સુકેશે ઓડિશા ટ્રેન દુર્ઘટના પીડિતો માટે 10 કરોડ રૂપિયાનું દાન સ્વીકારવા રેલ્વે મંત્રીને કરી અપીલ

નવી દિલ્હી: દિલ્હીની (Delhi) મંડોલી જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh chandrashekhar) રેલવે મંત્રી (Railway minister) અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ઓડિશા ટ્રેન દુર્ઘટનાના (Orissa train accident) પીડિતો માટે 10 કરોડ રૂપિયાનું દાન સ્વીકારવા વિનંતી કરી છે. જો કે આ વાત ચર્ચાનો વિષય બની છે કે એક ઠગ દાન કરવાની વાત કરી રહ્યો છે. અગાઉ સુકેશ પર મની લોન્ડરિંગના ઘણાં કેસો છે, તેણે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી એલજીને એક પત્ર લખીને દાવો કર્યો હતો કે કેજરીવાલે પોતાના બંગલા માટે મારી પાસેથી ફર્નિચર અને બેડની ખરીદી કરી છે.

પરંતુ હવે તેણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે 10 કરોડ રૂપિયાનું દાન સ્વીકારવા વિનંતી કરી છે. ગઇ 2 જૂનના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી મુજબ સુકેશે પત્રમાં કહ્યું છે કે આ યોગદાન હું મારી કાયદેસરની કમાણી તથા મારા અંગત ભંડોળમાંથી આપું છું. જેની સાબિતી રુપે 10 કરોડના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રિટર્ન ફાઇલિંગ અને અન્ય દસ્તાવેજો પણ આપવામાં આવશે.

  • સુકેશે કરી ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે 10 કરોડ રૂપિયાનું દાન સ્વીકારવા વિનંતી
  • યોગદાનનો ઉપયોગ ફક્ત મૃતક પરિવારના બાળકોના શિક્ષણ માટે- સુકેશ

આ યોગદાનનો ઉપયોગ ફક્ત મૃતક પરિવારના બાળકોના શિક્ષણ માટે થવો જોઈએ- સુકેશ
પોતાના વકીલ દ્વારા જારી કરાયેલા પત્રમાં સુકેશે લખ્યું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે જેના કારણે હું સંપૂર્ણપણે તૂટી ગયો છું. છેલ્લા કેટલાક દિવસોથી મારું હૃદય ભારે છે. આ દુર્ઘટનામાં જેમના નજીકના અને સ્નેહીજનોએ જીવ ગુમાવ્યો છે તેમના માટે તે અત્યંત દુઃખદાયક છે. વધુમાં તેણે કહ્યું કે હું એક જવાબદાર અને સારા નાગરિક તરીકે, ખાસ કરીને એવા પરિવારો કે જેમણે તેમના કમાતા પ્રિયજનો/બાળકો ગુમાવ્યા છે, આપણા દેશના ભાવિ યુવાનો માટે હું 10 કરોડ રૂપિયાનું યોગદાન આપી રહ્યો છું. આ યોગદાનનો ઉપયોગ ફક્ત મૃતક પરિવારના બાળકોના શિક્ષણ જેમ કે શાળા, ઉચ્ચ શાળા અથવા કૉલેજ શિક્ષણ માટે થવો જોઈએ.

સુકેશે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા રાહત કાર્યોની પ્રશંસા કરી
મળતી માહિતી મુજબ સુકેશે પત્રમાં એમ પણ લખ્યુ છે કે અમારી સરકાર અસરગ્રસ્તોને જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડી રહી છે. તેમ છતાં હું ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે 10 કરોડ રૂપિયાનું દાન આપવા માંગું છું. તેણે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવા માટે રેલવે મંત્રી પાસેથી સંબંધિત વિભાગના નામ અને અન્ય માહિતી માંગી છે જેથી ડ્રાફ્ટને વહેલી તકે તૈયાર કરવામાં મદદ મળી શકે. પત્રમાં સુકેશે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા રાહત કાર્યોની પણ પ્રશંસા કરી છે.

Most Popular

To Top