Dakshin Gujarat

વાપીમાં નેપાળી મહિલાની લેઝર બ્લેડ તથા ગળુ દબાવી હત્યા કરનાર વ્યક્તિ ઓળખાઈ ગયો

વાપી: (Vapi) વાપીના છરવાડામાં નેપાળી મહિલાની હત્યા (Murder) પ્રકરણમાં પોલીસ ટીમને તપાસ દરમિયાન સ્થળ પરથી એક લેઝર બ્લેડ મળી આવી હતી, જે મહત્વની કડી પુરવાર થઈ હતી. પોલીસની ટીમ (Police Team) અને ટેક્નિકલ તથા ફિલ્ડ વર્ક કરી હત્યારાને ઝડપી પાડ્યો હતો. મહિલાની હત્યા કરનાર ઈસમ પડોશી જ નીકળ્યો હતો. મહિલા પાસે અઘટિત માંગણી કરી હતી અને તેનો પ્રતિકાર કરતા તેણે ગુસ્સામાં આવી લેઝર બ્લેડ વડે તથા ગળુ દબાવી મહિલાની હત્યા કરી નાંખી હતી. બીજે દિવસે તે સવારે ફેક્ટરીએ કામ પર ચાલી ગયો હતો.

  • વાપીમાં નેપાળી મહિલાની લેઝર બ્લેડ તથા ગળુ દબાવી હત્યા કરનાર પડોશી નીકળ્યો
  • અઘટિત માંગણી કરતા પ્રતિકાર કરનાર મહિલાને લેઝર બ્લેડ વડે તથા ગળુ દબાવી હત્યા કરી હતી
  • છરવાડામાં નેપાળી મહિલાની હત્યા કરી ઈસમ ફેક્ટરીમાં કામ પર જતો રહ્યો હતો

નેપાળના વતની અને છરવાડામાં રમઝાન વાડીના ગુરૂકૃપા કોમ્પ્લેકસમાં રહેતા અર્જુનસિંગ જયસીંગ સેલવાસની હોટલમાં નોકરી કરે છે. તે અઠવાડિયામાં એકાદ વખત ઘરે આવતા હતાં. પત્ની લક્ષ્મી સીંગ (ઉં.25) અને તેની બે દિકરીઓ સાથે ઘરમાં રહેતા હતાં. રાત્રીના સમયે મહિલાનું ગળુ દબાવી હત્યા થઈ હોવાની વાત મૃતક મહિલાના ભાભીને થઈ હતી. જે અંગેની ફરિયાદ પતિએ વાપી ડુંગરા પોલીસ મથકમાં કરતા પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી એક લેઝર બ્લેડ મળી આવી હતી.

ગુનાની ગંભીરતાને લઈ અધિક પોલીસ મહાનિર્દેશક સુરત રેંજ પિયુષ પટેલ તથા વલસાડ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાની સૂચના-માર્ગદર્શન હેઠળ તથા ઈન્ચાર્જ ડીવાયએસપી એ.કે. વર્મા-વાપી ડિવિઝન હેઠળ એલસીબી પીઆઈ વી.બી.બારડ તથા એસઓજી અને ડુંગરા પોલીસે ટેક્નિકલ તથા ફિલ્ડ વર્ક અને ઈન્ટ્રોગેશન કામગીરી વખતે મળેલી માહિતી આધારે મહિલાની હત્યા કરનાર ઈસમ સુધી પહોંચવામાં સફળ થઈ હતી. પોલીસે હત્યા કરનાર ગુરૂકૃપા કોમ્પ્લેકસમાં જ રહેતો મહમદ સમીમ મહમદ હકીમ રાઈન (મૂળ રહે. બિહાર)ને ઝડપી પૂછપરછ કરતા હત્યા કર્યાની કબુલાત કરી હતી.

તેણે રાત્રી દરમિયાન મહિલાની એકલતાનો લાભ લઈ અઘટીત માંગણી કરી હતી અને મહિલાએ તેનો પ્રતિકાર કરતા તેણે ગુસ્સામાં આવી લેઝર બ્લેડ વડે તથા ગળુ દબાવી મહિલાની હત્યા કરી હતી. હત્યાને અંજામ આપનાર મહમદ સમીમ પરિણીત છે અને તે બલીઠામાં ગારમેન્ટ કંપનીમાં પ્રીન્ટનું કામ કરે છે. હત્યા કર્યા બાદ તે બીજે દિવસે સવારે ફેક્ટરીએ કામ પર ચાલી ગયો હતો. નેપાળી મહિલાની હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં વલસાડ પોલીસને સફળતા મળી હતી.

Most Popular

To Top