Business

તમારા આઇડિયામાં વિશ્વાસ રાખો શીખો ચેતન મેની પાસેથી

એક આઇડિયા જે બદલશે આપની દુનિયા’ પ્રગતિ માટે અપનાવવામાં આવતા નુસખાઓને જ્યારે અમલમાં મૂકો ત્યારે શરૂમાં એવું લાગશે કે ક્યાંક આપણે ભૂલ તો નથી કરી રહ્યા ને? પણ તમારા નિર્ણયમાં વિશ્વાસ રાખી આગળ વધો.
મુખ્ય મુદ્દો એ છે કે મારી પાસે જે આઇડિયા છે તે સફળ થશે કે નહીં તે બાબતે આજના મૅનેજર્સ, લીડર્સના કન્ફ્યુઝનની પરિસ્થિતિએ તેમના આત્મવિશ્વાસને ડગાવી નાખ્યો છે પરંતુ એક વાત ચોક્કસ છે જો તમને તમારા આઇડિયામાં સજ્જડ વિશ્વાસ હશે તો તમને કોઈ ડગાવી શકશે નહીં કે તમને કોઈ રોકી શકશે નહીં. માત્ર ને માત્ર સફળતા જ હાથ લાગશે.

એક નાનકડું ઉદાહરણ આપું. મેની ગ્રુપના સ્થાપક ચેતન મેનીને નાનપણથી જ મોટરગાડીઓનો જબરદસ્ત શોખ હતો. વર્ષો પહેલાં જ્યારે તેમણે બૅટરીથી ચાલતી કાર પહેલી વાર જોઈ ત્યારે તેમને તે ખૂબ પસંદ આવી ગઈ હતી. ચેતન મેની ડિઝલ અને પેટ્રોલથી ચાલતી કારના સ્થાને ઇલેક્ટ્રિકથી ચાલતી કાર બનાવવાના મૂડમાં હતા. ખૂબ નાની વયે તેમણે તેમનામાં રહેલા અદભુત આઇડિયામાં વિશ્વાસ મૂક્યો. ફક્ત 13મા વર્ષે તેમણે ગોકાર્ટિંગની કાર બનાવી. 20મા વર્ષે તેમણે સૂર્ય ઊર્જાથી ચાલતી ગાડી બનાવી. માત્ર 24મા વર્ષે તેમણે ઇલેક્ટ્રિક કાર બનાવવાનો પ્રોજેક્ટ નાખ્યો અને આખરે 31મા વર્ષે ફૅક્ટરીમાંથી બૅટરી ઑપરેટેડ પહેલી કાર બહાર આવી.

આ બધું પાર પાડવા માટે તેમણે તેમના આઇડિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમાં સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો. ચેતન મેનીએ એક સૂત્ર અપનાવ્યું કે આઇડિયાઝ અગત્યના છે પરંતુ આ આઇડિયા ઉપર આપણે જાતે જ અમલ કરવો પડે. બીજા ઉપર બધું છોડી ન દેવાય. ચેતન મેનીના કહેવા મુજબ, ‘‘મારા કારીગરો મને કામ કરતાં જોઈને શીખ્યા કે ગાડીમાં કોઈ સમસ્યા પેદા થાય તો બહાર ઊભા ઊભા ચર્ચા કરવાથી સમસ્યાનું નિરાકરણ આવે નહીં. હું પોતે ગાડીની નીચે ઘૂસી જઈને કામ પાર પાડી દેતો. આ જોઈને બધા શીખી ગયા કે ‘આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય.’

તેમની ટીમે આઇડિયાનું સારું સંચાલન કર્યું. આ લોકોએ એટલું યાદ રાખ્યું કે દરેક આઇડિયા અલગ અલગ રીતે મહત્ત્વના છે. તેનું સુચારુ સંચાલન નવી દિશા અને સફળતા અપાવી શકે છે.’’ ધીમે ધીમે ચેતન મેની અને ટીમના અથાગ પ્રયત્નથી ઇલેક્ટ્રિક કાર બનવાનું શરૂ થયું. આજે સ્થિતિ એ છે કે તેમની કંપની દુનિયાની અગ્રણી કાર બનાવતી કંપનીઓને તેમની આગવી ટૅક્‌નૉલૉજી અને પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તેમનું સ્વપ્ન છે કે જ્યારે ટ્રાફિક લાઇટ ઉપર ઊભા હોઈએ ત્યારે એક પણ વાહનમાંથી ધુમાડો કે અવાજ આવતો ન હોય.

નીરવ શાંતિ હોય, ગાડીની સાથોસાથ બાઇક, રિક્ષા અને કાર બધું જ ઇલેક્ટ્રિકથી ચાલતું હોય. આના ઉપરથી એટલું શીખવાનું કે જો તમને તમારા અને તમારા આઇડિયામાં વિશ્વાસ હોય તો તરત જ તેને અમલમાં મૂકો. તમને પણ સફળતા હાથવગી રહેશે. ચેતન મેનીએ ભારતને સૌ પ્રથમ ઈલેક્ટ્રિક કારની ભેટ આપી. ચેતન મેનીના મત મુજબ કોઈ વિચાર સારો કે ખોટો નથી પરંતુ તે વિચાર બધા કરતાં થોડો હટકે હોવો જોઈએ અને તે વિચારને અમલમાં મૂકી શકાય તેવો હોવો જોઈએ.
ubhavesh@hotmail.com

Most Popular

To Top