Columns

એક દિવ્ય પડછાયો

એક સંત હતા. ફૂલ કોઈ પક્ષપાત વિના સુગંધ ફેલાવે તેમ આ સંત કઈ જ બોલ્યા વિના સવારથી રાત સુધી સતત સારા કામ કર્યા કરતા,તેમના મનમાં એક જ ભાવના હતી કે ‘ભગવાન આપે છે, હું આપું છું…આપીને એ ભૂલી જાય છે હું પણ ભૂલી જાવ છું.’ આ શબ્દો તેમના હોઠોની બહાર ક્યારેય આવ્યા ન હતા.બસ એક મીઠા સ્મિત,દયા અને પ્રેમ સાથે તેઓ સતત સેવા કરતા રહેતા.

ભગવાનના દેવદુતોએ ભગવાનને કહ્યું, ‘પ્રભુ આ સંત સતત સારા કામ કરે છે.આ દિવ્ય આત્માને તમારે તે ચમત્કાર કરી શકે તેવી શક્તિ આપવી જોઈએ.’ ભગવાને કહ્યું, ‘ભલે તમે તેની પાસે જાવ અને તેને ઈચ્છા મુજબ તેને જે જોઈએ તે એક ચમત્કારિક શક્તિ આપજો.એક શક્તિ તમારે તેને આપવી જ પડશે.’

દેવદૂતો સંત પાસે ગયા;પોતાની ઓળખ આપી અને કહ્યું, ‘અમારે તમને એક ચમત્કારિક શક્તિ આપવાની છે બોલો તમને કેવી ચમત્કારિક શક્તિ જોઈએ છે.શું અમે તમારા હાથમાં એવી શક્તિ આપીએ કે તમે જેની પર હાથ મુકો તેની બધી પીડા દુર થઇ જાય.’ સંતે કહ્યું, ‘ના, આ કામ તો મારો ભગવાન જ કરે તે બરાબર છે.’ દેવદૂતોએ કહ્યું, ‘તો અમે તમને એવી શક્તિ આપીએ કે તમે જીવનમાં માર્ગ ભટકી ગયા હોય તેને સાચા માર્ગે વળી શકો.’ સંત બોલ્યા, ‘ના, આ તો દેવદૂતોનું કાર્ય છે.હું બીજાનું જીવન શું બદલી શકું?’

દેવદૂતોએ પૂછ્યું, ‘તો તમને શું જોઈએ છે??’ સંત હસ્યા અને બોલ્યા, ‘બસ મારો ભગવાન મને આશીર્વાદ આપે;મારી પર કૃપા કરે તો મને બધું જ મળી જશે.’ દેવદૂત બોલ્યા, ‘ભગવાનની કૃપા તો તમારી પર છે જ…અને તમે અમને તમારી ઈચ્છા નહિ જણાવો તો પણ અમારે તમને એક ચમત્કારિક શક્તિ આપવી જ પડશે.’

સંતે કહ્યું, ‘તો પછી તમે મને એવી શક્તિ આપો કે મારા દ્વારા સારા કામ થતા રહે પણ મને તેની ક્યારેય ખબર ન પડે.’ દેવદૂતોએ બહુ વિચારીને રસ્તો કાઢ્યો તેમને સંતના પડછાયાને દિવ્યતા આપી જેથી સંત જ્યાં જાય ત્યાં તેમની આજુ બાજુ અને પાછળ જમીન પર પડતો પડછાયો ધરતીને નવપલ્લવિત લીલીછમ કરતો જાય.સુકાયેલી નદીમાં પાણી છલકાઈ જાય.બાળકોના મુરઝાયેલા ચહેરા ખીલી ઉઠે અને દરેક જણ જે તેમના પડછાયામાં આવે તે સુખી થઇ જાય.સંત તો જેમ જીવતા હતા તેમજ રોજ સતત સેવાકાર્ય કરતા રહેતા.પોતાના પડછાયાની શક્તિને જાણ્યા વિના સતત અન્યને સુખી કરતા હતા.લોકો તેમની પાછળ ફરતા માન આપતાં અને સંતનું નામ ભૂલી તેને દિવ્ય પડછયો જ કહેવા લાગ્યા.સંતનો પડછાયો ઈશ્વરકૃપા બની ગયો.        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top