Dakshin Gujarat

બારડોલીના નાંદીડા ગામના પ્રવેશદ્વાર પર આવેલા મોટા બાવા મંદિરમાં તોડફોડ

બારડોલી: (Bardoli) બારડોલીના નાંદીડા ગામના પ્રવેશદ્વાર પર આવેલા મોટા બાવા મંદિરમાં (Temple) કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તોડફોડ (Sabotage) કરવામાં આવતાં ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ અંગે ગ્રામજનોએ બારડોલી ટાઉન પોલીસને લેખિત ફરિયાદ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • નાંદીડાના મોટા બાવા મંદિરમાં અજાણ્યા ઇસમોએ તોડફોડ કરતાં ગ્રામજનોમાં રોષ
  • મંદિરમાં તોડફોડ કરનારા શખ્સોને શોધી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ
  • બારડોલી ટાઉન પોલીસને લેખિત ફરિયાદ

બારડોલીને અડીને આવેલા નાંદીડા ગામના પ્રવેશદ્વાર ઉપર વર્ષો જૂના મોટા બાવા મંદિરનો 1960માં ગામના જ ઉર્મિલાબેન અને દક્ષાબેન દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જે-તે સમયે આ મંદિર ગ્રામ પંચાયતને હસ્તક કરવામાં આવ્યું હતું. ત્યારથી આસ્થાના પ્રતીકસમાન આ મંદિરની નિયમિતપણે સારસંભાળ તેમજ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ગામના સરપંચ અક્ષય રાઠોડ રાબેતા મુજબ સાંજે 6 વાગ્યે મંદિરમાં દર્શન માટે ગયા તો અંદર બનાવેલ દેરું તૂટેલું હતું તેમજ ભગવાનના ફોટો વેરવિખેર હતા.

આ મંદિરમાં કોઈ અજાણ્યા ઇસમોએ તોડફોડ કરી હોવાનું જાણવા મળતાં સરપંચે ગ્રામજનોને જાણ કરી હતી. જોતજોતામાં મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. ગ્રામજનોના આસ્થાના પ્રતીક એવા મંદિરમાં તોડફોડ થઈ હોય ગ્રામજનોની લાગણી દુભાઈ હતી. ગ્રામજનોએ બારડોલી ટાઉન પોલીસને લેખિત ફરિયાદ કરી મંદિરમાં તોડફોડ કરનાર શખ્સોને શોધી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મંદિરમાં તોડફોડને કારણે ગ્રામજનોમાં રોષની લાગણી જોવાં મળી રહી છે.
ગામના સરપંચ અક્ષય રાઠોડે જણાવ્યું હતું કે, આ મંદિર અમારી આસ્થાનું પ્રતીક છે, જેમાં તોડફોડ કરવામાં આવતાં અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે. આ મંદિર ફરીથી જેવું હતું તેવું બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.

સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ શરૂ કરાઈ
આ અંગે તપાસ કરનાર જમાદાર પાંડુભાઈએ જણાવ્યું હતું કે, મંદિરમાં તોડફોડ અંગેની ફરિયાદ મળી છે. જે અંગે આજુબાજુનાં સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી મંદિરમાં તોડફોડ કોણે કરી તે જાણી શકાયું નથી.

Most Popular

To Top