Dakshin Gujarat

રાહુલ ગાંધીએ રાજપીપળામાં હરસિદ્ધિ માતાના દર્શન કર્યા, રવિવારે ભારત જોડો ન્યાય યાત્રા બારડોલી પહોંચશે

ભરૂચ: (Bharuch) રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રા રાજવી નગરી રાજપીપળા ખાતેથી વાડિયા પેલેસ, કાળિયાભૂત, ગાંધી ચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, આંબેડકર પ્રતિમા, કાલાઘોડા તરફના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. એ વેળા રાહુલ ગાંધીએ રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિરમાં જઇ દર્શન કરીને તૃપ્ત થયા હતા. રાહુલ ગાંધીને નિહાળવા અને રાહુલ ગાંધીને સ્વાગત કરવા હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી. એક વૃદ્ધ આદિવાસી મહિલાઓ પણ દસ રૂપિયાનાં ફૂલો લઈ રાહુલ ગાંધીને પુષ્પો અર્પણ કરવા માટે આવી હતી, પરંતુ રાહુલ ગાંધીની સાથે મુલાકાત ન થતાં આદિવાસી મહિલાઓમાં નારાજગી જોવા મળી હતી. ભારત જોડો યાત્રાના ત્રીજા દિવસે લગભગ ૭૦ જેટલાં સામાજિક સંગઠનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરી હતી. નર્મદા જિલ્લાના કુંવરપારા વિસ્તારમાં મુલાકાત કરી હતી. એ દરમિયાન ખેડૂતો, આદિવાસી અને દલિતના મુદ્દા પર કામ કરતાં એક્ટિવિસ્ટ પણ જોડાયા હતા.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ગુજરાત પ્રવેશના આજે ત્રીજા દિવસે નર્મદામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. રાહુલ ગાંધીની યાત્રામાં ગુજરાત પ્રદેશ સમિતિના શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા નેત્રંગ ખાતે ન્યાયયાત્રામાં જોડાયા છે. નેત્રંગ ચોકડી પર મોટાં મોટાં હોર્ડિંગ લગાવાયાં હતાં. આખા નેત્રંગમાં કોંગ્રેસના ધ્વજ લગાવવામાં આવ્યા છે. ડીજે અને ઢોલ-નગારાંના તાલે લોકો ઝૂમી રહ્યા છે.

નેત્રંગમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદીજી દરિયાથી શરૂ કરીને હિમાલય સુધી ગયા. એ દરમિયાન અમારો અવાજ હતો કે, નફરતના બજારમાં હવે મહોબ્બતની દુકાન ખોલવી પડશે. ભારત સરકારને માત્ર ૯૦ લોકો ચલાવે છે. એમનું લિસ્ટ કાઢ્યું છે. જે ભારતના બજેટને વહેંચે છે, જેમાં એક જ આદિવાસી છે. જેમને પણ ખૂણામાં બેસાડી રાખ્યા છે. ભારત સરકાર બજેટમાં ૧૦૦ રૂપિયા ખર્ચ કરે છે, તો આદિવાસી ઓફિસર ૧૦ પૈસા ખર્ચ કરે છે. રૂ.૧૦૦માંથી માત્ર ૧૦ પૈસા અને તેમાં પણ ૮ ટકા આદિવાસી માટે આવે છે. બીજો મુદ્દો ભાગીદારીનો છે. સૌથી પહેલી વાત આ ૯૦ ટકા કોણ છે? ભારતના ગરીબ લોકોનાં દિલમાં વલોપાત છે. વિકાસ અદાણી-અંબાણીનો થઇ રહ્યો છે, તમારો નહીં. અદાણી જેવા લોકોનું ૧૬ લાખ કરોડનું દેવું માફ થાય છે. આવી યોજનાથી દેશ અને સૈનિકોને ઘણું નુકસાન થશે. શહીદોને સન્માન પણ નહીં મળે.

ભારત જોડો ન્યાય યાત્રાને લઈ બારડોલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
બારડોલી: બારડોલીમાં રવિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બારડોલીમાં પહોંચવાની છે. જેને લઈ બારડોલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રવિવારે સવારે રાહુલ ગાંધી માંડવીથી બારડોલી આવવા માટે રવાના થશે. તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ બારડોલી પહોંચે તેવી સંભાવના છે. બારડોલીમાં શહીદ ચોક ખાતે તેમની યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ સ્થાપિત સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. યાત્રામાં બારડોલી ખાતે રાહુલ ગાંધી મહિલાઓ, યુવાનો તેમજ ખેડૂતો સાથે ચર્ચા કરશે. ત્યારબાદ તેમનું વકીલો દ્વારા પણ સ્વાગત કરવામાં આવનાર છે. ત્યારબાદ તેઓ સરદાર ચોકમાં જાહેર સંબોધન કરનાર હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીની રેલીના આગમનને પગલે બારડોલી સહિત સમગ્ર યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઝેડ પ્લસ સુરક્ષાના હિસાબે માંડવીથી બારડોલી અને ત્યારબાદ બારડોલીથી વ્યારા સુધીના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત શનિવારથી ગોઠવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top