Dakshin Gujarat

બારડોલીમાં સાસરિયાઓએ પરિણીતાને ત્રણ સંતાન સાથે અડધી રાતે કાઢી મૂકી

બારડોલી: (Bardoli) સુરતના ડીંડોલીના દેલવાડા ગામે પરણેલી બારડોલીની પરિણીતાને દહેજમાં સોના-ચાંદીના દાગીના અને 50 લાખ રૂપિયા લઈ આવ એમ કહી સાસરિયાઓએ ત્રણ સંતાનો સાથે ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ પતિ (Husband) સહિત સાસરિયાઓ સામે પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના કાન ફળીયામાં રહેતી રીટાબેન પટેલ (ઉ.વર્ષ 32)ના પહેલા લગ્ન 2009ની સાલમાં બારડોલી ખાતે રહેતા વિપુલ હરીશભાઈ પટેલ સાથે થયા હતા. જેનાથી તેણીને સંતાનમાં 12 વર્ષની એક છોકરી છે. પાંચ વર્ષ બાદ 2015માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ 2017માં બીજા લગ્ન સુરતના ડીંડોલી ખાતે રહેતા પ્રીતેશ સુરેશ પટેલ સાથે થયા હતા. લગ્ન સમયે પહેલા પતિની દીકરીને પણ સાથે રાખવાનું નક્કી થયું હતું. બીજા પતિ પ્રીતેશ થકી હાલ રીટાને એક પાંચ વર્ષની પુત્રી અને 4 વર્ષનો પુત્ર છે.

લગ્નના પંદર દિવસમાં જ પહેલા લગ્ન બાદ થયેલા છૂટાછેડા બાબતે પતિ પ્રીતેશે રીટાને મારઝૂડ કરવા લાગ્યો હતો. અને પહેલા પતિની દીકરીને પિયર મૂકી આવવા દબાણ કરતા હતા. સાસુ, નણંદ અને નણંદોઈ પણ તું પિયરથી કાઈ લાવી નથી એમ કહી પચાસ લાખ રૂપિયા અને સોના ચાંદીના દાગીના લઈ આવવા મેણાટોણા મારતા હતા. 31/7/2022ના રોજ પ્રીતેશે રીટા અને તેના ત્રણેય સંતાનોની સાથે મારઝૂડ કઈ અડધી રાતે ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. તેણીએ રાત્રે જ ડીંડોલી પોલીસ મથકમાં અરજી આપી તેના પિયર વાળાને જાણ કરી હતી. અને તે ભાઈ અને માતાપિતા સાથે બારડોલી પોતાના પિયર આવી ગઈ હતી. આ અંગે રીટાએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે પતિ પ્રીતેશ સુરેશ પટેલ, સાસુ ભાનુ સુરેશ પટેલ, નણંદ મમતા શૈલેષ પટેલ અને નણંદોઈ શૈલેષ પટેલ ( બંને રહે સાઈ વિહાર રેસિડેન્સી, પલસાણા, જી. સુરત)ની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની ઓળખ આપી ગઠિયો નિવૃત્ત ક્લાર્ક પાસે સોનાની ચેન અને બે વીંટી કાઢવી ગયો
બારડોલી : બારડોલીમાં મંગળવારના રોજ ધોળે દહાડે બારડોલી કોલેજના નિવૃત્ત ક્લાર્કને રોકી મોટર સાઇકલ પર આવેલો એક શખ્સ પોલીસની ઓળખ આપી સોનાની ચેન અને બે સોનાની વીંટી કાઢવીને નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના અંગે બારડોલી ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ હમેશની માફક પોલીસ દ્વારા મોડી સાંજ સુધી ગુનો નોંધવામાં આવ્યો નથી.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની જનતા નગર સોસાયટીમાં રહેતા મગનભાઇ દાજીભાઈ ઢીમ્મર બારડોલી કોલેજમાંથી ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા હતા. બુધવારના રોજ તેઓ બારડોલી પોસ્ટ ઓફિસ ખાતે ગયા હતા. જ્યાં પોતાનું કામ પતાવીને બારડોલીના સ્ટેશન રોડ પરથી મોટર સાઇકલ પર પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. તે સમયે અભિરામ સર્કલ પાસે પહોંચતા એક બુલેટ પર સવાર એક શખ્સ મગનભાઇ પાસે આવીને ઊભો રહ્યો હતો અને પોતે પોલીસ હોવાનું જણાવી આઈકાર્ડ બતાવ્યો હતો.

આ પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સે અન્ય એક ઈસમની તલાશી પણ લીધી હતી. આથી મગનભાઇને વિશ્વાસ આવી ગયો હતો. મગનભાઇને ગઠિયાએ કહ્યું હતું કે. તમે જાણો છો આજે કયા પ્રકારની પરિસ્થિતી છે ચોરીની ઘટનાઓ બની રહી છે તમે પહેરેલું સોનું ઉતારી ગાડીની ડીકીમાં મૂકી દો એમ જણાવતા સોનાની બે વીંટી, સોનાની ચેન, એક મોબાઇલ એક રૂમાલમાં મૂકી ડીકીમાં મૂકી દીધું હતું. થોડીવાર પછી આધેડે ઘરે જઈને ડીકીમાંથી રૂમાલની પોટલી કાઢતા પોટલીમાંથી માત્ર મોબાઇલ ફોન જ મળી આવ્યો હતો. જ્યારે બે સોનાની વીંટી અને સોનાની ચેન મળી કુલ સવા તોલા સોનું લઈને ગઠિયો નાસી છૂટ્યો હતો. ઘટના અંગે મગનભાઇએ બારડોલી પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે હજી સુધી આ મામલે કોઈ ગુનો નોંધ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top