SURAT

બિપોરજોય સુરતના દરિયા કાંઠાના 500 કિલોમીટર દૂરથી પસાર થઈ ગયું

સુરત: (Surat) મંગળવારે બિપોરજોય સુરતના દરિયા કાંઠાના (Beach) 500 કિલોમીટર દૂરથી પસાર થઈ ગયું હતું. જેને કારણે સુવાલી બીચ પર 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયા કાંઠા વિસ્તારમાં 58 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે શહેરમાં મોડી સાંજે છૂટો છવાયો વરસાદ (Rain) પણ પડ્યો હતો. ઉપરાંત બુધવારે પણ છૂટો છવાયો વરસાદ પડવાની અને આગામી 15થી 16 જૂન સુધી જિલ્લામાં સર્વત્ર સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તે સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની પણ સંભાવના છે.

બિપરજોય એક ગંભીર વાવાઝોડામાં રૂપાંતરિત થઇને ગુરૂવાર સુધીમાં ગુજરાતમાં ત્રાટકશે એવું હવામાન વિભાગે જણાવ્યું હતું. મંગળવારના બિપરજોય વાવાઝોડું સુરત જિલ્લાના દરિયા કાંઠાના 500 કિલોમીટર દૂરથી પસાર થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે સુરત શહેર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ઉપરાંત વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું તથા 58 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવન ફૂંકાયો હતો. સુવાલી બીચ પર 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.

વાવાઝોડને જોતા સુરત જિલ્લા તંત્ર દ્વારા 42 ગામને એલર્ટ કરાયા છે. દરમિયાન મંગળવારના શહેરનું મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજ 68% નોંધાયું હતું. અહીં હવામાન વિભાગે આગાહી કરી છે કે બુધવારના છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ પછીના બે દિવસ એટલે કે 15 અને 16 જૂન સુધી જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની પણ સંભાવના છે. સુરતના પોર્ટ ઉપર ત્રણ નંબરનો વોર્નિંગ સિગ્નલ અપાયો છે. તંત્ર દ્વારા જરૂરિયાત મુજબના તમામ કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે.

શહેરમાં 28 ઝાડ ધરાશાયી, આઠ વાહનો દબાયા
સુરત: બિપોરજોય વાવાઝોડાનો કહેર છેલ્લા ત્રણ દિવસથી યથાવત રહેવા પામ્યો છે. વાવાઝોડાની અસરને કારણે તેજ હવા અને આંધી સતત ફૂંકાઈ રહી છે. તેને કારણે શહેરમાં ઠેર ઠેર ઝાડ ધરાશાયી થઇ ગયા હોવાના 28 જેટલા કોલ મંગળવારે ફાયર વિભાગના કંટ્રોલ રૂમને મળ્યા હતા. શહેરના અઠવા ઝોન તથા રાંદેર ઝોનમાં સર્વાધિક ઝાડ ઉખડીને જમીનદોસ્ત થઇ જવા પામ્યા હતા. ઝાડ પડવાને કારણે 8 જેટલા વાહનો પણ દબાઈ ગયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી.

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર મંગળવારે 28 જેટલા કોલ ફાયર કંટ્રોલ રૂમને મળ્યા હતા. જેમાં શહેરના રાંદેર ઝોનમાં 6, અઠવા ઝોનમાં 6, લિંબાયત ઝોનમાં 3,કતારગામ ઝોનમાં 2, વરાછા ઝોનમાં 3 અને ઉધના ઝોનમાં 4 કોલ સહીત કુલ 28 કોલ ફાયરને મળતા શહેર ફાયર સ્ટેશનોની ટીમ ઝાડ હટાવી લેવાની કામગીરીમાં દિનભર જોતરાયેલી હતી. જયારે અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડીને પાર્ક કરેલા વાહનો ઉપર પાડવાના 8 કોલ ફાયરને મળ્યા હતા જે પૈકી ઉધના ઝોન વિસ્તારમાં બીઆરસી ગેટની સામે પ્રભુનગર પાસે બપોરે 1:45 કલાકે ઝાડ ઉખડીને કાર નંબર (GJ 05-JK-2039) ઉપર પડતા કારને નુકસાન થયું હતું. તેવી જ રીતે શહેરના પાલ ગામ હળપતિ વાસમાં વીજપોલ ઉખડીને પાર્ક કરેલી એક કાર ઉપર પડતા કારને ભારે નુકશાન પહોંચ્યું હતું.

Most Popular

To Top