Business

ટોરેન્ટ ગ્રૂપના UNM ફાઉન્ડેશન દ્વારા સુરતમાં “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ”ની બીજી આવૃત્તિનો પ્રારંભ

સુરત (Surat): અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ (Torent) ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે. સંગીત અને નાટકના ધમાકેદાર પ્રદર્શન સાથે સુરતના આંગણે ફરી “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ” ની અભિવ્યક્તિની બીજી આવૃત્તિનો તા. 6 અને 7 એપ્રિલના રોજ શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે.

  • નૃત્ય, સંગીત અને નાટકના આકર્ષક પરફોર્મન્સ સાથે સુરતમાં “અભિવ્યક્તિ”નું પુનરાગમન

“એવરી સ્ટોરી મેટર્સ” ની થીમ સાથે અભિવ્યક્તિ-સુરતના બે દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં નવેમ્બર-ડિસેમ્બર 2023 દરમિયાન અભિવ્યક્તિની અમદાવાદ ખાતે યોજાયેલ પાંચમી આવૃત્તિ દરમિયાન ભજવાયેલાં અને વખણાયેલા પ્રદર્શનો રજુ કરવામાં આવશે.

ફેસ્ટિવલના પ્રથમ દિવસે એટલે કે 6 એપ્રિલના રોજ વૈશાલી ગોહિલની સંગીતમય રજુઆત “સપ્તપદી ની ફટાણાબાજી” રજુ કરવામાં આવશે. આ સાથે જ બીજી રજુઆતમાં શ્રદ્ધા, પંખી અને પરી બ્રહ્મભટ્ટની ત્રિપુટી દ્વારા “હસલી” નામનું નૃત્ય રજુ કરવામાં આવશે.

બીજા દિવસે, એટલે કે 7 એપ્રિલના રોજ સુમંત-આલાપની જોડી દ્વારા “અદ્વૈતમ” ટાઈટલ વાળું સંગીતમય પ્રદર્શન રજુ કરવામાં આવશે, ત્યારબાદ રવિ ઉઘરેજીયા દ્વારા “બાપુજી ની છેલ્લી ઈચ્છા” નાટ્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. તમામ પ્રદર્શન “SCET એમ્ફીથિયેટર, સાર્વજનિક યુનિવર્સિટી કેમ્પસ, સુરત” ખાતે યોજાશે અને તમામ લોકો માટે પ્રવેશ ખુલ્લો રહેશે.

પ્રત્યેક પરફોર્મન્સ જાણીતા આર્ટ ક્યૂરેટર્સ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યા છે, જેમાં સંગીત માટે ભાર્ગવ પુરોહિત, નાટક માટે ચિરાગ મોદી અને નૃત્ય માટે જૈમિલ જોષી અને સહાયક ક્યુરેટર તરીકે કથંકી રાવલ શેઠનો સમાવેશ થાય છે. કળા ક્ષેત્રના જાણીતા મેન્ટર્સ જેવાં કે દક્ષા શેઠ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્યા જોશી (નાટક) નું માર્ગદર્શન આ પ્રત્યેક પર્ફોર્મન્સીસ ને પ્રાપ્ત થયું છે.

‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ નો પ્રારંભ વર્ષ 2018 માં અમદાવાદથી થયો હતો. UNM ફાઉન્ડેશનની પહેલ એવા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી દેશભરમાંથી 330 થી વધુ કલાકારો પોતાની ભાગીદારી નોંધાવી ચુક્યા છે અને દર વર્ષે “અભિવ્યક્તિ” ના મંચે નામના અને દર્શકોની પ્રશંસા મેળવી છે.

UNM ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ઉપરાંત સુરત (ફેબ્રુઆરી 2023), વડોદરા (સપ્ટેમ્બર, 2023 અને ફેબ્રુઆરી, 2024) અને રાજકોટ (માર્ચ, 2024)માં બે દિવસીય કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું. અભિવ્યક્તિની તમામ આવૃત્તિમાં કુલ મળીને અત્યાર સુધી 2.8 લાખથી વધુ દર્શકો વિવિધ પ્રદર્શનોનો આનંદ માણી ચુક્યા છે.

અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને નાટકથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે.

સુરતના પ્રેક્ષકો બે દિવસ કાર્યક્રમો વિના મૂલ્યે માણી શકશે
ફેસ્ટિવલમાં પ્રેક્ષકોની એન્ટ્રી વહેલા તે પહેલાના ધોરણે તમામ લોકો માટે નિઃશુલ્ક રહેશે. ફેસ્ટિવલ SCET એમ્ફીથિયેટર, સાર્વજનિક યુનિવર્સિટી કેમ્પસ, સુરત ખાતે યોજાશે.

6 એપ્રિલ 2024 ના પ્રદર્શનનો કાર્યક્રમ

  • વૈશાલી ગોહિલ/ “સપ્તપદીની ફટાણાબાજી”/
  • સંગીત /સાંજે 07:15 કલાકે
  • શ્રદ્ધા, પંખી અને પરી /“હસલી” /નૃત્ય/
  • રાત્રે 09:00 કલાકે

7 એપ્રિલ 2024 ના પ્રદર્શનનો કાર્યક્રમ

  • સુમંત- આલાપ / “અદ્વૈતમ”/ સંગીત/સાંજે 07:15 કલાકે
  • રવિ ઉઘરેજીયા /“બાપુજીની છેલ્લી ઈચ્છા” નાટક રાત્રે 09:00 કલાકે

કલાકારોનો પરિચય અને તેમના પ્રદર્શન
વૈશાલી ગોહિલનું પ્રદર્શન “સપ્તપદી ની ફટાણાબાજી” (6 એપ્રિલ સાંજે 7.15 કલાકે): વૈશાલી ગોહિલે વર્ષ 2008થી લગ્ન ગીતની પોતાની સફર શરૂ કરી હતી. આધુનિકતા સાથે પરંપરાનું એકીકૃત મિશ્રણ એવા તેમના પ્રદર્શન ફટાણા (લગ્ન ગીતોનું ફોર્મેટ)નું ક્યુરેટેડ કલેક્શન રજુ કરશે.

શ્રદ્ધા, પંખી અને પરીનું પ્રદર્શન “હસલી” (6 એપ્રિલે રાત્રે 9.00 કલાકે) : શ્રદ્ધા બ્રહ્મભટ્ટ કથક નૃત્ય પર આધારીત પોતાના પ્રદર્શન “હસલી” દ્વારા જાતીય અત્યાચારથી પીડિતોના આંતરિક સંઘર્ષનું ચિત્રણ કરશે. શ્રદ્ધા અને તેમની બે પુત્રીઓ પંખી અને પરી કે જેઓ પણ કથક નૃત્યાંગનાઓ છે તેઓ પોતાની અસરકારક રજુઆત દ્વારા જાતીય સતામણીના કેસમાં મૌન તોડવાના મહત્વ પર ભાર મુકે છે.

સુમંત-આલાપનું પ્રદર્શન “અદ્વૈતમ”– (7 એપ્રિલ સાંજે 7.15 કલાકે): સંગીતકાર જોડી સુમંત-આલાપ પોતાના પ્રદર્શન “અદ્વૈતમ” શોમાં વિશ્વના વિવિધ સંગીત સ્વરૂપોનું મનમોહક ફ્યુઝન રજૂ કરશે. વર્લ્ડ મ્યુઝિક ફોર્મ્સનું આ મનમોહક ફ્યુઝન બિન-દ્વૈતતાના સિદ્ધાંતને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરશે.

રવિ ઉઘરેજિયાનું પ્રદર્શન “બાપુજી ની છેલ્લી ઈચ્છા” – (7 એપ્રિલે રાત્રે 9.00 કલાકે): એવોર્ડ વિજેતા નાટ્ય કલાકાર રવિ ઉઘરેજિયા પોતાની નાટ્ય રજુઆત “બાપુજી ની છેલ્લી ઈચ્છા” રજુ કરશે. આ નાટક કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)ના હૃદયમાંથી ઉપજેલી કથાને રજુ કરશે. આ નાટકમાં પોતાના જીવનના સંધ્યાકાળમાં એક વૃદ્ધ માણસની કરુણ વાર્તા અને તેની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેના પરિવારના ઉન્મત્ત પ્રયાસોનું વર્ણન કરવામાં આવ્યુ છે.

Most Popular

To Top