Madhya Gujarat

હાલોલ ખાતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા દુકાનોદારો પાસેથી જંગી જથ્થો ઝડપાયો

હાલોલ: સમગ્ર ભારતભરમાં પહેલી જુલાઈથી પોલ્યુશનને નાથવા માટે ઓછા માઈક્રોનની જાડાઇ ધરાવતી ૨૦થી વધુ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને પ્લાસ્ટિક ઝબલા જે 75 માઈક્રોનથી ઓછી જાડાઇ ધરાવતા હોય તેની ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને અનુલક્ષીને હાલોલ નગરના મુખ્ય શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત મંગળવારના રોજ હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પ્લાસ્ટિક ઝબલા સહિત પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું નગરના બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં હાલોલ નગરના નવીન શાક માર્કેટમાં આવેલ અનાજ કરીયાણાની દુકાનો સહિતની દુકાનો તેમજ શાકભાજી, ફળ ફ્રુટની લારીઓ, નાસ્તાની હોટલો, લારી-ગલ્લા, કેબીનો પર પ્લાસ્ટિકના ઝબલા સહિતની ચીજવસ્તુઓનું ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા ધંધાર્થીઓને ત્યાં થી પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો ઝડપી પાડી તમામ વેપારીઓ સામે હાલ પૂરતી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં જો હવે 75 માઇક્રોનથી ઓછા માઇક્રોનના પ્લાસ્ટિક ઝબલા કે અન્ય કોઈ પ્લાસ્ટિકની પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની તેમજ મોટો દંડ વસુલવાની ચીમકી આપવામાં આવી હતી જોકે હાલોલ નગર ખાતે મોટા ભાગના વેપારીઓ દ્વારા નગરપાલિકા દ્વારા નગર ખાતે રિક્ષા ફેરવી લાઉડ સ્પીકર મારફતે જાહેરાત કરાયા બાદ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા સહિતની ચીજવસ્તુઓ રાખવાનું બંધ કરવામાં આવેલ છે.

જેને લઇને નગર ખાતે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થતો જોવા મળ્યો હતો જોકે કેટલાક વેપારીઓએ આ બાબતે પોતાનો કચવાટ પણ રજૂ કર્યો હતો જેમાં મોટાભાગની બ્રાન્ડેડ કંપનીના નમકીન સહિતના તમામ ખાદ્ય પદાર્થના પેકેટોમાં 75 માઇક્રોનથી પણ ઓછા પ્લાસ્ટિક બેગનો વપરાશ કરવામાં આવેલ છે તેમજ વિવિધ પ્લાસ્ટિક પેકિંગ ધરાવતી ચીજ વસ્તુઓ પણ ઓછા માઈક્રોનની પ્લાસ્ટિક ધરાવતી હોવા છતાં એકમાત્ર પ્લાસ્ટિક ઝભલાઓનું ચેકિંગ જ કેટલા અંશે યોગ્ય છે તમામ પ્રકારના પ્લાસ્ટિક પેકિંગ ધરાવતા પ્રોડક્ટ માર્કેટમાં રોકટોક વિના વેચાઈ રહ્યા છે તેમ છતાં માત્ર ને માત્ર પ્લાસ્ટિક ઝબલાની ઉપર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં આ બેવડી નિતી સામે આશ્ચર્ય સર્જાયું હતું.

Most Popular

To Top