Entertainment

સુંદર કેટરિના હવે ભયાનક કોમેડી કરતી દેખાશે!

લાંબા સમયથી પડદા પરથી ગાયબ કેટરિનાની ‘ફોન ભૂત’ એક ભયાનક કોમેડી ફિલ્મ હોવાનો પ્રચાર શરૂ થઇ ગયો છે. પહેલી વખત કોઇ ફિલ્મનો અલગથી લોગો જારી કરવામાં આવ્યો છે. વધારે પ્રચાર માટે ફિલ્મની રજૂઆત લંબાવી દેવામાં આવી છે. 15 જુલાઇને બદલે 7મી ઓકટોબરે રજૂ થનારી હોરર – કોમેડી ‘ફોન ભૂત’માં ઇશાન ખટ્ટર અને સિધ્ધાંત ચતુર્વેદી જેવા નવા હીરો છે. એમનું કોઇ માર્કેટ ન હોવાથી પોસ્ટરમાં કેટરિનાનો ફોટો આગળ રાખવામાં આવ્યો છે. ફિલ્મમાં ઇશાન ‘ગુલ્લૂ’ની ભૂમિકામાં છે. એ નામમાં પણ રહસ્ય છે. જેકી શ્રોફ એક તાંત્રિકની ભૂમિકામાં છે. ફરહાન અખ્તર અને રીતેશ સિધવાનીની ‘ફોન ભૂત’નું નિર્દેશન ‘મિર્ઝાપુર’વાળા ગુરમિત સિંહનું હોવાથી અલગ બની હોય શકે.

કેટરિનાની વિકી સાથેના લગ્ન પછી રજૂ થનારી પહેલી ફિલ્મ હોવાથી દર્શકોમાં ભારે ઉત્સુક્તા છે. કેટરિના હીરો જોઇને ફિલ્મો સાઇન કરતી ન હોવાની વાત કહી રહી છે એ ‘ફોન ભૂત’થી સાચું લાગે છે. એ જોગાનુજોગ જ હતો કે તેને સલમાન, શાહરુખ, અક્ષયકુમાર વગેરે સ્ટાર્સ સાથે ફિલ્મો મળી છે. કેટરિના હવે પોતાની ફિલ્મોની પસંદગીમાં વૈવિધ્ય લાવી રહી છે. ફરહાન અખ્તરની નિર્દેશક તરીકે પુનરાગમનની મહિલાપ્રધાન ફિલ્મ ‘જી લે જરા’માં તે આલિયા અને પ્રિયંકા સાથે કામ કરી રહી છે. અલી અબ્બાસ ઝફરની ‘સુપર હીરો’માં મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે શ્રીરામ રાઘવનની ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ સાથે છે.

આગામી વર્ષે ઇદ પર રજૂ થનારી ‘ટાઇગર – 3’માં સલમાન ખાન સાથે જબરદસ્ત એકશન કરતી દેખાવાની છે. હવે પતિ વિકી કૌશલની પણ તેને ફિલ્મના પ્રચારમાં મદદ મળી રહી છે. છેલ્લે ‘સૂર્યવંશી’માં દેખાયેલી કેટરિના ઘણા સમયથી વિકીની પત્ની તરીકે ચર્ચામાં હતી. હવે તેની એક પછી એક ફિલ્મ પૂરી થઇ રહી છે અને રજૂઆતની તારીખો જાહેર થઇ રહી છે. ‘ફોન ભૂત કી દુનિયામાં આપકા સ્વાગત હૈ’ કહીને સોશિયલ મિડીયા પર ફિલ્મના કલાકારોએ દર્શકોને આમંત્રણ આપ્યું છે. હવે સુંદર કેટરિનાનું ભયાનક કોમેડીની ભૂમિકામાં કેવું સ્વાગત થશે એ જોવાનું રહેશે.

જૉન અને અર્જુન કરતાં મોહિત પર વધારે ભરોસો રાખવો પડશે?!
નિર્દેશક મોહિત સુરીની ‘એક વિલન રિટર્ન્સ’ની સ્ટારકાસ્ટ જાહેર થઇ ત્યારે એમની ટીકા થઇ હતી કેમ કે જૉન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટની કે તારા સુતરિયાની અભિનય ક્ષમતા ઓછી ગણાતી હતી. જૉન તો અભિનયમાં નિખાર લાવી રહ્યો છે પણ અર્જુન હજુ સુધી પ્રભાવિત કરી શક્યો નથી. દિશા અને તારા ગ્લેમર ગર્લ જ છે. હવે જ્યારે ટ્રેલર આવી ગયું છે ત્યારે એમ કહી શકાય કે એમના અભિનયથી નહીં પણ મોહિતના નિર્દેશનથી દર્શકો થિયેટર સુધી જઇ શકે છે. વર્ષ 2014ની સિધ્ધાર્થ, રિતેશ અને શ્રધ્ધા સાથેની ફિલ્મ ‘એક વિલન’ની સફળતાને વટાવવા જ મોહિતે એવું નામ રાખ્યું છે. ફિલ્મની વાર્તા અને કલાકારો બધું જ નવું છે.

ટ્રેલર પછી એવી આશા જાગી છે કે પહેલી ફિલ્મ જેટલી સફળતા મળી શકે છે. દર્શકો કલાકારો પાસે સારા અભિનયની આશા રાખતા નહીં હોય પણ એમાં જે રહસ્ય ઊભું કરવામાં આવ્યું છે એ રોમાંચક બની રહ્યું છે. શ્રધ્ધા કપૂરની જેમ દિશા અને તારા પાસે અભિનયની અપેક્ષા રાખી શકાય એમ નથી. ફિલ્મના પોસ્ટર પરથી જ ખ્યાલ આવી ગયો હતો કે બંનેને ગ્લેમરની પૂર્તિ કરવા માટે જ લેવામાં આવી છે. ‘એક વિલન’માં ખબર પડી ગઇ હતી કે રિતેશ વિલન છે. 29 જુલાઇએ આવનારી ‘એક વિલન રિટર્ન્સ’નું ટ્રેલર જોઇને એમાં કોણ હીરો અને કોણ વિલન હશે એ કહેવું મુશ્કેલ બન્યું છે.

આ વખતે કદાચ માત્ર વિલનની જ વાર્તા છે. છતાં કોણ વિલન છે એ વાત પરથી પડદો ઉઠાવ્યો નથી. અલબત્ત ફિલ્મના સાચા હીરો નિર્દેશક સાબિત થઇ શકે છે. ઘણા સમય પછી રહસ્ય અને રોમાંચથી ભરપૂર વાર્તાવાળી ફિલ્મ આવી છે. ફિલ્મમાં વિલન એવી છોકરીઓની હત્યા કરે છે, જેના એકતરફી પ્રેમી હોય છે. જે વિલન છે એણે પણ એકતરફી પ્રેમ કર્યો હોય શકે. તે તૂટેલા દિલવાળા આશિકોનો મસીહા બનવા માગે છે. ટ્રેલરમાં અગાઉની ફિલ્મનું હિટ ગીત ‘તેરી ગલિયાં’ સાંભળવા મળ્યું છે, પણ નવું ગીત ‘મૈંને તેરા નામ દિલ રખ દિયા’ એટલું જ મધુર છે. મોહિતની બીજી અનેક ફિલ્મો સફળ રહી નથી, પરંતુ ગીત – સંગીત જરૂર લોકપ્રિય રહ્યું હોવાથી ‘એક વિલન રિટર્ન્સ’માં સારા ગીતોની શક્યતા છે.

Most Popular

To Top