Dakshin Gujarat

ATSના સુરતના રાણીતળાવમાં દરોડા, નવસારી અને ભરૂચમાં પણ કાર્યવાહી

સુરત: રવિવારે મળસકે સુરતમાં (Surat) એટીએસ (ATS) , એનઆઇએ (NIA) અને એસઓજીના સંયુક્ત દરોડા (Raid) પાડવામાં આવ્યા હતાં જેમાં રાણીતળાવ વિસ્તારમાંથી જલીલ મુલ્લા નામના ઇસમની અટકાયત કરવામાં આવી છે અને તેને એસઓજીની ઓફિસમાં લાવવામાં આવ્યો છે. અહીં અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યાં છે. વર્ષ 2021માં આતંકવાદ સાથે સંકળાયેલા એક કેસમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને કર્ણાટકમાં પકડાયેલા આતંકવાદીઓ સાથે તેના સંપર્ક હોવાનું તપાસમાં ખુલ્યું છે. જો હજી સુધી પોલીસે આ અંગે સત્તાવાર કોઇ ખુલાસો કર્યો નથી. જલીલ મુલ્લાની શું ભૂમિકા છે તે પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું નથી. એટલે હાલમાં તો જલીલ મુલ્લા અંગે કંઇ પણ કહી શકાય તેમ નથી પરંતુ એટલું સ્પષ્ટ છે કે, એટીએસ અને એનઆઇએ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાથી મામલો ગંભીર છે કારણ કે, નાના કેસમાં આ પ્રકારની કેન્દ્રીય એજન્સી તપાસ કરતી નથી. આ યુવાનની ઉંમર 20 થી 25 વર્ષ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નવસારીમાં પણ એજન્સીએ કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે પણ કર્ણાટક અને તમિલનાડુ પોલીસે આઇએસઆઇએસ સાથે સંકળાયેલી ચાર વ્યક્તિઓને પકડી હતી. સંભવ છે કે, આ લોકોની પૂછપરછમાં સુરત કનેકશન ખુલ્યું હોય શકે અને તાપસનો રેલો સુરત સુધી પહોંચ્યો હોય શકે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ યુવાનનું કર્ણાટકના ભટકલ ગામ સાથે કનેક્શન બહાર આવ્યુ છે અને અહીંના બે ભાઇઓ રિયાઝ ભટકલ અને યાસિન ભટકલની ભૂમિકા દેશના કેટલાક શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરાવવામાં બહાર આવી ચૂકી છે એટલું જ નહીં આ બંને દ્વારા ગાઢ જંગલોમાં ટ્રેનિંગ કેમ્પ પણ કરવામાં આવ્યા હોવાનું અગાઉ પોલીસ તપાસમાં બહાર આવી ચૂક્યું છે. આ બંને મુંબઇના ગેંગસ્ટર હતા અને નાની મોટી ખંડણીઓ ઉઘરાવતા હતાં પરંતુ ત્યારબાદ કેટલાક સિરિયલ બ્લાસ્ટમાં તેમનું નામ ખુલતા તેઓ પાછળથી આતંકવાદી ગતિવિધિ સાથે જોડાઇ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ બંને બંધુઓનો સીમી સાથે પણ સંબંધ રહ્યો છે અને સુરત અને સીમીનું કનેકશન ખૂબ જ જૂનું છે. આશરે વીસ વર્ષ પહેલા સુરતના રાજેશ્રી હોલમાં સીમીનું સંમેલન યોજાયું હતું. જેમાં પોલીસે દરોડો પાડીને સંખ્યાબંધ લોકોને ઝડપી પાડ્યા હતાં. જો કે, ત્યાર બાદ કોર્ટમાં તેમનો નિર્દોષ છૂટકારો થયો હતો. જો કે આજની જે ઘટના છે તેને દક્ષિણ ભારતના કર્ણાટક સાથે જોડવામાં આવી રહી છે. તાજેતરમાં જ જે અહેવાલો મળી રહ્યાં છે તે મુજબ દક્ષિણ ભારતના છ રાજ્યોમાં વૈશ્વિક આતંકવાદી સંસ્થા આઇએસઆઇએસ તેનો પગ પેસારો કરવામાં સફળ રહી છે. આ બાબતને તમામ કેન્દ્રીય એજન્સી ગંભીરતાથી જોઇ રહી છે. કારણ કે આ બાબત દેશ માટે ભવિષ્યમાં મોટો ખતરો ઉભો કરી શકે તેમ છે. જેના કારણે આ મોડ્યુલ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા તમામની એટીએસ અને એનઆઇએ પૂછપરછ કરી રહી છે અને તેના અનુસંધાનમાં જ સુરતમાં પણ તપાસ થઇ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top