Charchapatra

સેલ્ફ રિલાઈઝેશન સિવાય હંધાયમાં લિકેજની ભરમાર

થોડા દિ’ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (ઉ.ગુ.) દ્વારા લેવાનાર, કોલેજ કક્ષાની પરીક્ષા સંદર્ભે કોક વિષયનું પ્રશ્નપત્ર નિયત સમય પહેલાં લિક થયાનું બહાર આવ્યું. હાલમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલ બી.એ. સેમેસ્ટર-3 ના પ્રશ્નપત્ર લીક થયાનું ભોપાળું સામે આવ્યું. જો કે તે સંદર્ભે, તંત્રે કડક થઈ ત્રણેક એકઝામ સુપ્રિન્ટેન્ડેન્ટની બરતરફી કરી છે. અમેય ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષોપર્યંત વહીવટી સેવા આપી છે. સમગ્ર સુરત જિલ્લામાં બે ઘટક – સંઘો દ્વારા પ્રશ્નપત્રો -પરીક્ષાનું આયોજન થતું હતું.

પરીક્ષાના નિયત દિવસો પહેલાં શાળાઓને પ્રશ્નપત્રોનાં બંડલ વિતરણ કરી દેવાતાં અને પરીક્ષા પણ સુખરૂપ લેવાતી. અધ્યાત્મય પથમાં સર્વ સંપ્રદાયોમાં સંત-શિષ્યને પંચશીલ સિદ્ધાંતોને અનુસરી માત્ર ને માત્ર સતના રસ્તે ચાલવાના નિયમોનું સોગંદનામું લેવડાવાય છે. જેમાં પરિપકવતા આવ્યેથી સેલ્ફ રિલાઈઝેશન – સ્વાનુભૂતિની અવિસ્મરણીય ઘટના ઘટે છે. આ ક્ષણાર્ધ પૂરતી શબ્દોમાં વર્ણાવી શકાતી નથી જે લેકેજપ્રૂફ છે અને રહેશે.
કાકડવા (ઊમરપાડા) કનોજભાઈ વસાવા ગોહિલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

છ વર્ષ પૂરાં કરનાર બાળકને જ ધોરણ પહેલામાં પ્રવેશ
ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે જૂન 2023થી જે બાળકોએ જૂન મહિનામાં છ વર્ષ પૂરાં કર્યાં હશે એમને જ ધોરણ એકમાં પ્રવેશ મળશે. આ જાહેરાત ખૂબ જ આવકારદાયક છે. આ નિર્ણયથી બાળક એના જન્મથી ત્રણ વર્ષ સુધી એ એના ઘરના આંગણામાં રમી શકશે. પછી સગવડવાળા અને શહેરીજનો, એમનાં બાળકોને 4 વર્ષે જુનિયર કે.જી. અને પાંચમા વર્ષે સીનિયર કે.જી.માં રમવા અને થોડુંક ભણવા મૂકશે. જયારે ગામડાંઓનાં બાળકો બે વર્ષ આંગણવાડીમાં રમશે અને થોડુંક હળવું ભણશે પણ ખરાં, ત્યાર બાદ બાળકો છ વર્ષનાં થતાં પ્રાથમિક શાળાના પ્રથમ વર્ષમાં એટલે કે પહેલી ચોપડી ભણવા માટે શાળામાં પ્રવેશ મેળવશે.

એટલે કે બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી એના કુમળા માનસ ઉપર ભણતરનો ખોટો બોજ પડશે નહીં. બાળક જો નાપાસ ના થાય તો એ એની ઉંમરના સોળમે વર્ષે એસ.એસ.સી. પાસ કરી દેશે. અઢારમે વર્ષે એ વિદ્યાર્થી (હવે એ બાળક રહ્યું નથી) એચ.એસ.સી. પસાર કરી દેશે અને જો આગળ ભણે તો એ વિદ્યાર્થી એકવીસમે વર્ષે સ્નાતક બની જશે. ઇજનેરી કે મેડિકલમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ બાર સાયન્સમાં ઉમદા ગુણ મેળવીને જે તે પ્રવાહમાં દાખલ થઇ શકશે. બાળકોના હિતમાં આમ ભણવું એ સારી બાબત બની રહેશે.

બાળક 1લી જૂને 6 વર્ષ પૂરાં કરે એમાં થોડીક છૂટ એ આપવી જરૂરી લેખાશે કે બાળક એકત્રીસ ઓગસ્ટ સુધીમાં પણ તે 6 વર્ષ પૂરાં કરે તો એને જૂન મહિનાની ઉઘડતી શાળાએ ધો. પહેલામાં પ્રવેશ આપવો જોઇએ. સરકારનો બીજો આવકારદાયક નિર્ણય એ પણ છે કે રાજયની તમામ શાળાઓમાં ધોરણ 1 થી ધો. આઠ સુધી ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવાનો રહેશે. ખાસ કરીને અંગ્રેજી માધ્યમવાળી સ્કૂલોએ હવેથી પોતાની શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાની થશે. આમ શિક્ષણ ક્ષેત્રે આ બંને નિર્ણયો આવકારદાયક ગણી શકાય એમ છે.
સુરત     – બાબુભાઇ નાઇ ગોહિલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top