Madhya Gujarat

આણંદ પાલિકા નેગોશીએશનના નામે કોન્ટ્રાક્ટરને લ્હાણી કરે છે !

આણંદ : આણંદ નગરપાલિકાની બુધવારના રોજ મળેલી સામાન્ય સભા માત્ર બે મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી અને તેમાં 90 જેટલા વિકાસ કામો મંજુર કરવામાં આવ્યાં હતાં. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે, પાલિકા નેગોશીએશનના નામે કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી વિકાસ કામના ભાવ ઘટાડવાના બદલે તેને દસ ટકા જેવી રકમ વધારી આપે છે. જેના કારણે ભ્રષ્ટાચારની નવી રીત અપનાવી હોવાની ચર્ચા ઉઠી છે.

આણંદમાં વિધાનસભાની ચૂંટણી બાદ આચાર સંહિતા પુરી થતાં આણંદ નગરપાલિકાની સામાન્ય સભા બુધવારના રોજ સભાખંડમાં યોજાઇ હતી. જેમં અધ્યક્ષ સ્થાને પ્રમુખ રૂપલબહેન પટેલ (દાલ) હાજર રહ્યાં હતાં. આ સભામાં રોડ, ગટર, પાલિકાના સાધનો સહિત 90 જેટલા કામો બહુમતિથી પસાર કરવામાં આવ્યાં હતાં. આ સભાની શરૂઆતમાં વિપક્ષ સભ્ય સલીમ દિવાને ગટર કામના બાકી રહી ગયેલા વિસ્તારનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં પ્રમુખે આગામી અમૃતમ-2 યોજનામાં બાકી રહી ગયેલા તમામ વિસ્તારમાં ગટર કનેકશન આપવાની ખાતરી આપી હતી. બાદમાં બીજો પ્રશ્ન ઉઠે તે પહેલા મંજુર… મંજુર… કહી સભા બે મિનીટમાં આટોપી લેવામાં આવી હતી.

આણંદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારની નવી નીતિ અપનાવી હોવાની ચર્ચા ચગડોળે ચડી છે. આ અંગે વિપક્ષે મમરો પણ મુક્યો હતો. પરંતુ તેનો જવાબ મળ્યો હતો. પાલિકાના શાસકો જે રકમથી કામ મંજુર થાય છે, તેના કોન્ટ્રાક્ટર સાથે નોગોશીએશન બેઠક યોજે છે. જોકે, તેમાં રકમ ઘટવાને બદલે 10 ટકા જેટલી રકમ વધારી આપવામાં આવે છે. આણંદ પાલિકાની બુધવારની સામાન્ય સભામાં રજુ કરેલા 90 કામમાં અનેક કામમાં કોન્ટ્રાક્ટરને પાછલા બારણે રકમ વધારી આપવામાં આવી છે. આ રકમ કરોડોમાં જાય છે.

Most Popular

To Top