SURAT

આગ ઝરતી ગરમી વચ્ચે સુરતનાં તબીબોએ PPE કીટ પહેરી આ મામલે નોંધાવ્યો વિરોધ

સુરત : સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો તેમજ અધિકારીઓની સતત ત્રણ દિવસથી વિવિધ માંગોને લઇ તબીબો હડતાળ ચાલી રહી છે. આ રાજ્યવ્યાપી હડતાળનાં પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉથી નક્કી કરાયેલી સર્જરીઓ પણ ટાળવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરતમાં અમરનાથ યાત્રા માટેની મેડીકલ તપાસ અને ફિટનેસ પ્રમાણપત્ર સહિતની કામગીરી સ્થગિત થઇ ગઈ છે.

  • પડતર માંગોને લઈ તબીબો ત્રણ દિવસથી નોંધાવી રહ્યા છે વિરોધ
  • 36 ડીગ્રી તાપમાનમાં પણ સુરત ડોકટરોએ વિરોધ નોંધાવવા PPE કીટ પહેરી
  • સરકારને સદબુદ્ધિ આપવા કર્યું કથાનું આયોજન

હડતાળનાં ત્રીજા દિવસે બુધવારે મેડિકલ કોલેજ ખાતે તબીબોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પોતાની માંગ સરકાર સુધી પહોચાડવા તેમજ સરકારને સદબુદ્ધિ આપવા માટે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના નવા બિલ્ડીંગના પાર્કિંગ ખાતે તબીબી શિક્ષકો દ્વારા કથા યોજાઈ હતી. આ કથામાં હડતાળ પર ઉતરેલા તબીબો PPE કીટ પહેરીને જોડાયા હતા. તેમજ હાથમાં ‘કોરોના વોરીયર્સની સ્વીકારો માંગ એ જ એનું સાચું સન્માન’ જેવા બેનરો જોવા મળ્યા હતા. કથામાં તમામ તબીબોએ અંગદાન કરવાના શપથ લીધા હતા. જ્યાં સુધી માંગણી પુરી ન થાય હડતાળ યથાવત રાખવાની તબીબોએ ચીમકી ઉચ્ચારી છે.

એનાટોમી વિભાગની પ્રથમ વર્ષની પરીક્ષા સ્મીમેરમાં શિફ્ટ કરાઈ
તબીબોની હડતાળનાં પગલે એનાટોમી વિભાગની પ્રથમ વર્ષની પરીક્ષા સ્મીમેરમાં શિફ્ટ કરવામાં આવી હતી . આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાંથી પરીક્ષા લેવા માટે તબીબી શિક્ષકો અલગ અલગ જગ્યાએ જવાના હતા તે પણ તેમણે મુલતવી રાખ્યું હતું. ગતરોજ પડતર માગણીઓ સામે તબીબી શિક્ષકો અને અધિકારીઓએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. તબીબી શિક્ષકોએ ફોરેન્સિક વિભાગ પાસેથી રેલી કાઢી હતી. આ રેલી સિવિલ કેમ્પસમાં જુના ટ્રોમાં સેન્ટર તેમજ મેઈનગેટ થઈ ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ પહોંચી હતી.

તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરવામાં આવે
ડોક્ટરોની અલગ અલગ માંગણીઓ જેવી કે રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે. 16 મેના સરકારના ઠરાવ પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ,પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલો પરંતુ આ માંગણીઓનો ઠરાવ 22 નવેમ્બરે રદ કરવામાં આવ્યો છે તેને ફરી અમલમાં લાવવામાં આવે. એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે. છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી, તે બઢતી તાત્કાલિક આપવામાં આવે.રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે. તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે. થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. આ તમામ માંગોને લઈ તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

Most Popular

To Top