SURAT

જવાહરલાલ નહેરૂના હસ્તે શરૂ કરાયેલું સુરતના સોનીફળિયાનું આ ભવન તોડી પડાયું

સુરત: (Surat) સોનીફળીયા સ્થિત કોંગ્રેસ (Congress) ભવન આજે જમીનદોસ્ત થઇ ગયું છે. કોંગ્રેસ ભવનનો 50 થી 60 વર્ષ પહેલાનો ઇતિહાસ જોવા જઇએ તો 1977માં ભારતના ચોથા વડાપ્રધાન બનેલા મોરારજી દેસાઇએ (Morarji Desai) સૌથી વધુ સોનીફળીયા કોંગ્રેસ ભવનમાં મિટીંગો કરી હતી. આ ઉપરાંત માજી મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇ (Hitendra Desai) સહિત આઝાદીની ચળવળ (Freedom Movement) અંતર્ગત કોંગ્રેસ ભવનમાં બેઠકો યોજતા હતા. સને 1955માં પંડીત જવાહરલાલ નહેરૂના (Jawaharlal Nehru) હસ્તે કોંગ્રેસ ભવનનું ઉદઘાટન થયું હતું. આ ઐતિહાસિક ઇમારતની આજે કોઇ જાળવણી કરવા વાળું નથી. થોડા સમય પહેલા જ કોંગ્રેસ ભવનની એક દિવાલ તૂટી પડતા બાકીના જર્જરીત ભાગને પણ ઉતારી લેવાયો હતો.

  • આ ભવન પહેલા માળવીની વાડી તરીકે ઓળખાતું હતું ત્યારે 1929માં ગાંધીજી પણ આવ્યા હતાં
  • વડાપ્રધાન મોરારજી દેસાઇની પણ સતત અવર જવર રહેતી હતી

કોંગ્રેસ અગ્રણી કદીર પીરઝાદાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોરારજી દેસાઇ કોંગ્રેસ ભવનમાં વર્ષો પહેલા મિટીંગો કરતા હતા. માજી મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇ, પોપટલાલ વ્યાસ, જશવંત સિંહ, ધારાસભ્ય દાનસી ચૌહાણ, જ્યોત્સનાબેન શુકલા, માજી મેયર ગોવરધન દાસ ચોખાવાળા, રાજ્ય સભાના સાંસદ કેપ્ટન ગોલંદાસ પ્રમોદભાઇ દેસાઇ તેમજ શંભુભાઇ પટેલ સહિતના કેટલાય દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ અને અગ્રણીઓ કોંગ્રેસ ભવનમાં આવતા હતા.

સરદાર ભવન બચાવ સમિતિના ઇકબાલભાઇ શેખે જણાવ્યું હતું કે, 1955માં માળવીની વાડી તરીકે ઓળખાતી સરદાર ભવનની જગ્યામાં પંડીત જવાહરલાલ નહેરૂના હસ્તે કોંગ્રેસ ભવનનું ઉદઘાટન કરાયું હતું. આ પહેલા 1929માં ગાંધીજી (Gandhiji) પણ આ જગ્યા ઉપર આવ્યા હતા. સમય જતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હસ્તકનું આ ભવન સરદાર ભવન ટ્રસ્ટને આપી દેવાયું હતું. જોકે 25 વર્ષથી સરદાર ભવન ટ્રસ્ટે એક રૂપિયાનો પણ ભવનની જાળવણી પાછળ ખર્ચ કર્યો નથી. સરદાર ભવન ટ્રસ્ટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હસ્તકનું કોંગ્રેસ ભવન સોંપી દેવાયું હતું. અઠવાડીયા પહેલા જ સરદાર ભવન જમીન દોસ્ત થઇ ગયું છે. ટ્રસ્ટીઓ સરદાર ભવનને વેચી નાંખવા માંગે છે. આ બાબતે કોર્ટમાં ઘા નાંખવાની તૈયારી પણ સરદાર ભવન બચાવો સમિતિ કરી રહ્યું છે.

Most Popular

To Top