Gujarat Main

બાળકોને વેચવાનું કૌભાંડ ઝડપાયું: અમદાવાદમાં 4 માસની બાળકીનુ અપહરણ કરી 2 લાખમાં વેચી

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા 4 માસની બાળકી ગુમ થઈ હતી. આ બાળકી સુરતમાંથી મળી આવી છે. આ બાળકીનું અપહરણ કરી તેને 2 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. આ ઘટનામાં બાળ તસ્કરી કરતા 9 આરોપીઓની આખી ગૈંગ (Gang) પકડાઇ છે. પોલીસે આ ગેંગને માત્ર 21 દિવસોમાં જ પકડી છે. તેઓની પૂછપરછ બાદ જાણવા મળ્યુ હતુ કે આ બધામાં આંતરરાજ્ય બાળ તસ્કરી (Child Trafficking) કરતી ગેંગ પણ સામેલ છે.

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી 17 ફેબ્રુઆરીની રાત્રિએ ફુવારા સર્કલ પાસે એક શ્રમિક દંપતિની બાળકીનું અપહરણ થયું હતું. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યુ છે કે આ અપહરણનો મામલો બાળ તસ્કરીનો છે. પછી આ કેસમાં પોલીસે પ્રાથમિક તબક્કા મુજબ અપહરણની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આરોપીઓ સરોગસીના નામે બાળક તસ્કરી કરતા હતા અને ત્યાર બાદ બાળકોના સોદા કરતા હતા. મહત્વની વાત એ છે કે પોલીસે આ ગેંગને ગણતરીના દિવસોમાં જ પકડી છે. આ ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરી અને બાળકોને હૈદરાબાદ વેચવાનું નિર્દયી કાર્ય કરતી હતી.

આ ગુનાની હકીકત તો એ છે કે 17 ફેબ્રુઆરીની રાત્રે મહેસાણાના લાખવડના રહેવાસી ચિરાગ સાધુ, કિંજલ પરમાર અને પ્રેમી વિજય પરમાર અને અમદાવાદના સરદારનગરમાં રહેતા સોમેશ પૂજારી સાથે મળી રખિયાલ, બાપુનગર, સરદાર નગર અને ગોમતીપુર જેવા વિસ્તારોમાં રેકી કર્યા બાદ બાળકીનું અપહરણ કરી ત્યાથી ફરાર થઇ ગયા હતા. બાળકીના માતા-પિતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે તરત તપાસ શરૂ કરી હતી. તપાસમાં એક રીક્ષા પાછળ લાગેલા જાહેરાતના એક સ્ટીકર પરથી ગુનાનો આખો ભેદ ઉકેલવામાં ઘણી સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓ પૈકી રમ્યા ગુરરમ, ઊર્મિલા પરમાર, વર્ષા ખસિયા, કિંજલ સાધુ, અશ્વિન ખસિયા, વિજય પરમાર અને અંજુમ એસ્લાવય છે. આ આરોપીઓ મહેસાણા, અમદાવાદ, વડોદરા અને હૈદરાબાદ શહેરના જુદા જુદા વિસ્તારના રહેવાસીઓ છે. આ ટોળકી ભેગા મળી જે દંપતીને બાળક જોઈતું હોય તેને વેચતી હતી. તેઓએ સુરતના દંપતિ અશોક ચેટીમલ્લા અને પત્નીને 2 લાખમાં બાળકી વેચી હતી. સુરતના આ દંપતી પાસેથી બાળક પરત મેળવી તેના માતા-પિતાને પોલીસે સોંપ્યું હતું.

હાલમાં પોલીસ દ્વારા પકડાયેલ આરોપીઓ પૈકી રમ્યાના મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક બાળકોના ફોટો મળ્યા છે. તેમજ પોલીસને અનુમાન છે કે અન્ય બાળકોની પણ તસ્કરી થઈ છે. આરોપીઓમાંની એક ઉર્મિલા પરમારે આ પહેલા પણ પોતાના જ પરિવારના એક બાળકને વેચ્યુ હોવાની વાત પણ સામે આવી છે. પોલીસે આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top