National

અગ્નિવીર ભરતી પ્રક્રિયા બદલાઈ ગઈ, હવે ઉમેદવારોએ પહેલા આપવી પડશે આ પરીક્ષા

નવી દિલ્હી: (New Delhi) અગ્નિવીર (Agniveer) ભરતી માટે ઉમેદવારોએ (Candidate) હવે 2023 થી આ નવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ માટે પહેલી ઓનલાઈન CEE પરીક્ષા એપ્રિલ 2023માં દેશભરમાં લગભગ 200 સ્થળોએ યોજાવાની છે જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નોંધણી માટેની ઓનલાઈન અરજીઓ (Online Application) ફેબ્રુઆરી 2023 ના મધ્યથી એક મહિનાના સમયગાળા માટે ખુલ્લી રહેશે. ભારતીય સેનાએ (Indian Army) જાહેર કરેલી પ્રક્રિયા મુજબ જુની પ્રક્રિયાથી આ નવી પ્રક્રિયા બિલકુલ ઉલટ છે.

ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. હવે નવી પ્રક્રિયા મુજબ આ ભરતીમાં બેસવા માંગતા ઉમેદવારોએ હવે ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન (CEE) માટે હાજર રહેવું પડશે. પ્રવેશ પરીક્ષા પછી ઉમેદવારે શારીરિક તંદુરસ્તી કસોટીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, ત્યારબાદ તબીબી પરીક્ષણ કરવામાં આવશે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પરીક્ષાની તૈયારી માટે ઉમેદવારોએ સમયાંતરે મોક ટેસ્ટ આપતા રહેવું જોઈએ. મોક ટેસ્ટ માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ટેસ્ટ આપી શકે છે.

ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી માટે તેની આ મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે અગાઉ અગ્નિવીર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ હતી. ઉમેદવારોએ સૌપ્રથમ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી તમામ ઉમેદવારોમાંથી છેલ્લે CEE માટે ક્વોલિફાય થવાનું હતું.

આ રીતે નોંધણી કરાવવાની રહેશે
માહિતીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમને આ ભરતી અંગે કોઈ પણ રીતે શંકા હોય તેઓ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ www.joinindianarmy.nic.in પર અપલોડ કરાયેલા વીડિયો ‘હાઉ ટુ રજિસ્ટર’ અને ‘હાઉ ટુ અપિયર ઇન ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામ’ જોઈ શકે છે.

ભરતી રેલી પહેલા ટેસ્ટ આપવો પડશે
મળતી માહિતી મુજબ ભરતી રેલી પહેલા ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) થશે. ભરતી રેલીઓમાં ઉમેદવારોની સંખ્યા નાના શહેરોમાં 5,000 થી લઈને મોટા શહેરોમાં 1.5 લાખ સુધીની થઈ જાય છે. જેને ઘટાડવા માટે સેનાની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ વહીવટીતંત્રને વધુ ઉમેદવારો માટે ભારે ખર્ચ અને લોજિસ્ટિક્સની વ્યવસ્થા પણ કરવી પડી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ફેરફારો કરવામાં આવ્યા છે.

Most Popular

To Top