SURAT

અમેરિકાના વેપારીઓ હવે લેબગ્રોન ડાયમંડ ખરીદવા સુરત આવશે

સુરત: અત્યાર સુધી એવું જોવા મળતું રહ્યું છે કે સુરતના હીરા ઉત્પાદકોએ કુદરતી હોય કે કૃત્રિમ હીરા તે વેચવા માટે વિદેશ જવું પડતું હતું, પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. પાછલા ચાર વર્ષમાં સુરતના હીરાવાળાઓએ કૃત્રિમ હીરાના ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે. આજે સુરતમાં 30થી વધુ નાના-મોટા હીરા ઉત્પાદકો લેબગ્રોન ડાયમંડ એટલે કે લેબોરેટરીમાં હીરાનું ઉત્પાદન કરી રહ્યાં છે. એટલું જ નહીં અહીં જ લેબગ્રોન ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડ પણ થાય છે અને જ્વેલરી પણ બને છે. એટલે સરકારના વેલ્યુ એડીશન અને મેક ઈન્ડિયા બંને કન્સેપ્ટને સાર્થક કરે છે. એટલે જ બજેટમાં સરકારે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે બંને હાથે પ્રોત્સાહક જાહેરાતો કરી છે. સરકારના પ્રોત્સાહન બાદ હવે સુરતની લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી એક કદમ આગળ વધારી રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેજા હેઠળ દેશમાં પ્રથમવાર સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટનું આગામી એપ્રિલ મહિનામાં આયોજન થઈ રહ્યું છે, જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાંથી ગોરા વેપારીઓ લેબગ્રોન ડાયમંડ ખરીદવા આવશે.

સુરત એ લેબગ્રોન ડાયમંડનું (Lab Grown Diamond) ગ્રોઈંગ હબ થવા જઇ રહ્યું છે, ત્યારે GJEPC દ્વારા ખાસ લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને અનુલક્ષીને આગામી એપ્રિલ મહિનામાં સુરત ખાતે “બાયર સેલર મીટ” નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના ટોપ 30 લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક, લૂઝ LGD કટ & પોલીશ્ડ સપ્લાયર્સ તેમજ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મન્યુફેક્ચરર્સ ભાગ લેશે.

  • જીજેઈપીસી દ્વારા લેબગ્રોન ડાયમંડ માટે 5થી 7 એપ્રિલ દરમિયાન બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરાયું
  • સુરતના ટોપ 30 લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકો, લૂઝ, કટ એન્ડ પોલિશ્ડ સપ્લાયર્સ તથા જ્વેલરી ઉત્પાદકો ભાગ લેશે

એપ્રિલના પહેલાં સપ્તાહમાં મળનારી આ બાયર સેલર મીટમાં ભારત ના 15 થી વધુ ખરીદાર આવશે તે ઉપરાંત ભારત બહાર ના દેશો જેમકે USA, UK, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાંથી પણ 8-10 ઇન્ટરનેશનલ બાયર્સ આવશે. આ બાયર સેલર મીટમાં દરેક ભાગ લેનાર પ્રદર્શનકારીઓની દરેક ખરીદદાર સાથે વન-ટુ- વન પર્સનલ મીટિંગ કરાવવામાં આવશે  અને ત્યાર બાદ છેલ્લાં દિવસે પોતાની ફેક્ટરિ વિઝિટ પણ કરાવવામાં આવશે.

સુરતના ઇતિહાસમાં આવી આ પ્રથમ “બાયર સેલર મીટ” છે જેમાં ઇન્ટરનેશનલ બાયર્સ પણ LGD ની ખરીદી માટે આવશે. આ બાયર સેલર મીટના લીધે આંતરરાષ્ટ્રીય ફલક પર LGD ક્ષેત્રે સુરતનું નામ મોખરે કરવામાં મહત્વનો ભાગ ભજવશે. સુરતના LGD વેપારીઓને વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવશે.

જીજેઈપીસીના રિજનલ ચેરમેન વિજય માંગુકીયાએ કહ્યું કે, આ બાયર્સ સેલર્સ મીટ છે. તેમાં માત્ર 30 લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોને જ સ્થાન આપવામાં આવશે. 30 ઉત્પાદકોની પસંદગી ડ્રો સિસ્ટમથી કરવામાં આવશે. ઓછી સંખ્યામાં ઉત્પાદકોને મીટમાં સ્થાન આપવા પાછળનો હેતુ જણાવતા માંગુકીયાએ કહ્યું કે, આ કોઈ પ્રદર્શની નથી. આ બીટુબી મીટ છે. ઉત્પાદકોને ચોખ્ખો વેપાર મળે તે હેતુથી બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરાયું છે. તેથી તેમાં ખરીદવા ન માંગતા હોય તેવા લોકોને સ્થાન આપવામાં આવ્યું નથી.

જીજેઈપીસીના ભૂતપૂર્વ રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું કે, અમેરિકા, હોંગકોંગ, યુકેમાંથી ખરીદદારો આવશે. ખરીદદારોની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે. જીજેઈપીસીના આઈઆઈજેએસ એક્ઝિબિશનના ડેટાના આધારે 500માંથી 15 બાયર્સને પસંદ કરવામાં આવશે, જેથી બધાને વેપાર મળે.

લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક સ્મીત પટેલે જણાવ્યું કે, આ ઈન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહી છે. સુરતમાં ખૂબ મોટી માત્રામાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થાય છે. સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય સ્તરના બાયર્સ મળે તે માટે આ બાયર્સ સેલર્સ મીટ ખૂબ જ ઉપયોગી નિવડશે.

લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ કહ્યું કે, બાયર્સ સેલર્સ મીટ લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન પુરું પાડશે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ જ્યંતિ સાવલીયાએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી સુરત માટે આશીર્વાદરૂપ સમાન છે. તેનું કારણ એ છે કે રફના ઉત્પાદનથી માંડી જ્વેલરી સુધી બધું જ સુરતમાં બને છે. લેબગ્રોન ડાયમંડની ખાસિયત એ છે કે તેમાં અવનવા પ્રકારની ડિઝાઈનર જ્વેલરી બનાવી શકાય છે.

લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 4 વર્ષમાં 400 ટકાનો વધારો થયો
આંકડાકીય દ્રષ્ટિ એ સમજીએતો 2019-20માં ભારત થી LGD નું કુલ એકસપોર્ટ 430 મિલિયન USD હતો જે 2021-22માં વધીને 1395 મિલિયન USD રહ્યો છે. વર્ષ 2022-23માં એપ્રિલ 2022થી ડિસેમ્બર 2022 સુધી જ 1385 મિલિયન USD નું લેબગ્રોન ડાયમંડમાં એક્સપોર્ટ્સ થઇ ગયું છે. લેબ ગ્રોન ડાયમંડમાં પાછલા ચાર વર્ષના એક્સ્પોર્ટ્સમાં 400 % નો ધરખમ વધારો થયો છે. ભારતથી સૌથી વધુ એકસપોર્ટ્સ USA, હોંગ કોંગ અને UAE માં થાય છે. ભારતથી લેબગ્રોન ડાયમંડ ઈમ્પોર્ટ કરવામાં, USA, 855 મિલિયન USD સાથે પ્રથમ ક્રમે આવે છે. ત્યાર પછી હોંગ કોંગ 195 મિલિયન સાથે અને UAE 190 મિલિયન USD સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવે છે. એક જાણીતા સર્વે મુજબ લેબ ગ્રોન ડાયમંડ નું વૈશ્વિક માર્કેટ USD 20 બિલિયનનું 2020માં હતું જે 9.4% CAGR દર થી વધી ને વર્ષ 2030 સુધીમાં 50 બિલિયન USD થવાની શક્યતા છે.

Most Popular

To Top