Sports

LSG vs RCB

છેલ્લી ઓવરમાં ઋષભ પંતનો માસ્ટરસ્ટ્રોક, દિગ્વેશ રાઠીએ 6 બોલમાં બેંગલુરુ પાસેથી છીનવી લીધી જીત

આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલો મુકાબલો છેલ્લી ઓવર સુધી રોમાંચથી ભરેલો રહ્યો હતો. એક સમયે મેચ સંપૂર્ણપણે RCB તરફ ઝૂકતી દેખાઈ રહી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં કેપ્ટન ઋષભ પંતના એક સાહસિક નિર્ણયે આખી મેચનું ચિત્ર બદલી નાખ્યું. દિગ્વેશ રાઠી, જેમણે અગાઉના ત્રણ ઓવરમાં ભારે રન આપ્યા હતા, તેમને અંતિમ ઓવર સોંપવાનો નિર્ણય શરૂઆતમાં જોખમી લાગ્યો હતો, પરંતુ આ જ નિર્ણય લખનૌ માટે જીતનો ટર્નિંગ પોઈન્ટ બન્યો.

મેચ વરસાદથી પ્રભાવિત રહ્યો હતો અને બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. પહેલા બેટિંગ કરતાં લખનૌ સુપર જાયન્ટ્સે મિચેલ માર્શની શાનદાર સદીના આધારે વિશાળ સ્કોર ઉભો કર્યો. માર્શે આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં RCBના બોલરો પર દબાણ બનાવ્યું અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. લખનૌના બેટ્સમેનોએ અંતિમ ઓવરોમાં ઝડપી રન ઉમેરતાં બેંગલુરુ સામે મોટો લક્ષ્યાંક મૂક્યો.

જવાબમાં RCBએ પણ જબરદસ્ત લડત આપી હતી. ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા અને રોમારિયો શેફર્ડે અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરતાં મેચને સંપૂર્ણપણે જીવંત રાખી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે બેંગલુરુ સરળતાથી જીત મેળવી લેશે. છેલ્લી ઓવરમાં RCBને જીત માટે 20 રનની જરૂર હતી અને તમામ દબાણ લખનૌ પર હતું.

આ સમયે ઋષભ પંતે સૌને ચોંકાવી દિગ્વેશ રાઠીને બોલિંગ સોંપી. રાઠીએ શરૂઆતની ત્રણ બોલમાં માત્ર બે રન આપીને મેચનું દબાણ ફરી RCB પર મૂકી દીધું. એક વાઇડ બાદ પણ બેંગલુરુને છેલ્લી ત્રણ બોલમાં ત્રણ છગ્ગાની જરૂર પડી ગઈ. રોમારિયો શેફર્ડે ચોથી બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ ત્યાં સુધી મેચ લગભગ લખનૌની ઝોળીમાં જઈ ચૂકી હતી. દિગ્વેશ રાઠીની શાનદાર ડેથ બોલિંગ અને ઋષભ પંતની સ્માર્ટ કેપ્ટન્સીના કારણે લખનૌએ 9 રનથી રોમાંચક જીત નોંધાવી.

આ જીત લખનૌ માટે ખાસ મહત્વની રહી હતી, કારણ કે ટીમ લાંબા સમયથી પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત માટે સંઘર્ષ કરી રહી હતી. સતત હાર બાદ આખરે લખનૌએ પોતાના ચાહકોને જીતની ખુશી આપી. બીજી તરફ RCB માટે આ હાર નિરાશાજનક રહી, કારણ કે જીત લગભગ તેમની પકડમાં હતી. ક્રિકેટ નિષ્ણાતો હવે ઋષભ પંતના આ નિર્ણયને આઈપીએલ 2026ના સૌથી મોટા “કૅપ્ટનસી માસ્ટરસ્ટ્રોક” તરીકે ગણાવી રહ્યા છે.

Most Popular

To Top