સુરતમાં ગુજરાત પોલીસની પસંદગી પ્રક્રિયા શરૂ
ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આગામી 9 થી 13 મે 2026 દરમિયાન યોજાનારી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસની ટીમ તૈયાર કરવા સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી એરો એકેડેમી ખાતે પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સિલેક્શન કેમ્પમાં રાજ્યભરના 42 ચુનંદા પોલીસ કર્મચારી અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
આ પસંદગી પ્રક્રિયા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે. સાથે નાયબ પોલીસ કમિશનર એલ.એ. ઝાલા, પોલીસ હેડક્વાર્ટરના મદદનીશ પોલીસ કમિશનર એમ.કે. રાણા, બેડમિન્ટન કોચ એસ.બી. રાવત અને ટેબલ ટેનિસ કોચ નીરવ અગ્રવાલ દ્વારા ખેલાડીઓની મેરિટ આધારિત પસંદગી કરવામાં આવી રહી છે.
આ કેમ્પમાં પોલીસ કર્મચારીોથી લઈને ઉચ્ચ અધિકારીઓ તેમજ આઈપીએસ અધિકારી રાહુલ ત્રિપાઠી પણ ખેલાડી તરીકે હાજરી આપી પોતાની પસંદગી માટે પ્રયત્નશીલ રહ્યા હતા. ખેલાડીઓ ઉત્સાહભેર પરસેવો વહાવીને ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ કરવા તૈયારી કરી રહ્યા છે. ગુજરાત પોલીસ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં દેશભરમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન માટે જાણીતી રહી છે, જ્યારે ટેબલ ટેનિસમાં પણ રાજ્યની ટીમે નોંધપાત્ર સફળતા મેળવી છે.આ પરંપરા જાળવી રાખવા માટે ખેલાડીઓને ફિટનેસ, ટેકનિક અને રમતની વ્યૂહરચના અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
રાજ્યના ડીજીપી ડૉ. પી.એલ. રાવ દ્વારા આ સમગ્ર ટીમ તૈયાર કરવાની જવાબદારી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સોંપવામાં આવી છે. ખાસ નોંધનીય છે કે મદદનીશ પોલીસ કમિશનર એમ.કે. રાણા પોતે ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન મેળવી ચૂક્યા હોવાથી તેમને પણ પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
20 એપ્રિલથી શરૂ થયેલા આ કેમ્પ દરમિયાન ખેલાડીઓની પ્રતિભા અને પ્રદર્શનના આધારે અંતિમ ટીમ જાહેર કરવામાં આવશે. સમગ્ર આયોજનમાં સ્પોર્ટ્સ સહાયક તરીકે પરેશ ત્રિપાઠી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. જયારે ગુજરાત પોલીસની ટીમ આ વર્ષે પણ ઓલ ઇન્ડિયા પોલીસ ટુર્નામેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરી રાજ્યનું નામ દેશભરમાં ગૌરવપૂર્ણ બનાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.