Vadodara

જરોદ નજીક લીલોરા ગામે 7 દિવસના નવજાતનું અપહરણ

વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામે માતાની સાથે સુતેલા 7 દિવસના નવજાત બાળકનું અપહરણ થઇ જતા પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં DYSP કલ્પેશ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર દોડી ગયા હતા અને ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લઇને બાળકની શોધખોળ શરૂ કરી છે

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામે રહેતા પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકના પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતા પોતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજુ જન્મેલું 7 દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠયા હતા. સંગીતાબેનને અગાઉની ડિલીવરીમાં એક અઢી વર્ષની બાળકી છે, હાલ તાજું જન્મેલું 7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતા માતા સંગીતાબેન ભાંગી પડ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

દરમિયાન લીલોરા ગામમાં રહેતી માતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેના લગ્ન બોરસદ ખાતે થયા હતા. જેની ડિલીવરીના છેલ્લા દિવસોમાં તેઓ સાસરીમાંથી પિતાના ઘરે આવ્યાં હતાં. અને 15 ઓક્ટોબરના રોજ જરોદની હોસ્પિટલમાં તેમને બાળકનો જન્મ થયો હતો. 20 ઓક્ટોબરના રોજ રાતે તેઓ પોતાના પિતાના ઘરના આગળના ભાગે કાચા ઝુંપડામાં ખાટલા પર નવજાત બાળક સાથે સુતા હતા. તે વખતે તેમની માતા પણ નજીકમાં સુતી હતી.

રાતે દોઢ વાગ્યાની આસપાસ તેમનું બાળક જાગી ગયું હતું. જોકે, બાળક સુઇ ગયા બાદ તેઓ પણ સુઇ ગયા હતા. રાતે 2 વાગ્યાની આસપાસ તેમણે પડખુ ફેરવી હાથ ફેરવતા બાળક મળી આવ્યું ન હતું. જેથી માતાએ બાળક મળતું ન હોવાની જાણ પરિવારને કરી આસપાસ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતા બાળકનો કોઈ પત્તો ન મળતા આખરે પોલીસને જાણ કરાઇ હતી. બાળકના અપહરણની જાણ થતાં જ વાઘોડિયા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં DYSP કલ્પેશ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લઇને બાળકની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top