Columns

કિંમતી ભેટ

એક દિવસ લક્ષ્મીજી અને ભગવાન નારાયણ વચ્ચે મીઠી નોકઝોંક ચાલતી હતી.લક્ષ્મી દેવીએ કહ્યું, ‘પ્રભુ, ભલે તમે સર્વશક્તિમાન ગણાવ, સૃષ્ટિના પાલનકર્તા કહેવાવ છો, પણ ખરાબ નહિ લગાડતા, પૃથ્વી પર રહેતાં માણસોને જે જોઈએ તે હું જ આપું છું એટલે બધા મારી જ ભક્તિ કરે છે.બધા મને જ પ્રસન્ન કરવા માટે પ્રયત્નશીલ રહે છે કારણ કે હું પ્રસન્ન થઈને મનવાંછિત મૂલ્યવાન ભેટ આપું છું.’ ભગવાન નારાયણ મીઠું અને લુચ્ચું હસ્યા અને બોલ્યા, ‘દેવી, તમારી વાત સાચી, તમે ઘણી અણમોલ ભેટ મનુષ્યોને આપી તેમને સુખી કરો છો, પણ મેં તેમને એવી અમૂલ્ય ભેટ આપી છે જેનું કોઈ મૂલ્ય નથી અને મારી ભેટ સામે તમારી આપેલી કિંમતીમાં કિંમતી ભેટ નકામી છે.પ્રકૃતિ પોતે એવી ભેટ આપે છે જેની સામે તમારી મૂલ્યવાન ભેટ નકામી છે.’

લક્ષ્મીજી આવો જવાબ સાંભળી ચોંકી ઊઠ્યા અને બોલ્યાં, ‘મારી આપેલી મૂલ્યવાન ભેટ કરતાં વધુ મૂલ્યવાન શું હોઈ શકે? એવું તે તમે શું મનુષ્યોને આપ્યું છે અને પહેલાં મને કહો, એવું તે પ્રકૃતિ શું આપે છે, જેની સામે મારી આપેલી મૂલ્યવાન ભેટની કોઈ કિંમત નથી.’ ભગવાન નારાયણ બોલ્યા, ‘દેવી, શાંત મને વિચારો. પ્રકૃતિ દેવી મનુષ્યને કોઈ ભેદભાવ કે તેનાં કર્મોના હિસાબ વિના શ્વાસ લેવા પ્રાણવાયુ, પીવા માટે પાણી અને ખાવા માટે અનાજ, ફળ, શાકભાજી આપે છે અને મનુષ્યને માટે તમારી આપેલી કિંમતી ભેટ કરતાં વધુ જરૂરી છે. શ્વાસ લેવા માટે હવા, તરસ છીપાવવા પાણી અને ભૂખ સંતોષવા અન્ન.તમારી કોઈ પણ અતિ મૂલ્યવાન ભેટ આ ત્રણ કાર્યો ન કરી શકે માટે તે નકામી છે.’ ભગવાનનો જવાબ સાંભળી લક્ષ્મી દેવી કંઈ ન બોલ્યાં, પણ તેમનો સંવાદ સાંભળી રહેલા નારદજીએ પૂછ્યું, ‘ચાલો ભગવન્, પ્રકૃતિ તો સંસારના નિયમો અનુસાર બધું મનુષ્યોને આપે છે, જે જરૂરી છે.પણ તમે એવી કઈ ભેટ આપી છે જે દેવી લક્ષ્મી દ્વારા અપાયેલી મૂલ્યવાન ભેટો કરતાં વધુ કિંમતી છે?’ લક્ષ્મીજી પણ પ્રભુનો ઉત્તર સાંભળવા આતુર બન્યાં. ભગવાન નારાયણ બોલ્યા, ‘નારદ, દેવી લક્ષ્મીની કૃપા જલ્દી મળતી નથી.જયારે હું તો મારા ભક્તોના પ્રેમથી જ જીતાઈ જાઉં છું.મેં મારા ભક્તોને મનની શાંતિ આપી છે…પૃથ્વી પર જીવન જીવવાનો આનંદ આપ્યો છે …મેં રોજ રાતની નિરાંતની ઊંઘ આપી છે…સ્નેહ –સંતોષ અને શ્રદ્ધાની ભેટ આપી છે.આ બધું જ લક્ષ્મીજીની મૂલ્યવાન ભેટો સોનું- ચાંદી,હીરા-મોતી, જમીન..વગેરે વગેરે સામે અમૂલ્ય છે.’ લક્ષ્મીજી બોલ્યાં, ‘સાચી વાત છે પ્રભુ, તમારી આપેલી ભેટો અમૂલ્ય છે, પણ માણસ તે સમજ્યા વિના મારી આપેલી ભેટો મેળવવા દોટ મૂકે છે. તેને થોડું જ્ઞાન આપો.’ ભગવાન ફરી હસ્યા અને બોલ્યા, ‘દેવી, હું અને તમે આપી રહ્યાં છીએ, શું લેવું તે હવે માણસને નક્કી કરવા દઇએ.’

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top